ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
ફી વધારાના કારણે ટેક કંપનીઓ અટકી જશે, ઇં-1ઇ વિઝાનો 70% લાભ લેતા ભારતીય પ્રોફેશનલ્સની આવક પર બ્રેક
- Advertisement -
અમેરિકા ખંડ શોધાયો ત્યારથી જ વિશ્વના લોકોનો એ દેશ પ્રત્યે ધસારો શરૂ થયો છે. અને એ જે અવિરત ધસારો શરૂ થયો છે એ હજુ આજે પણ ચાલુ છે. સૌ પ્રથમ યુરોપ અને ઈંગ્લેન્ડના લોકો અમેરિકા પ્રત્યે આકર્ષાયા અને ત્યાં દોડ્યા હતા. પછી ચીનાઓ ત્યાં ગયા, જાપાનીઝો ત્યાં ગયા. વિશ્વના બીજા બધા લોકો પણ ત્યાં ગયા અને છેવટે ભારત આઝાદ થયું ત્યારબાદ થોડા વર્ષો પછી ભારતીયો પણ ત્યાં જવા લાગ્યા. એમાં પણ જ્યારે અમેરિકાની યુનિવર્સિટીઓએ ઈંગ્લેંડની યુનિવર્સિટીઓને પાછળ મૂકી દીધી અને એજ્યુકેશનની બાબતમાં અગ્રતા મેળવી ત્યારે તો ભારતીયો ઈંગ્લેન્ડને બદલે અમેરિકામાં ભણવા જવા લાગ્યા. ભારતીયો ત્યારબાદ અમેરિકામાં નોકરી કરવા પણ જવા લાગ્યા. વર્ષ 2000માં જ્યારે કોમ્પ્યુટરનો હાઉ ઊભો થયો ત્યારે અમેરિકામાં સેંકડો ભારતીયો અમેરિકાએ વર્ષ 1990માં ઘડેલા, ખાસ આવડતવાળા ગ્રેજ્યુએટો માટેના એચ-1બી વિઝા ઉપર ગયા. આમ વિશ્વના બધા જ લોકો અમેરિકા પ્રત્યે આકર્ષાયા અને અમેરિકા જવા લાગ્યા.
આ પ્રવાહને ખાળવા અમેરિકાએ જાતજાતના કાયદાઓ ઘડયા અને કાયદા દ્વારા અમેરિકામાં પ્રવેશતા લોકોનું તેઓ નિયંત્રણ કરવા લાગ્યા. સૌ પ્રથમ એમણે એવું ઠરાવ્યું કે જેમની આગળ ઓછામાં ઓછા પંદર ડોલર હોય એમને જ અમેરિકામાં પ્રવેશ આપવો. પછી એમણે હેડ ટેક્સ નાખવાનો શરૂ કર્યો. જેની શરૂઆત પચાસ સેન્ટથી થઈ. તમારે અમેરિકામાં પ્રવેશવું હોય તો તમારે પચાસ સેન્ટ આપવાના. આ રકમ ધીરે ધીરે વધતી ગઈ. અને હવે એને આપણે વિઝાના રૂપમાં ઓળખીએ છીએ. ત્યારબાદ અમેરિકાએ જાતજાતના કાયદાઓ ઘડયા. અને પરદેશીઓને અમેરિકામાં આવતા રોકવાના પ્રયત્નો કરવાના શરૂ કર્યા. એમને જેવા પ્રકારના લોકો જોઈએ, જે જાણકારીવાળા લોકો જોઈએ, જેટલી સંખ્યામાં જોઈએ, એટલાને જ તેઓ પ્રવેશ આપવા લાગ્યા. પણ આ એચ-1બી વિઝા જેની વાર્ષિક સંખ્યા જ્યારે અમેરિકાને કોમ્પ્યુટર માટે કોમ્પ્યુટરના વૈજ્ઞાનિકોની ખાસ જરૂર હતી ત્યારે એમણે વધારી. એક વાર નહીં બબ્બે, ત્રણ-ત્રણ વાર વધારી. પછી એ ઓછી કરી. હાલમાં એચ-1બી વિઝા ઉપર એક વર્ષમાં 65,000 પરદેશીઓ અમેરિકામાં પ્રવેશી શકે છે.
