જસદણમાં દેશી-વિદેશી દારૂના બાર ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો
જસદણ અને અમરેલી પંથકના 15 ઝડપાયા : સૂત્રધાર પિતા-પુત્ર સહિત 16ની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યભરમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જસદણમાં દરોડો પાડી 15 શખ્સોને દેશી-વિદેશી દારૂ સાથે જડપી લઈ 12.68 લાખનો મુદામાલ કબજે કરી સૂત્રધાર સહિત 16 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આજે વધુ એક વખત રાજકોટ જિલ્લામાં ત્રાટકી હતી. આજે જસદણના રહેણાંક મકાનમાં બુટલેગર પિતા-પુત્રોના દારૂના અડ્ડા પર દરોડો પાડીને 15 શખ્સોને ઝડપી લઈ રૂ. 12.68 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દારૂના ધંધાર્થી પિતા-પુત્ર સહિત 16 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જસદણમાં આદમજી રોડ પર આવેલા નદી કાંઠા વિસ્તારમાં રહેતા નરેન્દ્ર રાજેસરા તથા તેના પુત્રો પ્રકાશ નરેન્દ્ર રાજેસરા અને વિપુલ ઉર્ફે મુન્નો નરેન્દ્ર રાજેસરા છેલ્લા કેટલાક સમયથી પોતાના રહેણાંક મકાનમાં દેશી-વિદેશી દારૂનો અડ્ડો ચલાવતા હોવાથી ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી. પરિણામે ગઈકાલે બપોરે ખાનગી રાહે વોચ ગોઠવ્યા બાદ હકીકત જણાતા જ દરોડો પાડયો હતો.
પરિણામે દારૂનું વેચાણ કરતાં અને પીવા માટે આવેલા 30 થી વધુ લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાંથી એસએમસી ટીમે અહીં દારૂ વેચવાની નોકરી કરતાં સુરેશ વિભા માંકોડીયા (ઉ.વ.28), પ્રદીપ વિનુ ચોહલીયા (ઉ.વ.31), હર્ષદ જગદિશ મકવાણા (ઉ.વ.30), અને જયચંદ જેસીંગ રાઠોડ (ઉ.વ.26) ઉપરાંત દારૂ પીવા માટે આવેલા ગ્રાહકો શૈલેષ રમેશ વાળા ઉ.વ.42), વિનુ કરસન પરમાર (ઉ.52), સુભાષ ચંદુ માલવિયા (ઉ.28), રકેન ભીમજીપટેલ (ઉ.26) પ્રસમ પાંડુ પવાર (ઉ.32), બબલુ મોતીલાલ પવાર (ઉ.33), ધર્મેશ ભૂપત ભૂયત ખસીયા (ઉ.24), રવિ વિષ્ણુ રાઠોડ (ઉ.32), જનક ધરમદાસ ખીલજી (ઉ.26), મહેશ ગોવિંદ વાઘેલા (ઉ.29) અને હિમાલય રમેશ વાઘેલા (ઉ.28)ને રંગેહાથ ઝડપી લીધા હતાં. જો કે મુખ્ય સુત્રધાર નરેન્દ્ર રાજેસરા અને તેના પુત્રો પ્રકાશ અને વિપુલ તથા હિતેશ દેવા કુમારખાણીયા તેમજ અન્ય આઠ શખ્સો મળીને કુલ 16 આરોપીઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતા.



