મહાપાલિકા દ્વારા 3 લાખ રાષ્ટ્રધ્વજનો ઓર્ડર
1 લાખનો જથ્થો આવી પહોંચતા વેચાણ હાથ ધરાશે: રૂ.30 કિંમત
- Advertisement -
રૂ.21નો 30 બાય 20નો તિરંગો અને રૂ.9માં ચાર ફુટની લાકડી ધ્વજ ફરકાવવા માટે આપવામાં આવશે
આગામી તા.13થી 15 હર ઘર તિરંગો ફરકાવવા કેન્દ્ર સરકારે જાહેર કરેલ અભિયાનમાં રાજકોટમાં 3 લાખ ધ્વજ ફરકાવવા માટે આયોજન છે અને આ માટે તા.6થી મનપાની 18 વોર્ડ ઓફિસથી તિરંગાનું વેચાણ શરૂ કરવામાં આવનાર છે. રૂ.21નો 30 બાય 20નો તિરંગો અને રૂ.9માં ચાર ફુટની લાકડી ધ્વજ ફરકાવવા માટે આપવામાં આવશે.
મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે કહયું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે હર ઘર તિરંગા અભિયાન હાથ ધરાયું છે. મનપા દ્વારા 3 લાખ ધ્વજનો ઓર્ડર આપી દેવાયો છે અને તેમાંથી 1 લાખ ધ્વજ આવી જતા તેનું વિતરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. શહેરના તમામ ઘરોમાં રાષ્ટ્રધ્વજ લહેરાય તે માટે આયોજન કરવામાં આવેલ છે. હાલ વોર્ડ ઓફિસેથી ધ્વજ મળી શકશે. બાદમાં જરૂર પડયે શહેરના ચોકે ચોકે સ્ટોલ ખોલીને વિતરણ માટે પણ આયોજન કરાયું છે. રાજકોટ શહેર રાષ્ટ્રભક્તિ મય બને તે માટે તમામ શહેરીજનો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ લહેરાવે તવી લોકોને અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
કલાર્ક પાસે 30 રૂપિયા જમા કરાવી મનપાના દરેક કર્મચારીને ધ્વજ લેવા ફરમાન કરાયું
મનપાની આરોગ્યશાખાએ તો દરેક કર્મચારીને વોટ્સએપમાં પરિપત્ર કર્યો છે અને તેમાં જણાવ્યું છે કે તમામ કાયમી, કરાર આધારિત અને આઉટ સોર્સિંગ હેઠળ કામ કરતા કર્મચારીઓએ કચેરીમાંથી રાષ્ટ્રધ્વજની ખરીદી કરવાની રહેશે અને 30 રૂપિયા કચેરીના હેડક્લાર્કને નામ સાથે આપીને રાષ્ટ્રધ્વજ મેળવવાનો રહેશે. આ ખરીદી 10 તારીખ સુધીમાં કરવાની રહેશે.
મનપાની માત્ર આરોગ્યશાખા જ નહીં પણ દરેક શાખાએ પોતાના કર્મચારીઓને આ રીતે રાષ્ટ્રધ્વજની ખરીદી કરવાનું ફરમાન કર્યું છે ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય કે રાષ્ટ્રધ્વજની ખરીદી કરવાની ફરજ ક્યા નિયમો આધારે પાડી શકાય? તેમજ રાષ્ટ્રધ્વજ માટે કર્મચારી બીજા સ્થળોએથી પણ ખરીદી શકે છે આમ છતાં કચેરીનો જ આગ્રહ કેમ રખાય છે?
એક જ ઘરમાં બે કર્મચારી હોય, વિદ્યાર્થી હોય તો બધાએ લેવાના!
ઘણા ઘર એવા હોય છે જેમાં પતિ-પત્ની બંને સરકારી કર્મચારી હોય અથવા તો સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હોય અથવા એક જ ઘરમાં રહેતા પરિવારના બીજા સભ્ય પણ આ રીતે સરકારી કચેરીમાં હોય છે. આ તમામને ધ્વજ લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. આ રીતે એક જ ઘરમાં એક કરતા વધુ રાષ્ટ્રધ્વજ દેવા પ્રયાસો થઈ રહ્યા છે વિકલ્પ અપાતા નથી.