પ્રેમમાં તૂટી જવાતું હોય છે, હું ખબર નહિ એકધારો થઈ ગયો
વ્હાલી જિંદગી...
- Advertisement -
વરસાદી વાતાવરણનો માહોલ જામ્યો છે. હું આપણાં ઘરમાં એકલો છું. તારી અઢળક યાદો મારી સાથે છે જ પણ તું સદેહે મારી સામે હાજર હોત તો વરસાદના ટીપે ટીપામાં તને ઓગળતી જોતા રહેવું મને ખૂબ ગમ્યું હોત. તારા ખીલેલાં ચહેરા ઉપર બાઝેલાં વરસાદનાં ટીપાને હું હોઠ પર ઝીલી મારાં અસ્તિત્વને એમાં ઓગાળી દેત. જો કે મને એ વાતનો કોઈ અફસોસ નથી, કારણ કે આપણી પાસે હજી આખું ચોમાસું પડ્યું છે. સમયને હંફાવવા જ આપણે બંને સાથે થયાં છીએ. જિંદગી! તું રાતરાણીનો છોડ છે. મધ્યરાત્રિએ જોરદાર વરસાદ ત્રાટકી પડે ત્યારે સાવ ઝૂકી જઈ, વરસાદ વરસી રહ્યાં પછી તું આળસ મરડી સીધી થઈ જાય છે અને તારા પર ઝળૂંબી રહેલાં વરસાદી બુંદ ધીમે ધીમે કોમળ દેહ પરથી દડ દડ દડી રહ્યાં છે. આ મજાનું દૃશ્ય જોઈ હું અંદરથી સતત ભીંજાયા કરું છું. કસ્તુરીની શોધ ત્યારે જ પૂરી થઈ ગણાય જ્યારે તમારી આજુબાજુથી તરબતર કરી મૂકતી સુગંધના ફૂવારા છૂટતાં હોય. હું નખશિખ તારી સુગંધમાં વીંટળાઈ ગયો છું. જિંદગી! મારાં નખ તારી સુગંધના ફૂવારમાં લથબથ ભીંજાઈને મૂળથી વધી રહ્યાં છે. મારાં દાંતમાં તારી સુગંધના દરિયાનો સ્વાદ ભરેલો પડ્યો છે. હું વારે વારે જીભ ફેરવી એ સ્વાદને માણું છું. તારી હૂંફથી મારું સમગ્ર શરીર અને મન અત્યારે શાંત બની આરામ ફરમાવી રહ્યાં છે.
વહેલી સવારે આછા આછા અજવાળામાં પ્રથમ વરસાદનો છાંટો હથેળીમાં ઝીલી, તારા નામનું સ્મરણ કરી અજવાળું ફેલાય એની રાહ જોવાની ધન્ય ક્ષણ મને પ્રાપ્ત થાય એ પણ કંઈ ભગવાનની કૃપાથી સહેજ પણ ઉતરતી ક્ષણ નથી. ઘેરાયેલાં વાદળોની વચ્ચે તારા ચહેરાને ખોળવો, વરસાદની સોડમને તારી સુગંધ અંદર ભેળવી દઈ એ ભળેલી સુગંધનાં મઘમઘાટને મારાં હૃદયમાં ભરવો, ચમકતી વીજળીનાં ઝબકારાને તારી આંખોનાં પલકારા સાથે સરખાવવો, મેઘગર્જનાના તોતિંગ અવાજને તારા મુલાયમ કંઠમાં ઓગાળી દઈ જાપ કરવાનો આનંદ પણ અદકેરો હોય છે. તારા અસ્તિત્વમાં મેં મારું સમગ્ર જીવન હોમી દીધું છે. હવે કશું જ મેળવવાની ધખના નથી કે નથી કશું ગુમાવવાનો ડર. ભગવતકૃપાથી જે અમૂલખ પ્રાપ્ત થયું છે એનું જતન કરવાની સમજણ જેવી છે એવી જ રહે એટલે રાજી રાજી. જે છે એને આજીવન જાળવી રાખી તારી શ્રદ્ધાના દીવાને સહેજ પણ ઓટ ના આવે એ રીતે ધોધમાર, વરસતાં વરસાદ જેમ જીવી જવું છે. જિંદગી! તું ટગલી ડાળે બેઠેલું પંખી છે. મારે એ પંખીપણા અને પંખીના પ્રેમનો સતત સાક્ષાત્કાર કરતાં રહેવું છે. એ માટે હું કંઈ પણ કરવાં તત્પર રહું છું કારણ કે તું મારાં જીવનનું મોક્ષદ્વાર, તું જ મારો આધાર અને તું જ મારો ઉદ્ધાર છે… મેં તારી ભીતર એક દીવડો પેટાવ્યો હતો અને આજે એટલે કે આ ક્ષણે મારી અંદર સેંકડો દીવડાઓ ઝળહળવા લાગ્યાં છે. કદાચ એ જ કારણ હશે કે તું મારી સામે કે સાથે ના હોય તો હું ડરી જાઉં છું. મારે સતત તારા સાંનિધ્યમાં રહીને અજવાળાનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપને જોવું છે.
તારા અજવાળાથી પ્રકાશિત થયેલો, તારો અને માત્ર તારો જ, જીવ
- Advertisement -
(શીર્ષકપંક્તિ:- કૃણાલ શાહ)