સમગ્ર દેશમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ ગુજરાતમાં અમરેલીના વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે સ્કૂલોની ફી મુદ્દે પ્રતિક ધરણાં પર બેઠા હતા. જે દરમિયાન પોલીસે અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ પણ થયું હતું. જેમાં ધાનણીનો શર્ટ પણ ફાટી ગયો હતો. પોલીસે ટીંગાટોળી કરીને પરેશ ધાનાણીની અટકાયત કરી હતી. જેના કારણે હાલમાં કાર્યકોરમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા કાર્યકરોએ પોલીસની ગાડી આગળ બેસી ગયા હતા અને પોલીસનો રસ્તો રોક્યો હતો

પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ દરમ્યાન પરેશ ધાનાણીએ પોલીસને જણાવ્યું હતું કે, હું એકલો જ ધરણા પર બેઠો છું. જેથી મારી સાથે કોઈ જબરદસ્તી કરતા નહીં. તેમ છતાં પોલીસે પરેશ ધાનાણીની અટકાયત કરી હતી. પરેશ ધાનાણીને પોલીસ અમરેલીના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. અટકાયત બાદ પણ પરેશ ધાનાણીએ જામીન પર છુટવાનો ઈન્કાર કર્યો હતો. પરેશ ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં જ પ્રતિક ધરણા શરૂ કરી દીધા હતા.

કરીને ગાડીમાં બેસાડ્યા હતાપરેશ ધાનાણીને પોલીસે ટીંગાટોળી
આજ રોજ સવારથી પરેશ ધાનાણી જ્યારે ઉપવાસ પર બેઠા ત્યારે પોલીસ અટકાયત કરવા પહોંચી ગઈ હતી. પરેશ ધાનાણીએ પોલીસને જણાવ્યું હતું કે, આજે ગાંધી જયંતિ છે એટલે રાષ્ટ્ર વ્યાપી વિરોધ છે. અમે કોઈ ભાષણ નથી આપતા, માઇક નથી કે પછી ટોળા નથી વળ્યાં. રાજ્યમાં દોઢ કરોડ બાળકોની ફી મુદ્દે ધરણા પર બેઠો છું. જેમાં તમારા પણ બાળકો છે. મને કોઈ હાથ અડાડતા નહીં અને મારી સાથે કોઈ જબરદસ્તી કરતા નહીં. મારે ધરણાં પર બેસવા માટે પણ મંજૂરી લેવાની છે તે વાત ખોટી છે. આ તમારી દાદાગીરી છે.

આ ઉપરાંત પરેશ ધાનાણી એ વધુમાં જણાવ્યું કે, આ ગાંધીબાગ છે અને હું અહીંયા એકલો જ બેઠો છું. તમે અહીંયા જાહેરનામું લઈને આવો કે, અહીંયા બેસવાની મનાઈ છે. પછી તમે મને હાથ અડાડજો. તમે જાહેરનામું લઈને આવો નહીં તો હું સામી ફરિયાદ કરીશ. આવી દાદાગીરી નહીં ચાલે, બેસવાની ક્યાં મનાઈ છે. તમે અંગ્રેજોથી પણ ખરાબ હાલ ગુજરાતની કરી દીધી છે. મને શું કામ લઈ જાવ છો એનું કારણ તો બતાવો, આ દરમિયાન પોલીસે ટીંગાટોળી કરીને પરેશ ધાનાણીને લઈ જઈ રહ્યા હતા અને શર્ટ પણ ફાડી નાખ્યો હતો. જેથી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.