જૂનાગઢ ખાતે યોજાયેલા આયુષ મેળામાં આયુર્વેદિક ભસ્મ અંગે રસપ્રદ વિગતો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
- Advertisement -
આજનું આધુનિક વિજ્ઞાન જ્યારે ’નેનો ટેકનોલોજી’ની વાતો કરે છે, ત્યારે ભારતનું પ્રાચીન આયુર્વેદ શાસ્ત્ર હજારો વર્ષોથી ’ભસ્મ’ દ્વારા અતિ સૂક્ષ્મ કણોથી અસાધ્ય રોગોના ઉપચારની ક્ષમતા ધરાવે છે. જૂનાગઢ ખાતે યોજાયેલા આયુષ મેળામાં આયુર્વેદિક ભસ્મ અંગે ફેલાયેલી ભ્રાંતિઓ દૂર કરતા જૂનાગઢ આયુર્વેદ કોલેજના રસશાસ્ત્ર વિભાગના ડો. રાહુલ શિંગાડીયાએ મહત્વની જાણકારી આપી હતી. ભસ્મ એ માત્ર રાખ નથી, પરંતુ શંખ, છીપલા, સોનું, ચાંદી અને લોખંડ જેવી ધાતુઓને વનસ્પતિના રસ સાથે મિશ્ર કરી, અગ્નિમાં પકવીને તૈયાર કરવામાં આવતું શુદ્ધ ઔષધ છે. ડો. શિંગાડીયા જણાવે છે કે, આયુર્વેદ મુજબ સૃષ્ટિની દરેક વસ્તુમાં ઔષધીય ગુણો છે, જો તેને શાસ્ત્રીય પદ્ધતિથી શુદ્ધ કરવામાં આવે તો તે અમૃત સમાન કાર્ય કરે છે. વિવિધ ભસ્મોના ફાયદા વિષે જણાવ્યું હતું કે, સુવર્ણ ભસ્મ: બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તેમને ’શ્રુતધર’ (એકવાર સાંભળીને યાદ રાખનાર) બનાવે છે. લોહ ભસ્મ: એનીમિયા અને કમળા જેવા રોગોમાં અત્યંત અસરકારક છે. શંખ/છીપલા ભસ્મ: કેલ્શિયમના શ્રેષ્ઠ સપ્લીમેન્ટ તરીકે કાર્ય કરે છે. ટીન ભસ્મ: ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂૂપ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયાના અધૂરા જ્ઞાનથી પ્રભાવિત થઈને જાતે ભસ્મનો ઉપયોગ કરવો જોખમી બની શકે છે. જો યોગ્ય પરેજી અને વૈદ્યની સલાહ વગર ભસ્મ લેવામાં આવે, તો તે શરીરમાં વિષ (ઝેર) જેવી વિપરીત અસર કરી શકે છે. આયુષ મેળામાં આયુષ નિયામક જયેશ પરમાર અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ મુલાકાત લઈ આયુર્વેદિક પ્રદર્શનને બિરદાવ્યું હતું. સ્થાનિક નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભસ્મ વિજ્ઞાન વિશેની ગેરસમજો દૂર કરી સાચી માહિતી મેળવી હતી.



