મહેશગિરી રીઢા તહોમતદાર હોવાનો અરજીમાં આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જૂનાગઢમાં આવેલા પવિત્ર ધર્મ સ્થળ ગિરનારને સ્વચ્છ કરવા શરૂ કરાયેલી ઝુંબેશ દરમિયાન મહેશગિરી વિરુદ્ધ વધુ એક અરજી થઈ હોવાનું જાણવા મળે છે. ગત તા. 25/12/2024ના રોજ જૂનાગઢ એસ.પી.ને હેટ સ્પીચ બાબતે મહેશગિરી વિરુદ્ધ એફઆઈઆર નોંધવા એડવોકેટ હેમા શુક્લાએ એક અરજી કરી છે. આ અરજીમાં જણાવાયું છે કે, મહેશગિરીએ તા. 28-10-2023ને શરદ પૂનમના રોજ જૂનાગઢમાં ભારતી આશ્રમ ખાતે બોલાવેલી સનાતન ધર્મસભામાં સંતો, મહંતો, પત્રકારો અને જાહેર જનતાની હાજરીમાં પોતાના વક્તવ્ય દરમિયાન અલ્પસંખ્યક જૈન સમાજ વિરૂધ્ધ ઉશ્ર્કેરણીજનક અને ભડકાઉ ભાષણ આપેલું છે.
મહેશગિરીએ ગિરનાર કે દત્તાત્રેય ઉપર જનાર એકપણ નાગો બાવો (દિગંબર જૈન સાધુ) નીકળ્યો તો તેનું ધડ પડી જશે, માથું જુદુ થઈ જશે વગેરે જેવા ભાષણો કરી જૈન સમાજને ડરાવવાના અને અન્ય તમામ સમાજને જૈનો વિરૂધ્ધ ભડકાવવાના ભાષણો કરેલા છે. જે અંગેના વીડિયો યુટ્યુબ ઉપર ચાલી રહેલા છે અને તેનો જવાબ આપતા તથા ખંડન કરતા જૈન સાધુઓ વગેરેના વીડિયો પણ યુટ્યુબ ઉપર ચાલી રહેલા છે.
આ ધર્મસભા જે-તે સમયે સ્વામીનારાયણ સંપ્રદાયે સનાતન ધર્મ અને તેના દેવી દેવતાઓ ખાસ કરીને શ્રી હનુમાનજીની પ્રતિમા સાથે કરેલ દુર્વ્યવહાર અને ભાષણો વિરૂધ્ધ બોલાવેલી, કહેવાતી આ ધર્મસભામાં ધાર્મિક ભાષણના બહાને હિન્દુ ધર્મની એકતાનો ભંગ કરી જાહેર સુલેહશાંતિનો ભંગ કરવાના ઇરાદે અને હિન્દુ ધર્મના જ બે ફીરકાઓ વચ્ચે વયમનસ્ય /દુશ્ર્મનાવટ ફેલાય તેમજ સરકાર વિરૂધ્ધ દ્વેષભાવ ઉત્પન્ન થાય અને સમાજ ગેરમાર્ગે દોરાય તેવા ઇરાદે ભડકાઉ અને ઉશ્ર્કેરણીજનક ભાષણ કરવામાં આવેલા છે. જેનાથી સમસ્ત જૈન સમાજ શાસક અને રાજકીય પક્ષ ભાજપ વિરૂધ્ધ થઇ ગયેલ છે અને જૈન સમાજના અગ્રણીઓ અને સંતોએ આ અંગે વડાપ્રધાન તથા ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી રજૂઆત કરેલી છે.
આ ઉપરાંત મહેશગિરી હાલના કમંડળ કુંડના મહંત છે અને દત્તાત્રેય જવા માટે કમંડળ કુંડ જઇને જવું પડતું હોય છે અને દત્તાત્રેય જનારને તેઓ તરફથી ઘણી કનડગત થતી હોવાની ફરિયાદ પણ છે. આ અંગે જૈન સમાજ દ્વારા વિરોધરૂપે જૂનાગઢમાં રેલી વગેરેનું આયોજન કરી આવેદનપત્રો આપવામાં આવેલા છે. જેમાં આખા ભારતમાંથી બહોળી સંખ્યામાં જૈન સમાજ જૂનાગઢમાં ભવનાથ ખાતે એકત્રીત થયેલો હતો.
- Advertisement -
આ ઉપરાંત મહેશગિરી સામે અડધી રાત્રે હોસ્પીટલના આઈ.સી.યુ.માં જઈ બ્રેનડેડ દર્દીઓ કે શબના અંગૂઠા લેવા, ફર્જી દસ્તાવેજો બનાવી તેના દુરુપયોગ કરવા, ધાકધમકીથી ધાર્મિક જગ્યાઓનો કબ્જો લેવા, દસ્તાવેજોનો નાશ કરવા, સરકારી જમીનો ઉપર દબાણો કરવા, મંજૂરી વગરના બાંધકામો કરવા વગેરે કૃત્યોથી રીઢા તહોમતદાર છે.
તેઓએ ગત. તા. 28-10-2023ના રોજ કરેલો હેટ સ્પીચનો ગુનો પણ કોગ્નીઝેબલ ઓફેન્સ છે. જેની ફરિયાદ પોલીસ વાયરલ થયેલા વીડિયો તેમજ પ્રેસનોટ વગેરે ઉપરથી લઈ શકતી હતી અને લેવી જોઈતી હતી પરંતુ પોલીસે તે લીધેલ ન હોય હવે એડવોકેટ હેમા શુક્લાએ જૂનાગઢ એસપીને મહેશગિરી વિરુદ્ધ હેટ સ્પીચ સહિતનો ગુનો દાખલ કરવા વિસ્તૃત અરજી કરેલી છે.