લાંબા સમયથી મહારાષ્ટ્રમાં પ્રોજેકટ સ્થાપવા માટે સાઉદી
કંપનીના પ્રયાસોમાં ધીમી ગતિથી હવે ગુજરાત ભણી નજર
રાજ્યમાં ત્રણ રિફાઇનરીઓ મોજુદ હોવાથી સાઉદીની કંપની ગુજરાત માટે વધુ ઉત્સુક: 100 બિલિયન ડોલરનું રોકાણ આવશે
- Advertisement -
આગામી મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી મુલાકાત સમયે જાહેરાત શક્ય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી સમયમાં ઓઇલ રીફાઇનરીનો વધુ એક મેગા પ્રોજેકટ ગુજરાતમાં સ્થાપવામાં આવે તેવા સંકેત છે. વિશ્ર્વની સૌથી મોટી સાઉદી અરેબીયાની ક્રુડ ઓઇલ કંપની અરામકો ભારતમાં મેગા રીફાઇનરી સ્થાપવા આગળ વધી રહી છે. એક તબકકે તેને મહારાષ્ટ્રમાં આ રીફાઇનરી સ્થાપવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા પરંતુ અહીં જમીન સહિતના મુદ્દે અત્યંત ધીમી પ્રક્રિયા હોવાથી અરામકોએ હવે ગુજરાતમાં ઓએનજીસી સાથે રહીને આ રીફાઇનરી સ્થાપવા વિચારણા શરૂ કરી છે.
જયારે આંધ્રપ્રદેશ સરકારે પણ આ પ્રોજેકટ મેળવવા માટે તૈયારી કરી છે અને તેણે સરકારી સાહસ બીપીસીએલને સાથે જોડયું છે. ગલ્ફમાંથી ક્રુડ ઓઇલ લાવીને ભારતમાં સ્થપાનારી આ મેગા રીફાઇનરી મારફત વિશ્ર્વભરમાં પેટ્રોલિયમ ઉત્પાદનની નિકાસ કરવા સાઉદી અરેબીયા તૈયારી કરી રહ્યું છે. 10 થી 15 મીલીયન ટનની આ રીફાઇનરી 100 બિલીયન ડોલરનો પ્રોજેકટ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને સાઉદી અરેબીયા જઇ રહ્યા છે.
- Advertisement -
તે સમયે આ કરાર પર હસ્તાંક્ષર થવાની શકયતા છે. આ ઉપરાંત સાઉદી અરેબીયા અને ભારત વચ્ચે રેલવે અને પોર્ટ તેમજ વોટરવે તૈયાર કરવા પણ વિચારાઇ રહ્યું છે. અગાઉ આંધ્રપ્રદેશ જયારે વિભાજન નહોતું થયું તે સમયે બીપીસીએલ ઉપરાંત એચપીસીએલ અને અરામકો વચ્ચે આ અંગે એક કરાર અંગે ચર્ચા હતી. પરંતુ બાદમાં તે ધીમી પડી ગઇ હતી. ગુજરાતમાં હાલ ત્રણ રીફાઇનરી મોજુદ છે અને ચોથી આવે તેવા સંકેત છે અને આ રીફાઇનરી સૌરાષ્ટ્રના જ દરિયાઇ વિસ્તારમાં સ્થાપવામાં આવે તેવી શકયતા નકારાતી નથી.



