વીજ પુરવઠો ખોરવાતા 27 હજાર પરિવારો અંધારપટમાં: 50 રોડ તૂટ્યા, 100થી વધુ મકાનો ધરાશાયી
ગોતાખોરો સહિત 900થી વધુ બચાવકર્મીઓ કાર્યરત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણ કોરિયામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી 37 લોકોનાં મોત થયા છે જ્યારે અન્ય કેટલાક લાપતા થઇ ગયા છે. મીડિયા રિપોેર્ટ અનુસાર પૂરને કારણે હજારો લોકોને પોતાના ઘરો ખાલી કરવા પડયા છે.
હાલમાં સરકારી એજન્સીઓ પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરી રહી છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. કાદવમાં ફસાયેલા 15 વાહનોમાંથી 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે 9 જુલાઇથી દક્ષિણ કોરિયામાં પડી રહેલા ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને મકાનો ધરાશયી થવાની અનેક ઘટનાઓ બની છે.
- Advertisement -
ચેઓંગજુ શહેરની એક સુરંગમાં ગોતાખોર સહિત 900 બચાવકર્મીઓ બચાવ અભિયાન ચલાવી રહ્યાં છે. આ સુરંગમાં શનિવાર સાંજે અચાનક આવેલા પૂરથી એક બસ તથા અનેક વાહન ફસાઇ ગયા હતાં.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટાઓ અને વીડિયો અનુસાર બચાવકર્મીઓ સુરંગમાં ભરાયેલા પાણીને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ફક્ત બે થી ત્રણ મિનિટમાં જ સુરંગમાં પાણી ભરાઇ ગયું હતું.
ફાયર વિભાગના અધિકારી યાંગ ચાન મોના જણાવ્યા અનુસાર સુરંગમાંથી સંપૂણ પાણી કાઢવામાં અનેક કલાકો લાગી શકે છે. છેલ્લે મળેલ સમાચાર મુજબ સુરંગમાં હજુ પણ ચાર થી પાંચ મીટર પાણી, કાદવ અને કાટમાળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરંગમાંથી 9 લોકોને જીવિત બચાવવામાં આવ્યા છે પણ અન્ય 10 લોકો લાપતા થયાના સમાચાર છે.
8850થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે જ્યારે વીજ પુરવઠો ખોરવવાને કારણે 27,260 પરિવારો છેલ્લા કેટલાક દિવસોથી અંધારપટમાં છે. વરસાદને કારણે 50 રોડ તૂટી ગયા છે અને 100થી વધુ મકાનો ધરાશયી થયા છે. દક્ષિણ કોરિયાના પ્રમુખે પોલેન્ડ રવાના થતા પહેલા વરસાદ આધારિત ઘટનાઓની સમીક્ષા કરવા માટે ઇમરજન્સી બેઠક બોલાવી હતી.