અને જેમણે અમેરિકાની યુનિવર્સિટીઓમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરીંગ અને મેથેમેટીક્સ આ વિષયમાં માસ્ટર્સનો કોર્સ કર્યો હોય છે એવા બીજા 25,000 લોકોને અમેરિકામાં પ્રવેશ આપવો એવું ઠરાવ્યું. એ બધા ગ્રેજ્યુએટ હોવા જોઈએ. એમને અમેરિકામાં પ્રવેશ આપવો એવું ઠરાવવામાં આવ્યું. આ એચ-1બી વિઝા ઉપર પરદેશી અમેરિકામાં કામ કરવા છ વર્ષ રહી શકે છે. શરૂઆતમાં એમને ત્રણ વર્ષના વિઝા આપવામાં આવે છે. પછી અમેરિકન માલિકોને જરૂરિયાત જણાય તો અરજી કરતા બીજા ત્રણ વર્ષના વિઝા આપવામાં આવે છે. આ એચ-1બી વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયોએ લીધો છે. લગભગ સિત્તેર ટકા જેટલા એચ-1બી વિઝા ભારતીયો મેળવે છે. ભારતીયો કોમ્પ્યુટર નિષ્ણાંતો તો છે જ પણ અમેરિકાની યુનિવર્સિટીઓમાં, અમેરિકાની હોસ્પિટલોમાં અને અન્ય કામોમાં પણ ભારતીયો અમેરિકામાં કામ કરવા જાય છે. ભારતીયો ખૂબ હોશિયાર છે. આથી ભારતીયો એચ-1બી વિઝા સૌથી વધુ પ્રમાણમાં મેળવે છે.
- Advertisement -
અમેરિકાના બીજી વાર બનેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એવું જણાયું કે ભારતીયો એચ-1બી વિઝા પર આવીને અમેરિકનોની નોકરી છીનવી લે છે. આથી એમણે એ પ્રવાહને રોકવા માટે એચ-1બી વિઝાની જે ફી 205 ડોલરની હતી એ રાતોરાત વધારીને એક લાખ ડોલરની કરી. 20મી સપ્ટેમ્બર, 2025ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસિડેન્ટશિયલ મેમો ઉપર સહી કરીને બીજા દિવસથી એચ-1બી વિઝાની ફીમાં આટલો બધો ધરખમ, કોઈએ કદી વિચાર્યો ન હોય એવો, વધારો કર્યો. 205 ડોલરના સીધા એક લાખ ડોલર કરી નાખ્યા! આની અસર એ થશે કે અમેરિકન માલિકો જેઓ પરદેશથી અને ખાસ કરીને ભારતમાંથી ભણેલા-ગણેલા કોમ્પ્યુટર સાયન્સમાં નિષ્ણાંત એવા લોકોને પોતાને ત્યાં કામ કરવા બોલાવતા હતા તેઓ અટકી જશે. ભારતીયો જેઓ અમેરિકા જઈને કામ કરીને પુષ્કળ પૈસા કમાતા હતા એમની એ આવક બંધ થઈ જશે. એમણે અમેરિકા સિવાય બીજે ભારતમાં અથવા તો કેનેડા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેંડ, સિંગાપોર આવા બધા દેશોમાં નોકરી શોધવી પડશે. ચાઈનાએ તો અમેરિકાના આ પગલાં પછી એવી જાહેરાત કરી છે કે ભારતીયો ચાઈનામાં કામ કરવા આવી શકે છે. એમને પહેલેથી નોકરી મેળવવાની પણ જરૂર નથી.
