હળવદ પંથકમાં દિન-પ્રતિદિન બેફામ ગતિએ દોડતા વાહનોના કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામે હનુમાનજીના મંદિર સામેથી પસાર થઇ રહેલ ચાર વર્ષની બાળકીને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતા બાળકી ઇજાગ્રસ્ત થઇ હતી જેથી બાળકીને ચરાડવા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે કારચાલક સામે બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામે ગત તારીખ 14 ના રોજ પારણમાંથી વળતી સમયે સાંજે છ વાગ્યાના અરસામાં ચાર વર્ષીય બાળકી ધ્યાની સાથે તેના દાદી હનુમાનજી મંદિર પાસેથી પસાર થતા હતા તે વેળાએ પૂરપાટ ઝડપે આવતી કાર નંબર જીજે-36-આર-9218ના ચાલકે ધ્યાનીને અડફેટે લીધી હતી જેના પગલે બાળકીને પગમાં ઈજાઓ પહોંચતા ચરાડવા ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે બનાવની હળવદ પોલીસ મથકે બાળકીની માતા હેતલ અશ્વિનભાઈ સોનાગ્રાએ ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.