આજે સવારે અંદાજે સાત વાગ્યે દુનિયાભરમાં સર્ચ એન્જીન ગૂગલ અંદાજે 10 મિનિટ માટે ડાઉન થઈ ગયું હતું. જો કે કંપનીએ તાત્કાલિક આ દિશામાં કાર્યવાહી કરતાં ગૂગલની સેવાઓ ફરીથી શરૂ થઈ ચૂકી હતી. બીજી બાજુ સેવાના અચાનક ખોરવાઈ જવાને કારણે વિશ્વ આખાના યુઝર્સે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. અત્યાર સુધી આ સેવા શા માટે ખોરવાઈ તેનું કારણ મળ્યું નથી.
ગૂગલ ડાઉન દરમિયાન યુઝર્સ કંઈ પણ સર્ચ કરે તો તો તેમને સ્ક્રીન ઉપર 500 ‘ધેટસ એન એરર’ એવું લખેલું જોવા મળતું હતું. ગૂગલ યુઝર્સ અલગ-અલગ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સર્ચમાં આવી રહેલી અડચણ અંગે લખી રહ્યા છે અને તેને રિપોર્ટ કરવા માટે પણ કહી રહ્યા હતા.
- Advertisement -
દરમિયાન અનેક યુઝર ટવીટર પર સર્ચ એન્જીનના ડાઉન થવા અંગે મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અમુક યુઝર્સ ટવીટર પર ગૂગલ સર્ચ એન્જીનના સ્ક્રીનશોટ પણ શેયર કરી રહ્યા છે.
રેયાન બેકર નામના એક યુઝર્સે કહ્યું કે પહેલીવાર ગૂગલ સર્ચ એન્જીનને ડાઉન થતું જોઈ રહ્યો છું. આ એટલું રેર છે કે સૌથી પહેલાં હું ટવીટર પર આવ્યો જેથી સમજી શકું કે શું થઈ રહ્યું છે.