વિશ્ર્વની અનેક સંસ્કૃતિઓમાં સ્ત્રી-દેવીની આરાધના લુપ્ત થઈ ગઈ અથવા પિતૃસત્તાત્મક વ્યવસ્થામાં સમાઈ ગઈ, પરંતુ ભારતીય હિંદુ પરંપરામાં શક્તિનું સ્થાન કેન્દ્રસ્થ રહીને આજ સુધી અખંડિત રીતે જીવંત છે
હજારો વર્ષો પહેલાં, જ્યારે માનવને હજી ખેતી કરવી આવડતી ન હતી, જીવન એક રહસ્યમય યાત્રા લાગતું હતું. ખોરાક ક્યાંથી મળે? સંતાનનું સર્જન કેવી રીતે શક્ય બને? વરસાદ ક્યારે વરસે અને પાક કેવી રીતે ફળે છે? – આવા પ્રશ્નોના કોઈ સ્પષ્ટ ઉત્તર નહોતા. છતાં એક અનુભૂતિ તેના હૃદયમાં ઊંડે વસી ગઈ: જીવનને આગળ ધપાવતી કોઈ અજ્ઞાત શક્તિ છે, અને એ શક્તિ સ્ત્રીમાં જ વસે છે.
સ્ત્રી પોતાના શરીરથી સંતાનને જન્મ આપે, તેને પોષણ આપે અને જીવનની કડીને આગળ વધારે, આ અનુભવ એટલો ઘેરો હતો કે મનુષ્યને સ્ત્રીમાં જ પ્રકૃતિનું પ્રતિબિંબ દેખાયું તેથી તેણે સ્ત્રીને પ્રકૃતિની પ્રતિમા તરીકે પૂજવાનું શરૂ કર્યું. આ જ ભાવના હજારો વર્ષ જૂની પ્રતિમાઓમાં ઝળકે છે – મોરોક્કોની ટાન-ટાન વીનસ (અંદાજે 2,50,000 વર્ષ જૂની), ઑસ્ટ્રિયાની વિલેનડોર્ફની વીનસ (28,000-25,000 ઈ.પૂ.) કે તુર્કીની ચાતાલહોયુકની માતૃદેવી (અંદાજે 6,000 ઈ.પૂ.) એ આરંભિક માનવ સમજણના અવિનાશી સાક્ષી છે.
આવી પાલિયોલિથિક યુગ (30,000-10,000 ઈ.પૂ.)ની પ્રતિમાઓમાં ખાસ કરીને પ્રજનન અને પોષણ સાથે સંકળાયેલા લક્ષણો ઉજાગર થાય છે: પહોળાં નિતંબ, ગોળાકાર પેટ, ભરાવદાર સ્તનો પરંતુ ચહેરો તેમજ હાથપગ અસ્પષ્ટ. આ પ્રતિમાઓ માત્ર શિલ્પો નહોતી, પરંતુ જીવન, પ્રજનન અને સમૃદ્ધિના ગહન પ્રતીકો હતી. પ્રાચીન માનવ માટે ખોરાક, શિકાર અને કુટુંબની વૃદ્ધિ એ જ ચિંતાનાં કેન્દ્ર હતાં, એટલે સ્ત્રી શરીરના આ અંગો પર ખાસ ભાર મૂકાયો. એવી શક્યતા છે કે આ પ્રતિમાઓ ધાર્મિક પૂજાના પ્રતીકો તરીકે વપરાતી હશે જે સમુદાયની સ્થિરતા અને સંતાનસંપત્તિ માટે આશીર્વાદ મેળવવા હેતુ પૂજાતી હતી.
વિલેનડોર્ફની વીનસ માત્ર 11 સેમી કદની ચૂનાના પથ્થરની નાનકડી પ્રતિમા છે, જેમાં ચહેરો અસ્પષ્ટ છે પરંતુ આ પ્રતિમામાં પણ સ્ત્રીની પ્રજનનશક્તિને ઊજાગર કરતાં અંગો સ્પષ્ટ છે.