ત્યાં આવીને તેઓ નોકરી શોધી શકે છે. આ માટે તેમણે ખાસ તાબડતોબ કે વિઝા ઘડયા. ટૂંકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનું નાક દબાવવાની કોશિશ કરી છે. પણ તેઓ ભૂલી જાય છે કે વિદ્વાન સર્વત્ર પૂજયતે. ભારતીયો હોશિયાર છે, ભણેલા-ગણેલા છે, જાણકાર છે, કોમ્પ્યુટરમાં નિષ્ણાંત છે. આવા લોકોની અમેરિકાને જરૂર છે. એમને ત્યાં આવા લોકો નથી. આથી એચ-1બી વિઝાની આ જે ફી આટલી બધી ધરખમ વધારી મૂકી છે એના લીધે અમેરિકન માલિકો જરૂર હોવા છતાં ભારતીયોને કે અન્ય કોઈને પોતાને ત્યાં કામ કરવા આમંત્રી નહીં શકે. આ કારણસર ભારતીય વ્યક્તિઓ જેઓ ભણેલા,ગણેલા છે, કોમ્પ્યુટર નિષ્ણાંત છે એ ભારતમાં રહીને કામ કરશે. અથવા તો વિશ્વના અન્ય દેશોમાં કામ કરવા જશે. કદાચ ચાઈનામાં પણ કામ કરવા જાય. આથી ફાયદો ભારતને અને વિશ્વના અન્ય દેશોને થશે. ‘ખાસ ખબર’ના વાચકમિત્ર, તમને ખબર છે અન્ય પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા માટે પણ અમેરિકા સારી એવી ફી લે છે. તમારે જો અમેરિકામાં બિઝનેસમેન તરીકે કે ટુરિસ્ટ તરીકે જવું હોય અને બી-1/બી-2 વિઝા મેળવવા હોય તો એની વિઝા ફી 185 ડોલર છે. વિદ્યાર્થી તરીકે એફ-1 વિઝા મેળવીને જવું હોય તો એની ફી 185 ડોલર છે.
અમેરિકન સિટીઝન જોડે અમેરિકામાં લગ્ન કરવા ઈચ્છતા હોવ તો જો અમેરિકન સિટીઝનને પાછલા બે વર્ષમાં એક વાર પણ મળ્યા હોવ તો અમેરિકન સિટીઝન તમારા લાભ માટે કે-1 વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે. એ મેળવીને તમે અમેરિકામાં પ્રવેશીને એ અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરી શકો છો. આ કે-1 વિઝાની ફી 265 ડોલર છે. જે લોકો સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા અમેરિકા જાય છે. આપણા નાટ્યકારો જેઓ નાટક ભજવવા અમેરિકા જાય છે. આમના માટે ખાસ પી વિઝા ઘડવામાં આવ્યા છે. અને પી વિઝાની ફી પણ 205 ડોલર છે. ધર્મગુરુઓ અને ધાર્મિક સ્થળોમાં કામ કરતી વ્યક્તિઓને અમેરિકામાં જો કામ કરવા જવું હોય તો આર વિઝા મેળવવા પડે છે. એની ફી પણ 205 ડોલર છે. અખબારના પ્રતિનિધિઓ, રિપોર્ટરો જેઓ અમેરિકા જવા ઈચ્છતા હોય એમને આઈ વિઝા મેળવવા પડે છે. અને આઈ વિઝાની ફી 185 ડોલર છે. આમ અમેરિકાના જુદા જુદા પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝાની ફી પણ ખૂબ જ મોટી છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પે તો કમાલ કરી નાખી છે! એચ-1બી વિઝાની ફી જે 205 ડોલર હતી એ વધારીને એક લાખ ડોલરની કરી નાખી છે. હવે જોવાનું છે કે આ વધારાની અસર અમેરિકા, ભારત ઉપર અને વિશ્વના અન્ય દેશો ઉપર કેવી પડે છે.