શૈલવાણી
– શૈલેષ સગપરિયા
જસદણનો એક યુવાન જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતો હતો. રાજકોટમાં રહીને એને દિવસ-રાત સખત મહેનત કરી. ક્લાસ 1-2 અધિકારીની પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા બંને પાસ કર્યા બાદ ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાઈ થયો અને ઉત્સાહપૂર્વક ઇન્ટરવ્યૂ પણ આપી આવ્યો.
થોડા સમય પછી ઇન્ટરવ્યૂનું પરિણામ જાહેર થયું. અધિકારી તરીકે પસંદ થયેલા વિદ્યાર્થીઓની યાદીમાં આ છોકરાનું નામ નહોતું. મારી સાથે બધી વાતો શેર કરતા આ છોકરાને સાંત્વના અને હિંમત આપવા માટે મેં એને કોલ કર્યો. વાત-વાતમાં મેં એને પૂછ્યું ‘જી.પી.એસ.સી. દ્વારા ઇન્ટરવ્યૂમાં તને અન્યાય થયો હોય એવું લાગે છે?’
- Advertisement -
જીપીએસસીએ જેને પસંદ નહોતો કર્યો એવા યુવાને મને જવાબ આપ્યો, “સાહેબ, જ્યાં સુધી દાસા સાહેબ જીપીએસસીના ચેરમેન છે ત્યાં સુધી તો મને સપનામાં પણ એવો વિચાર ન આવે કે મને અન્યાય થયો છે. હું પસંદ નથી થયો તો મારી જ કંઈક ભૂલ કે ખામી હશે. હું એ સુધારીશ અને ફરીથી પ્રયાસ કરીશ.’
અધિકારી બનવાના સપના સાથે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા યુવાનોમાં આવો અદભૂત વિશ્વાસ પેદા કરનાર જીપીએસસીના ચેરમેન દિનેશ દાસા આજે એમનો કાર્યકાળ પૂરો કરીને સેવાનિવૃત થઈ રહ્યા છે. શ્રી દાસાના 6 વર્ષના કાર્યકાળ દરમ્યાન જીપીએસસીએ એના સૂત્ર “ચયનમ સત્વશીલાનામ” સાર્થક કરીને ખરેખર યોગ્ય અને લાયક ઉમેદવારો પસંદ કરીને સરકારને આપ્યા છે.
મજૂરી કરીને પરિવારને મદદ કરતો કોઈ છોકરો કે સાવ નાના અંતરિયાળ ગામડાના સામાન્ય પરિવારની કોઈ દીકરી અધિકારી તરીકે પસંદ થાય એ જીપીએસસીની પારદર્શક પસંદગી પદ્ધતિનો પરિચય આપે છે. અરવલ્લી જિલ્લાના સાવ છેવાડાના પીપરાણા ગામના વતની પ્રકાશ પ્રજાપતિ ડી.વાય.એસ.પી. બની ગયા, બીજાના ઘરમાં રસોઈનું કામ કરીને અને હિરાઘસીને પરિવારને મદદરૂપ થતી માતાનો પુત્ર સફિન હસન જિલ્લા રજીસ્ટ્રાર બન્યો (જે આજે તો આઇપીએસ છે). શાળામાં ફરી-ફરીને પેનો વેંચનાર માતાનો દીકરો વિવેક ટાંક ડેપ્યુટી કલેકટર બન્યો, અનાજ દળવાની ઘંટી ચલાવનાર પરિવારનો દીકરો સાગર રાઠોડ ડીવાયએસપી બન્યો. એક ડ્રાઇવરનો પૌત્ર નિર્મલ ગોગરા જીએસટીનો આસિસ્ટન્ટ કમિશનર બન્યો, ગામડામાં ખેતીવાડી કરતા એક સાવ સામાન્ય ખેડૂતનો દીકરો વિપુલ સાકરીયા જીપીએસસીમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા સ્થાને પાસ થયો. આવા તો ઢગલાબંધ દાખલાઓ છે.
દાસા સાહેબે ભરતીની જાહેરાત આપવાની સાથે સાથે પરીક્ષા ક્યારે લેવાશે અને પરિણામ ક્યારે જાહેર થશે તેની તારીખ જાહેર કરવાની પરંપરા શરૂ કરી અને નિભાવી. સિસ્ટમમાં અનેક એવા પરિવર્તનો કર્યા. જેથી પરીક્ષાની તૈયારી કરનારા વર્ગનો વિશ્વાસ વધુ દ્રઢ થયો. આપની વિદાય બાદ આપના જેવા જ ઉત્તરાધિકારી જીપીએસસીને મળે એવી પ્રાર્થના સાથે આપની કર્મઠતા, કર્તવ્યનિષ્ઠા અને કુશળતાને કોટી કોટી વંદન.
- Advertisement -
દાસાના કાર્યકાળ દરમ્યાન GPSCએ એના સૂત્ર “ચયનમ સત્વશીલાનામ” સાર્થક કરીને ખરેખર યોગ્ય અને લાયક ઉમેદવારો પસંદ કરીને સરકારને આપ્યા છે.