જ્યારે માનવે ખેતીનું કૌશલ્ય શીખ્યું, ત્યારે સમજાયું કે જીવન ફક્ત જન્મ પર જ આધારિત નથી, પરંતુ ખોરાક અને અન્ન પર પણ છે. પાક મળ્યો એટલે જીવવું શક્ય બન્યું, અને જીવવું શક્ય બન્યું એટલે પ્રજનન પણ ટક્યું. આ સમજણથી દેવીની કલ્પના ધીમે ધીમે કૃષિ, અન્ન અને ઉર્વરતા સાથે જોડાઈ ગઈ. ચાતાલહોયુક (તુર્કીના અનાતોલિયા પ્રદેશમાં આવેલું એક પ્રાચીન નગર.લગભગ ઈ.પૂ. 7500 થી ઈ.પૂ. 5700 સુધી)ની માતૃદેવી માટીની રચના, ઘણી વખત સિંહ કે પેંથર સાથે બેઠેલી, એ દર્શાવે છે કે સ્ત્રી માત્ર માતા જ નહોતી, પણ શક્તિ અને રક્ષણનું કેન્દ્ર પણ હતી. અહીંથી દેવી સાયબેલે તરીકે પ્રસિદ્ધ થઈ – એટલે કે કૃષિ, ઉર્વરતા અને સંરક્ષણનું પ્રતિક. ફ્રેન્ચ પુરાતત્ત્વવિદ જેક કૌવેન પોતાની કૃતિ Naissance des divinitœs, naissance de l’agriculture (દેવતાઓનો જન્મ અને કૃષિનો જન્મ)માં દર્શાવે છે કે ખોરાક ઉગાડવાની પદ્ધતિ સાથે જ માનવ કલ્પનામાં દેવી-દેવતાઓનો જન્મ થયો, કારણ કે અન્ન અને ધરતી – બંને જ જીવનદાતા રૂપે અનુભવાયા.
ભારતમાં પણ દેવીપૂજાની પરંપરા માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક નથી, તે માનવજાતના અસ્તિત્વ, જીવનનિર્વાહ અને પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતાની આધ્યાત્મિક અભિવ્યક્તિ છે. આ અનુભૂતિને સંસ્કૃતનો શ્લોક સુંદર રીતે વ્યક્ત કરે છે:
- Advertisement -
વિશ્વની અનેક પ્રાચીન સંસ્કૃતિઓમાં સ્ત્રીને સર્જનશક્તિ અને પ્રજનનશક્તિના પ્રતિક રૂપે પૂજવામાં આવતી હતી. મેસોપોટેમિયામાં ઇશ્તાર (ઈંતવફિિં) પ્રેમ, પ્રજનન અને યુદ્ધની દેવી તરીકે માનવામાં આવતી, જ્યારે સુમેરિયન દેવી ઇનાન્ના જીવન-મૃત્યુના ચક્ર અને પુનર્જન્મ સાથે જોડાયેલી હતી. તેની નેધરવર્લ્ડ અવતરણ કથા પછીની ઇશ્તાર પૂજાનો આધાર બની.
ઈજિપ્તમાં આઇસિસ (ઈંતશત) માતૃત્વ અને આરોગ્યની દેવી હતી, જ્યારે હાથોર (ઇંફવિંજ્ઞિ) આનંદ અને પોષણનું પ્રતિક હતી. ગ્રીક સંસ્કૃતિમાં ગાયિયા (ૠફશફ) માતૃભૂમિ તરીકે પૃથ્વીની જનની માનાતી અને ડેમિટર (ઉયળયયિિં) કૃષિ તથા પાકની દેવી તરીકે પૂજાતી. અથેના શાણપણ અને યુદ્ધની દેવી હતી, જે એથેન્સની રક્ષક ગણાતી અને સમાજની સમૃદ્ધિ તથા સ્થિરતાની પ્રતીક હતી. રોમનોમાં વેનસ (ટયક્ષીત) સૌંદર્ય અને સર્જનની દેવી તરીકે પ્રસિદ્ધ હતી.
માયા સંસ્કૃતિમાં ઇશ ચેલ (ઈંડ્ઢ ઈવયહ) સ્ત્રી-પ્રજનન, ચંદ્ર અને પાણીની દેવી તરીકે માનવામાં આવતી. ઇન્કા સંસ્કૃતિમાં પચામામા ધરતીમાતા માનાતી, જે પાક, પશુઓ અને માનવજીવનનું પોષણ કરતી હતી. આજેય આંદીઝ પ્રદેશમાં તેની આરાધના ચાલું છે. સેલ્ટિક પરંપરામાં માતૃદેવીઓ (Mother Goddesses), ખાસ કરીને ત્રિદેવી, ધરતી, પાણી અને ફળદ્રુપતાના તત્ત્વો સાથે જોડાઈ પૂજાતી. ફ્રાન્સની ઈવફીદયિં ઈફદયની 35,000 વર્ષ જૂની ભીતિચિત્રોમાં પણ આ જ ભાવના દેખાય છે કે જીવનનું રહસ્ય સ્ત્રીની અંદર છે.
