કૉંગ્રેસના આક્રમક વિરોધના પગલે એરપોર્ટ ઓથોરિટીએ ઈન્ટરનેશનલ ફ્લાઇટ બાબતે કરવો પડ્યો સાચો ખુલાસો
કોંગ્રેસ અગ્રણીઓ અશોકસિંહ વાઘેલા, રોહિતસિંહ રાજપુત, સુરેશ બથવારના ભાજપ સરકાર પર પ્રહારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રૂા. 1400 કરોડના પ્રજાના ટેક્ષના પૈસા ખર્ચીને ભાજપના મધ્યપ્રદેશના એક મોટા નેતાના મળતિયાઓને ઈન્ટરનેશનલ એરપોર્ટનો કોન્ટ્રાક્ટ આપી ખટાવી દેવામાં આવ્યા, પરંતુ સૌરાષ્ટ્રની જનતાને ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ મળ્યું નહીં અને સુવિધાઓ ડોમેસ્ટિક એરપોર્ટ જેટલી પણ નથી અને કરોડોના ખર્ચ પછી ભ્રષ્ટાચારની સાક્ષી પુરતુ થોડા સમય પહેલાં સામાન્ય વરસાદમાં કેનોપીનું ડોમ ધરાશાયી થયું હતું. આ ગંભીર બેદરકારી બાબતે પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સામે પગલાંઓ ભરવામાં આવ્યા નથી. ચૂંટણીઓમાં મત લેવાની લાલચમાં વડાપ્રધાનના હસ્તે ઉતાવળે લોકાર્પણ કરી ભાજપના નેતાઓ જેને ઉર્જાનું પાવરહાઉસ કહ્યું હતું તે કરોડો રૂપિયા ભ્રષ્ટાચારનું કેન્દ્રહાઉસ બન્યું છે. એરપોર્ટ ઓથોરિટીએ એ જ વાતનો સ્વીકાર કર્યો છે કે ઈન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓ તો ઠીક ડોમેસ્ટિક ફ્લાઇટની સેવામાં પણ અનેક ક્ષતિઓ રહેલી છે ત્યારે રાજકોટનું રેસકોર્સ સ્થિત જુનું એરપોર્ટ સમગ્ર સૌરાષ્ટ્ર સાથે બસ-ટ્રેન વ્યવહાર સાથે જોડાયેલુ અને જનતાને અનુકુળ હતું ત્યારે ઈન્ટરનેશનલ એરપોર્ટના નામે અબજોના આંધણ બાદ લોકોને 36 કિ.મી દૂર ધક્કા ખાવાના, ટ્રાફિક – ટ્રાન્સપોર્ટ સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે ભાજપની માનસિકતા પ્રજાને જે કરવું હોય તે કરે ભલે ભાડમાં જાય પણ આપણે આપણો ફાયદા જોવોનો, અંગત મળતિયાઓને ફાયદો પહોંચાડી કમલમ કાર્યાલયો માલામાલ થવા જોઈએ આ જ ભાજપની નીતિ-રીતિ રહી છે.
વધુમાં અમદાવાદ સ્થિત રહેલ અદાણી એરપોર્ટને કોઇ જાતનું નુકશાન ના પહોંચે માટે રાજકોટ એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટોનું કનેક્શન જાણી જોઈને અપાતું નથી એ હવે પ્રજાએ સમજવું પડશે અને ખોબલે ખોબલે મતોથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો પાસે જવાબ માંગવો પડશે અને તેમને કહેવું પડશે કે પક્ષને અને તેના મળતિયાઓને જે લાભો અપાવો છો તે સારી સુવિધાઓના લાભ પ્રજાને કયારે અપાવશો? ક્યાંક રાજકોટના જૂના એરપોર્ટની અબજોની કિંમતની જમીનો પોતાના મળતિયાઓને ખટાવવા જલ્દીથી એરપોર્ટનું સ્થળાંતર નથી કર્યું ને તેવા વેધક સવાલો ઉભા કરીને આકરા પ્રહારો કર્યા તેવું અંતમાં કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન અશોકસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત અને પ્રદેશ અગ્રણી સુરેશ બથવારની યાદીમાં જણાવાયું હતું.