શિવલિંગને અત્યાર સુધી શા માટે અને કોના દ્વારા છુપાવવામાં આવ્યું? કોંગ્રેસ નેતા
ખાસ-ખબર સંવાદદાતા
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પર કોંગ્રેસ નેતા પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે, જ્ઞાનવાપીનો મુદ્દો ભારતની આસ્થા અને જન ભાવનાઓ સાથે જોડાયેલો છે અને કોર્ટમાં વિચારાધીન છે પરંતુ સવાલ એ છે કે, શિવલિંગને અત્યાર સુધી શા માટે અને કોના દ્વારા છુપાવવામાં આવ્યું છે.
કોંગ્રેસના નેતા પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે, પ્રત્યક્ષને પ્રમાણની આવશ્યકતા નથી હોતી ન્યાયતંત્રનો જે પણ આદેશ હશે તેનું બધાએ પાલન કરવું પડશે. પ્રમોદ ક્રિષ્નમે આગળ કહ્યું કે, કુતુબ મિનાર અને તાજમહેલ ભારત સરકાર હેઠળ છે અને કોઈ ધર્મ સાથે જોડાયેલા નથી તેથી સરકારે તાજમહેલ અને કુતુબ મિનારને હિંદુઓને સોંપી દેવા જોઈએ આ વિષય ભારત સરકારનો છે. પરંતુ અમે રાષ્ટ્ર અને દેશની સાથે છીએ.
બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રમોદ ક્રિષ્નમે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (ખગજ)ના પ્રમુખ રાજ ઠાકરેના અયોધ્યામાં ચાલી રહેલા વિરોધ પર કહ્યું કે, બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને રાજ ઠાકરે એક થાળીના ટુકડા છે. પ્રમોદ કૃષ્ણમ સાથે હાજર રહેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે, રામ મંદિરની જેમ જ કોર્ટ જ્ઞાનવાપી કેસ પર પણ નિર્ણય લેશે.
શાહનવાઝ આલમેે શિવલિંગને ફૂવારો ગણાવ્યો
લઘુમતી કોંગ્રેસ અધ્યક્ષ શાહનવાઝ આલમે બનારસની નીચલી અદાલત દ્વારા જ્ઞાનવાપી મસ્જિદની અંદર સર્વેમાં કથિત શિવલિંગ મળી આવ્યા બાદ તે સ્થળ સીલ કરવાના આદેશને ષડયંત્ર ગણાવ્યું છે. શાહનવાઝ આલમે આરોપ લગાવ્યો હતો કે, જિલ્લા કોર્ટના સર્વેનો આદેશ જ પૂજા સ્થળ અધિનિયમ 1991ની વિરુદ્ધમાં હતો. શાહનવાઝ આલમનો દાવો છે કે મસ્જિદમાં વજુ કરવા માટેના જૂના ફૂવારાની વચ્ચે લાગેલો પથ્થર જે પાછળથી તૂટી ગયો હતો તેને તૂટેલા શિવલિંગ તરીકે બતાવીને અફવાહ ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, દેશની લગભગ તમામ જૂની અને મોટી મસ્જિદોમાં આવા ફૂવારાઓ છે અને તેમની વચ્ચે સમાન પથ્થરો સ્થાપિત છે.