પ્રાચીન પર્શિયામાં અન્હિતા, જેને આર્દવી સુરા અનાહિતા પણ કહેવામાં આવે છે, પાણી, ફળદ્રુપતા અને જ્ઞાનની દેવી હતી. તે નદીઓ અને જળસ્ત્રોતોની રક્ષક ગણાતી અને સોનાના વસ્ત્રો તથા ચાર ઘોડાના રથમાં દર્શાવવામાં આવતી. તેની આરાધના ઈ.સ. પૂર્વે 5મી સદીથી પર્શિયન સામ્રાજ્યમાં વ્યાપક હતી, અને મંદિરો જળસ્ત્રોતોની નજીક બનાવવામાં આવતાં. કેનાનાઈટ સંસ્કૃતિમાં અશેરા ઈ.સ. પૂર્વે 2જી સહસ્ત્રાબ્દીમાં લેવાન્ટ પ્રદેશમાં (આજનું ઇઝરાયેલ, લેબનોન, અને જોર્ડન) પ્રકૃતિ, માતૃત્વ અને ઉર્વરતાની દેવી તરીકે પૂજાતી. અશેરા ધ્રુવ રૂપે વૃક્ષ કે થાંભલા દ્વારા તેની પૂજા થતી, અને માટીની મૂર્તિઓમાં તેને ગર્ભવતી સ્ત્રી તરીકે દર્શાવવામાં આવતી. ક્યારેક તેને દેવ એલ (ઊહ)ની પત્ની માનવામાં આવતી, જે સર્જનશક્તિમાં સ્ત્રી-પુરુષના સંનાદને દર્શાવે છે. નોર્ડીક સંસ્કૃતિમાં, નોર્સ કથાઓ અનુસાર, ફ્રેયા પ્રેમ, સૌંદર્ય, ફળદ્રુપતા અને જાદુ (તયશિ)ની દેવી હતી. તે બિલાડીઓ ખેંચતા રથમાં દર્શાવવામાં આવતી અને કૃષિ તથા પ્રજનન સાથે સંકળાયેલી હતી. સાથે જ મૃત્યુ પછી યોદ્ધાઓની આત્માઓને પોતાના લોક (ઋ2હસદફક્ષલિ) માં આવકારતી, જે તેની જીવન અને મૃત્યુના ચક્ર સાથેની સંડોવણી દર્શાવે છે. આવી ફર્ટિલિટી ફિગરિન્સ માત્ર યુરોપ કે તુર્કી સુધી મર્યાદિત નહોતી, પરંતુ ભારત, આફ્રિકા અને નિકટ પૂર્વમાં પણ જોવા મળે છે. ભારતના પ્રાચીન માતૃદેવી સ્વરૂપો, આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં માટીની પ્રતિમાઓ અને મેસોપોટેમિયા જેવા પ્રદેશોમાં માતૃદેવીની ઉપસ્થિતિ તેની સાબિતી છે. આમ, જીવનનાં મૂળસ્ત્રોત અને પોષકશક્તિ તરીકે સ્ત્રીની સ્થાપના માનવ ઇતિહાસની પ્રાચીન સંસ્કૃતિઓમાં સર્વત્ર જોવા મળે છે. માનવની આધ્યાત્મિક ચેતના પ્રકૃતિ, જન્મ અને માતૃત્વની આસપાસ ગૂંથાયેલી હતી, જે વૈશ્વિક સ્તરે સમાન આદરણીય દૃષ્ટિકોણ દર્શાવે છે.
