સિદ્ધાર્થ રાઠોડ
યક્ષગાથા-4
- Advertisement -
પ્રસ્થાન:
અપરાધીઓ સમાજની રહેમદિલી પર જ નભતા હોય છે
(બેટમેન બીગીન્સ મુવિનો એક સંવાદ)
(અત્યાર સુધીમાં આપણે જોયું કે એક યક્ષ શ્રાપના કારણે પૃથ્વી પર આવી જાય છે. પછી તે પોતાની પ્રેમિકા શોધે છે અને ત્યારે તેને ખબર પડે છે કે તેની સગાઈ બીજા યુવક સાથે થઈ ગઈ છે. એટલામાં તેને ટીનો અને જીગો નામના બે યુવાન મળે છે. પછી, તે તેમની સાથે શહેરમાં ફરવા નીકળે છે. તેઓ તેને ખાવા માટે માવો ઑફર કરે છે અને તે ખાઈને યક્ષને ચક્કર આવવા માંડે છે. ત્યારબાદ તેઓ દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ચાલતા એક મોટીવેશનલ સેમિનારમાં જાય છે. ત્યારથી આગળ …)
- Advertisement -
યક્ષ: ઘોર આશ્ચર્ય. પૌરાણિક કાળમાં જ્યારે મારા બંધુઓ પૃથ્વી પર વિચરણ કરતા ત્યારે શિક્ષા નિ:શુલ્ક હતી. આ યુગમાં તો તેની પણ મુદ્રાઓ આપવી પડે છે.
ટીનો: હા ભાઈ, તેના માટે પણ પૈસા દેવાના થાય છે. અને અહીં તો પ્રાઇવેટ સ્કૂલો જ વર્ચસ્વ ધરાવે છે.
યક્ષ: પ્રિયા શબ્દ મને જ્ઞાત છે. આનો મતલબ શું થાય? પ્રિયા નામની કોઈ સન્નારીએ આરંભેલું એવું?
ટીનો: (હસતા હસતા) ના, પ્રાઇવેટ એટલે જેની માલિકી વ્યક્તિઓના હાથમાં હોય. સરકારી ન હોય એવું.
યક્ષ: ઠીક છે. હવે થોડું સમજાયું.
(થોડીવાર બેસીને તેઓ ત્યાંથી નીકળે છે. હવે તેઓ આગળ જતા હોય છે ત્યાં કોર્ટ પાસે તેઓ ભીડ જોઈને ઉભા રહી જાય છે. માણસોનો એક સમૂહ ત્યાં હાથમાં પોસ્ટરો લઈને જોરશોરથી નારા લગાવતો હોય છે. ટીનો અને જીગો બાઈકને થોભાવીને ત્યાં જાય છે, યક્ષ તેમની પાછળ પાછળ જાય છે.)
જીગો: આ શું ચાલે છે ભેરુ?
ટીનો: કંઈ ખબર નહી હો ભાઈ. તપાસ કરીએ તો જાણ થાય.
(જીગો આગળ ઉભેલા માણસોને પૂછે છે અને તેને ઝટકો
લાગે છે. સમસમીને તે પછી ટીનો અને યક્ષ ઉભા હતા ત્યાં આવે છે.)
ટીનો: શું થયું ભેરુ?
જીગો: અરે આ તો બધા માનવઅધિકારો વાળા છે. આંદોલન કરે છે.
યક્ષ: અહા, ધન્ય છે આવા માનવોને કે જે માનવોના અધિકારો માટે લડે છે. ક્યાં છે એ નરોત્તમ, તેમનો નેતા? તેના ચરણસ્પર્શ કરવા પડશે?
જીગો: (ગુસ્સે થઈને) શું ચરણ સ્પર્શ? આ સાલાવને મારવાની જરૂર છે. આ બધા આતંકવાદીઓના માનવ અધિકારો માટે લડે છે.
યક્ષ: ક્ષમા કરશો, પણ હું સમજ્યો નહી.
જીગો: ગયા અઠવાડિયે, કે ગોળીબારમાં દસ લોકો મૃત્યુ પામ્યા ત્યારે જેને ઘટનાસ્થળે જ રંગેહાથ પકડ્યા એ બધા આતંકવાદીઓને બચાવ કરવાનો મોકો આપવા આ બધા નાલાયકો આંદોલન કરે છે.
યક્ષ: હે કુબેર, હે વિષ્ણુ! મૃત્યુલોક પર આવું બધું થાય છે તેની મને અપેક્ષા ન હતી. માણસોની હત્યા કરનારને શેની ક્ષમા અને શેનો અભય? ક્યાં છે તે નરાધમો? હું જ તેમને નરક પહોંચાડી દઉં.
(યક્ષ મારામારી કરે છે. પોલીસવાળા તેને પકડી લે છે. હજી યક્ષ પોતાની ઓળખ છતી કરે ત્યાં જ કુબેરને આ બધી હિલચાલની માહિતી મળતા તે તેને પાછો પોતાની સમીપ બોલાવી લે છે. ટીનો અને જીગો અવાચક થઈને જોતા રહે છે.)
(આવતા હપ્તે સમાપ્ત)
પૂર્ણાહુતિ:
યક્ષ: આકાશથી પણ વધુ ઊંચું કોણ હોય છે?
યુધિષ્ઠિર: પિતા