હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગત રોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિતનાં વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.
બે તાલુકા તથા 3 જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પડ્યો વરસાદ
- Advertisement -
રાજ્યમાં ધીમી ગતિએ ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. જેમાં બે તાલુકા તથા 3 જીલ્લાનાં ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરનાં ક્વાંટ તાલુકામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. પંચમહાલનાં કાલોલમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. સુરત, વલસાડ અને ગિરિ મથક સાપુતારામાં પણ વરસાદ પડ્યો હતો.
પર્વત પર ધુમ્મસની ચાદર પથરાતા અદ્ભુત નજારો
ગિરિ મથક સાપુતારા ખાતે સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો હતો. પર્વત પર ધુમ્મસની ચાદર પથરાતા અદ્ભૂત નજારો સર્જાયો હતો. વાદળછાયા માહોલ વચ્ચે ગરમીથી આંશિક રાહત મેળવી હતી. પ્રવાસીઓએ સાપુતારામાં વરસાદ પડતા વરસાદની મોજ માણી હતી.
- Advertisement -
વાપી, ઉમરગામ, સેલવાસ અને દમણમાં વરસાદી માહોલ
વલસાડ જીલ્લામાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાપી, ઉમરગામ, સેલવાસ અને દમણમાં વરસાદી માહોલ સર્જાયો હતો. સવારે ધીમીધારે વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા. સવારે વરસાદ પડતાની સાથે જ વીજળી ગુલ થતાં રહીશોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
સુરતનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. ગ્રામ્ય પંથક બારડોલી, માંડવી, મહુવા, ઓલપાડ, માંગરોળ, પલસાણામાં વરસાદી માહોલ છવાયો હતો. લોકોને અસહ્ય ગરમીમાંથી આંશિંક રાહત મળી હતી. વરસાદ પડતા વાતાવરમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.