ભારતીય પરંપરામાં સામ્યતા
આ દેવીઓ ભલે જુદી સંસ્કૃતિઓમાંથી ઉદ્ભવી હોય, પરંતુ ભારતીય દેવીપૂજાની પરંપરા સાથે ગાઢ જોડાયેલી છે. અન્હિતા ભારતીય સરસ્વતી સાથે સામ્ય ધરાવે છે, કારણ કે બંને જ્ઞાન, પાણી, અને ઉર્વરતાનું પ્રતિનિધિત્વ કરે છે. અશેરા ગ્રામ્ય વૃક્ષપૂજા સાથે, ફ્રેયા ભારતીય કાળીના સર્જન-સંહારના દ્વૈત સાથે, પચામામા ભૂમિદેવી સાથે, ઇનાન્ના જીવન-મૃત્યુના ચક્ર સાથે અને અથેના દુર્ગા સાથે સામ્ય ધરાવે છે. આ દર્શાવે છે કે સ્ત્રીશક્તિની આરાધના માનવજાતનો સર્વત્ર અનુભવ છે.ભારતીય સંસ્કૃતિમાં મળી આવેલી માતૃદેવીની પ્રતિમાઓ માત્ર ધાર્મિક ચિહ્ન નથી, પરંતુ માનવજાતના સર્વત્ર પ્રાગૈતિહાસિક કલ્પનો સાથે જોડાયેલી છે. ઉદાહરણ તરીકે, ઈ.સ. પૂર્વે પ્રથમ સદીમાં બનેલી દુર્ગાની પ્રતિમા (બંગાળમાંથી મળેલી)માં મોટાં સ્તન, પહોળાં નિતંબ અને વાળની શૈલી એવી જ છે, જે ઓસ્ટ્રિયાની વિલેનડોર્ફની વીનસ (ઇ.સ.પૂર્વે અંદાજે 25,000 વર્ષ જૂની) કે એશિયા માઇનરમાં પૂજાતી સાયબેલેની પ્રતિમાઓમાં જોવા મળે છે. રાજસ્થાનમાં મળી આવેલી છઠ્ઠી સદીની માતૃદેવીની પ્રતિમા એ પરંપરાને આગળ વધારે છે. તેમાં સ્ત્રીશરીરનાં જીવનદાયી અંગો સ્પષ્ટ રીતે ઉદ્ઘાટિત કરાયેલા છે, જે દર્શાવે છે કે સમાજના ચેતનમાં દેવીને પોષણ અને સર્જનશક્તિ સાથે જોડવામાં આવી હતી. નવમી સદીમાં બનેલી દુર્ગાની સિંહપર આરુઢ મૂર્તિમાં તો આ પ્રતીકાત્મકતા વધુ શક્તિશાળી સ્વરૂપ ધારણ કરે છે – એક તરફ માતૃત્વ, તો બીજી તરફ રક્ષણ અને યુદ્ધશક્તિ. દક્ષિણ ભારતના મહાબલિપુરમની ગુફા મંદિરોમાં કોતરાયેલા દૃશ્યોમાં દેવી યુદ્ધમાં દૈત્યનિદાન કરતી જોવા મળે છે. આથી સ્પષ્ટ થાય છે કે ભારતની દેવી પરંપરા માત્ર પ્રજનન કે ઉર્વરતા સુધી સીમિત નહોતી, પરંતુ સમય સાથે શક્તિ, રક્ષા અને ન્યાયની પરંપરાનો પણ અભિન્ન ભાગ બની ગઈ. કાળક્રમે કાળી સ્વરૂપમાં દેવીને અર્ધનગ્ન અથવા નિર્વસ્ત્ર દર્શાવવામાં આવી છે. કાળીનું સ્વરૂપ પ્રજનન અને જીવનશક્તિ સાથે તો સંબંધિત છે જ, પરંતુ એ સાથે મૃત્યુ, વિઘટન અને પુનર્જન્મનો સંદેશ પણ આપે છે. એટલે આ સ્વરૂપોમાં સ્ત્રી-શક્તિનો દ્વિઅર્થ – સર્જન અને સંહાર – એકસાથે વ્યક્ત થાય છે. કેટલાક વિદ્વાનો દુર્ગા-સિંહની કલ્પના અને ભારત માતાને રોમન કાળની બ્રિટાનિયા દેવીની નકલ ગણાવે છે. હકીકતમાં, ભારતની આ પરંપરા યુરોપની તુલનાએ ઘણી વધારે પ્રાચીન છે અને એની મૂળભૂત રચના સ્થાનિક સમાજના જીવનઅનુભવમાંથી ઉત્પન્ન થઈ છે. ભારતની માતૃદેવીનો વિચાર માનવજાતની સૌથી પ્રાથમિક સમજણ – જીવન, પાક અને પ્રજનન માટેની કૃતજ્ઞતા -માંથી ઘણો ઉચ્ચસ્તરે વિકસ્યો છે. ભારતે આ કલ્પનાને માત્ર ઉર્વરતા સુધી મર્યાદિત નથી રાખી પરંતુ દેવીને બ્રહ્માંડની મૂળ ચેતનાશક્તિ માની છે.
(જે દેવી સર્વ જીવોમાં ચેતના સ્વરૂપે સ્થિત છે, તેમને નમન.)
આપણે ઉપર જોયું કે સ્ત્રી-શક્તિની પૂજા માત્ર ભારતીય પરંપરા પૂરતી સીમિત નથી પરંતુ ભારતની વિશેષતા એ છે કે અહીં આ પરંપરા ક્યારેક વિચ્છિન્ન થઈ નથી.
