ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાનો સંકેત મળ્યો હોવા છતાં સ્થાનિક બજારમાં કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેની પાછળનું કારણ બજારમાં ધરાકીનો અભાવ હોઈ શકે છે. દેશમાં સોનાનો ભાવ આજે સરેરાશ રૂ. 350 ઘટ્યો હતો. દિલ્હી, અને મુંબઈમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે અમદાવાદમાં પણ સોનાની કિંમત રૂ. 300થી 400 ઘટવાની શક્યતા દર્શાવાઈ છે. સવારે 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 73240 પ્રતિ 10 ગ્રામ હતો. બીજી બાજુ ચાંદી સતત ઉંચકાઈ રહી છે. ગઈકાલે કિંમત રૂ. 93500 પ્રતિ કિગ્રા થઈ હતી.
વૈશ્વિક સ્તરે અમેરિકાની ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે આર્થિક જીડીપીના આંકડાઓ મજબૂત રહ્યા હોવાનું જણાવ્યું છે. તેમજ તેમાં વધુ સુધારાની અપેક્ષા દર્શાવતા ડોવિશ વલણ રજૂ કરતાં કિંમતી ધાતુ બજારના રોકાણકારોમાં તેજીની આશાનું કિરણ જોવા મળ્યું છે. જો કે, હજી ગુરૂવારે અમેરિકાના ફુગાવાના આંકડા જારી થવાના છે. ત્યારબાદ પોવેલના વધુ એક નિવેદનની રાહ જોઈ રહ્યા છે.
- Advertisement -
એમસીએક્સ ખાતે કિંમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,530ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,579 અને નીચામાં રૂ.72,500ના મથાળે અથડાઈ, રૂ.147 વધી રૂ.72,545ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.36 વધી રૂ.58,570 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.7,170ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.129 વધી રૂ.72,514ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.93,073ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.93,250 અને નીચામાં રૂ.92,901ના મથાળે અથડાઈ, રૂ.106 વધી રૂ.93,075ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.125 વધી રૂ.93,007 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.116 વધી રૂ.92,988 બોલાઈ રહ્યો હતો.