અન્ય ઘણી પ્રાચીન સંસ્કૃતિઓમાં સ્ત્રી-દેવીની આરાધના સમયની સાથે ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ અથવા પિતૃસત્તાત્મક ધાર્મિક વ્યવસ્થામાં સમાઈ ગઈ પરંતુ ભારતમાં, હિંદુ પરંપરામાં શક્તિનું સ્થાન કેન્દ્રસ્થ રહીને આજ સુધી અખંડિત રીતે જીવંત છે.
- Advertisement -
નારીતત્વની આરાધના: જીવન, પ્રકૃતિ અને શક્તિનો પ્રાચીન સંગમ
ગુજરાતના ગરબાથી લઈને બંગાળની દુર્ગાપૂજા અને દક્ષિણ ભારતની ‘ગોલુ’ પરંપરા સુધી, નવરાત્રી એ માનવજાતના સૌથી પ્રાચીન સંદેશ – સર્જનશક્તિ, પોષણશક્તિ અને બ્રહ્માંડની ધારણશક્તિના સન્માનને ફરી જીવંત કરે છે
વૈદિક યુગ (ઈ.સ.પૂર્વે 1500-500)
દેવી-પૂજાની પરંપરા વૈદિક અદિતિથી શરૂ થાય છે, જ્યાં સ્ત્રીશક્તિ બ્રહ્માંડની સર્વવ્યાપી શક્તિ તરીકે માન્ય હતી. વૈદિક વિભાવના મુજબ, દેવી માનવસ્વરૂપ નથી, પરંતુ સર્જન, પાલન અને સંહારની અખંડ આધારરૂપ શક્તિ છે. અહીં અદિતિને અનંત આકાશની માતા, ઉષાને પ્રભાતના તેજરૂપે, વાક્ને જ્ઞાન અને વાણીના સ્વરૂપે, અને અગ્નિની શક્તિને પોષણ અને જીવનધારા તરીકે વંદવામાં આવી. ઋગ્વેદમાં સ્ત્રીશક્તિના આભા વર્ણવતા અનેક મંત્રો મળે છે. દેવી સૂક્તમ સ્ત્રી-શક્તિની સર્વવ્યાપકતા અને બ્રહ્માંડવ્યાપી સ્વરૂપને સ્પષ્ટ રીતે વર્ણવે છે. તેમાં દેવી પોતાના સ્વરૂપ વિશે સ્વયં કહે છે:
અહમ્ રાષ્ટ્રિ સંગમની વસૂનામ્, ચિકિતુષી પ્રથમા યજ્ઞિયાનામ્ – હું જ રાષ્ટ્રની શક્તિ છું, દેવતાઓને સંગમ કરતી વસુ છું, સર્વ જ્ઞાનની પ્રથમ ઉપાસ્ય છું.
મયા સો અન્નમત્તી યો વિપશ્યતિ – સર્વ જીવનદ્રવ્ય દેવીની શક્તિથી પોષાય છે.
અહમ એવ સ્વયમિદં વદામી જષ્ટં દેવૈ: ઉત માનુષેભિ:મ
યં કામયે તં તમુગ્રં કરોમિ તં બ્રહ્માણં તં ઋષિં તં સુમેધામ્ય
અર્થાત, હું જ સ્વયં આ વાણી બોલું છું, જે દેવતાઓ અને મનુષ્યો બંનેને પ્રિય છે; જેને હું ઇચ્છું છું તેને શક્તિશાળી બનાવું છું, તેને જ હું બ્રાહ્મણ, ઋષિ અથવા મહાબુદ્ધિશાળી બનાવી દઉં છું.
આથી સ્પષ્ટ થાય છે કે વૈદિક યુગમાં દેવીને, બ્રહ્માંડને એકસૂત્રમાં બાંધી રાખનારી ચેતનાશક્તિ તરીકે પૂજવામાં આવી.
પ્રારંભિક પુરાણિક યુગ (ઈ.સ.પૂર્વે 1મી સદી – ઈ.સ. 6મી સદી)
પૂરાણોમાં સ્ત્રીશક્તિનું સ્વરૂપ વધુ વિકસિત અને વિક્રમી બન્યુ.દેવીમાહાત્મ્યમાં દુર્ગા વર્ણન છે કે કેવી રીતે તેણે મહિષાસુરનો સંહાર કર્યો. ઉપરાંત પુરાણો દેવીને પરમશક્તિ તરીકે સ્થાપે છે.
યત્ર યત્ર જગત્સર્વં, ભાસતે સ ચરાચરમ્મ
તત્રૈવ સ્થિત દેવી, ભાસયિત્રી પરા શક્તિ:ય
અર્થાત્ – જગતના દરેક જીવો અને પદાર્થમાં પરાશક્તિ રૂપે દેવીના પ્રકાશનો પ્રવાહ છે.
પ્રથમ સદીના બંગાળ, છઠ્ઠી સદીના રાજસ્થાન, અને દક્ષિણ ભારતમાં મહાબલિપુરમની ગુફાઓમાં કોતરાયેલા યુદ્ધના દૃશ્યો દર્શાવે છે કે દેવી માતાથી આગળ વધીને શક્તિ સ્વરૂપે અનુભૂતિમાં આવી. દુર્ગા હવે માત્ર પ્રજનનનું પ્રતિક નહીં, પરંતુ દુષ્ટોનો નાશ કરનારી યોદ્ધા દેવી બની. દેવી માહાત્મ્ય કહે છે કે,
“યા દેવિ સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતામ
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:ય”
મધ્યકાળ અને કાળી, તંત્ર અને શાક્ત પરંપરા (ઈ.સ. 7મી-14મી સદી)
ઈ.સ. 7મીથી 14મી સદી દરમિયાન દેવીની પૂજામાં એક નવો પરિચય થયો – કાળીના ઉગ્ર સ્વરૂપનો. કાળીનું અર્ધનગ્ન દેહ, કરાળ દાંત, હાથમાં શસ્ત્રો, રક્તમાલા અને કાપેલા શીર્ષોનું દર્શન એક ભયાનક દ્રશ્ય બનાવે છે. એ પ્રતીકો મૂળે ભય માટે નહીં, પરંતુ સર્જન-વિનાશના શાશ્વત ચક્રને દર્શાવવા માટે છે. કાળીના પગ નીચે પડેલા શિવ એ સૂચવે છે કે શક્તિ વિના શિવ પણ નિષ્ક્રિય છે – એટલે કે બ્રહ્માંડમાં ગતિ, ચેતના અને સર્જનશક્તિનો સ્ત્રોત દેવી જ છે. કાળીને “સમયનું સ્વરૂપ” (કાળ) માનવામાં આવે છે, જે વિનાશ કરે છે, પણ એ વિનાશમાંથી જ નવા સર્જનની શરૂઆત થાય છે.
શાક્ત પરંપરા અને તંત્રસાધના
શાક્ત પરંપરા ભારતીય ધર્મસંસ્કૃતિની એક મહત્વપૂર્ણ ધારા છે, જેમાં એવું માનવામાં આવે છે કે દેવી શક્તિ બ્રહ્માંડની પરમ શક્તિ છે. આ આધ્યાત્મિક પ્રણાલી માત્ર પૂજા અને ધાર્મિક વિધિઓ સુધી મર્યાદિત નથી, પરંતુ તાંત્રિક સાધના દ્વારા માનવ ચેતનાને ઉન્નત કરી દેવી શક્તિનો સીધો અનુભવ કરાવે છે. આ પરંપરાને સૈદ્ધાંતિક અને દાર્શનિક રીતે સમજાવતા શાસ્ત્રોને આદરશાસ્ત્ર કહેવામાં આવે છે, જે ઉપાસના પદ્ધતિઓ અને દેવી ચિંતનને વ્યવસ્થિત રીતે રજૂ કરે છે.
ઉદભવ અને વિકાસ
શાક્ત પરંપરાનો ઉદભવ પ્રાચીન ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં થયો હતો, જ્યાં પ્રારંભિક સ્ત્રી-પૂજા અને ફર્ટિલિટી રિચ્યુઅલ્સમાંથી આ પ્રથા ધીમે ધીમે તાંત્રિક અને ગુપ્ત સાધનામાં પરિવર્તિત થઈ. આ પરંપરાની શરૂઆત યોગ, મંત્ર અને ચિહ્નાત્મક વિધિઓ દ્વારા થઈ, જેમાં શૈવ અને શક્તિ અનુયાયી યોગીઓ, તંત્રજ્ઞાનો અને મહિલા ઉપાસિકાઓએ મહત્વની ભૂમિકા ભજવી. ઈ.સ. પૂર્વે પ્રથમ સદીથી ત્રીજી-ચોથી સદી દરમિયાન પ્રાથમિક તંત્ર ચિંતન અને ગુપ્ત મંત્ર-શક્તિની સાધના વિકસવા લાગી અને
મધ્યકાલીન યુગ (ઈ.સ. પાંચમી-તેરમી સદી)માં શાક્ત પરંપરા વધુ સુવ્યવસ્થિત સ્વરૂપમાં વિકસી. આ સમયગાળા દરમિયાન કૌશિક તંત્ર, શિવ તંત્ર, દેવી ભાગવત તંત્ર જેવા ગ્રંથોની રચના થઈ, જેમાં પંચમકાર, યંત્ર, મંત્ર અને ચિહ્નાત્મક વિધિઓનો વ્યાવહારિક અને ચેતનાત્મક ઉપયોગ દર્શાવવામાં આવ્યો. આઠમીથી બારમી સદી સુધી, તંત્રની વિધિઓ શૈવ, શક્તિ અને આઘોર પંથોમાં વધુ ગહન અને સંકલિત સ્વરૂપમાં વિકસતી ગઈ, જેના દ્વારા દૈનિક ઉપાસના, ગુપ્ત પ્રયોગો અને ચિહ્નાત્મક સાધનાનો વ્યાપક સ્વીકાર થયા.
તાંત્રિક સાધના
તાંત્રિક ઉપાસના પરંપરાગત પૂજાઓથી ભિન્ન છે. પરંપરાગત પૂજાઓમાં પ્રાર્થના, મંત્રોચ્ચારણ અને દૈનિક આચરણ પર ભાર હોય છે, જ્યારે તાંત્રિક સાધના ગુપ્ત, પ્રતીકાત્મક અને ચેતનાત્મક છે. સાધક ઊંડા ધ્યાન, ચિહ્નાત્મક વિધિઓ, મંત્ર અને યંત્રનો ઉપયોગ કરીને જીવનના બંધનોથી મુક્તિ અને દેવી સાથે પૂર્ણ એકત્વ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. તંત્રમાં એવું માનવામાં આવે છે કે દેવી બહારની શક્તિ નથી, પરંતુ માનવ શરીર અને મનમાં સુપ્ત રૂપે રહેલી કુંડલિની શક્તિ છે. આ સુપ્ત શક્તિને જગાડી, તેને બ્રહ્માંડની પરમ ચેતના સાથે એકરૂપ કરવાનો હેતુ રહે છે.
તંત્ર અને પંચમકારની વિભાવના
શાક્ત પરંપરામાં પંચમકાર (મદિરા, માંસ, મત્સ્ય, મુદ્રા, મૈથુન) ઊંડો આંતરિક અર્થ ધરાવે છે. આ પ્રતીકો બહારથી જટિલ લાગે છે, પરંતુ તે સાધકને શીખવે છે કે જીવનની સામાન્ય બંધનરૂપ વસ્તુઓને ચેતનાપૂર્વક પાર કરીને મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. તાંત્રિક ઉપાસનાનું અંતિમ લક્ષ્ય દેવી સાથે પૂર્ણ એકત્વ પ્રાપ્ત કરવું છે, જ્યાં સાધકનો અહંકાર વિલય પામે અને માત્ર શક્તિ અને ચેતનાનો અનુભવ બાકી રહે.
ભારતમાં દેવી-પૂજા: વૈદિકથી પૌરાણિક યુગ સુધીનો પ્રવાહ
કાશ્મીરી શૈવ તંત્ર
કાશ્મીરમાં આ સમયગાળામાં શૈવતંત્ર અને શાક્તતત્વ એક સાથે વિકસ્યા. અભિનવગુપ્ત જેવા તત્ત્વચિંતકો અને તાંત્રિક આચાર્યો એ કાશ્મીરી શૈવતંત્રને તત્ત્વજ્ઞાન અને સાધનાના સ્તરે ઊંચાઈ આપી. અહીં દેવીને માત્ર વિનાશક કે પોષક નથી માનવામાં આવી, પણ ચિત્શક્તિ (ચેતનાશક્તિ) તરીકે માન્યતા અપાઈ. કાશ્મીરી શૈવ પરંપરામાં શક્તિ અને શિવને અભિન્ન માનવામાં આવે છે – શિવ એ અચલ ચેતના છે અને શક્તિ એ તેની ગતિશીલતા છે. કાશ્મીરી તંત્રમાં કાળી અને ત્રિપુરાસુન્દરી બંનેની આરાધના કરવામાં આવતી, અને એ આધ્યાત્મિક અનુભવને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું.
દશમહાવિદ્યા અને દેવીના સ્વરૂપો
મધ્યકાળમાં દેવીના દશમહાવિદ્યા સ્વરૂપો (કાળી, તારા, છિન્નમસ્તા, ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી, કમલા, ભૂવનેશ્વરી અને ત્રિપુરાસુન્દરી)ની ઉપાસના વિકસી. આ દશ સ્વરૂપો દેવીના વિવિધ તત્ત્વો – સર્જન, વિનાશ, જ્ઞાન, ભય, રક્ષણ, વૈભવ અને મોહમાયા – બધાને આવરી લે છે. ખાસ કરીને કાળી, તારા અને ભૈરવી જેવા સ્વરૂપો તાંત્રિક ઉપાસનામાં વધુ મહત્વ ધરાવતા હતા. દશમહાવિદ્યા પરંપરા એ દર્શાવે છે કે દેવી એક જ છે, પણ સાધકની જરૂરિયાત અને ચેતનાના સ્તરે તે વિવિધ રૂપોમાં પ્રગટે છે.
અઘોર ઉપાસના
આ સમયગાળામાં અઘોર પરંપરા પણ શાક્ત અને તાંત્રિક માર્ગ સાથે જોડાયેલી જોવા મળે છે. અઘોરીઓ માટે શુદ્ધ-અશુદ્ધનો ભેદ નિરર્થક છે. તેઓ શ્મશાનમાં સાધના કરે છે, કાળી અને ભૈરવની ઉપાસના કરે છે, અને માનતા કે પરમસત્ય સુધી પહોંચવા માટે સમાજના બધા બંધનો, ભય અને અહંકારનો ત્યાગ કરવો પડે. અઘોર સાધકો માટે મૃત્યુ અને વિનાશ ભયજનક નથી, પરંતુ જીવનના સત્યનો એક અંગ છે. અઘોર સાધનામાં કાળીને મૃત્યુજીત શક્તિ – એટલે કે મૃત્યુને પાર કરાવતી માતા – તરીકે પૂજવામાં આવે છે.
અલબત્ત, ઈ.સ. 7મીથી 14મી સદીનો આ મધ્યકાળ દેવીપૂજાના ઈતિહાસમાં એક ક્રાંતિકાળ હતો. કાળીના ઉગ્ર સ્વરૂપથી લઈને દશમહાવિદ્યા સુધી, કાશ્મીરી શૈવ તંત્રથી અઘોર સાધના સુધી – દરેક પરંપરાએ એ દર્શાવ્યું કે દેવી માત્ર ભક્તિનો વિષય નથી, પરંતુ જીવન, સમય, ચેતના અને બ્રહ્માંડની મૂળ શક્તિ છે. આ યુગમાં દેવીપૂજા એક ધાર્મિક વિધિમાંથી ઊંચકાઈને આધ્યાત્મિક અનુભવ અને તત્વચિંતનનું કેન્દ્ર બની ગઈ.
દેવીપૂજાનો આ આધ્યાત્મિક પ્રવાહ મધ્યકાળના અંત સુધી આવતાં લોકજીવન સાથે ઊંડે જોડાયો અને પ્રાંતવાર ઉજવણીનાં વિવિધ સ્વરૂપે અભિવ્યક્ત થયો: બંગાળમાં દુર્ગાપૂજા ભવ્ય સામૂહિક ઉત્સવ તરીકે વિકસી, જ્યાં પવિત્ર ગંગાની માટીમાંથી દુર્ગાની પ્રતિમા ઘડીને એને ‘પ્રાણપ્રતિષ્ઠા’થી જીવંત રૂપ આપવામાં આવે છે – જ્યાં નદી, માટી અને માનવજીવન એક જ સૂત્રમાં જોડાઈ માનવ અને પ્રકૃતિ વચ્ચેનું અધ્યાત્મિક બંધન ઉજાગર થાય છે; આસામના કામાખ્યા મંદિરે તાંત્રિક ઉપાસનાનું કેન્દ્ર રૂપ ધારણ કર્યું; દક્ષિણ ભારતમાં બોમ્મૈયા કોલુ અથવા ગોલુ પરંપરામાં પાંખડીઓવાળા મંડપમાં દેવી-દેવતાઓ, ઋષિઓ, પ્રકૃતિના તત્વો અને લોકજીવન દર્શાવતી મૂર્તિઓ સજાવવામાં આવે છે – જે સમાજજીવન, પ્રકૃતિ અને દૈવી શક્તિ ત્રણેયનું સમન્વય એક જ માળામાં દર્શાવે છે; મહારાષ્ટ્રમાં ગોંધળ લોકસંગીત અને નૃત્ય દ્વારા દેવીની મહિમાનું ગાન બન્યો; જ્યારે ઉત્તર ભારતમાં જગરાતા અને રામલીલા જેવી પરંપરાઓએ દેવીની શક્તિ અને રામકથાને ભક્તિપૂર્ણ લોકનાટ્ય સાથે જોડીને જીવંત રાખી. આ જ સમયમાં અનેક શક્તપીઠોએ ધાર્મિક તથા સામાજિક એકતાનું કેન્દ્ર બનીને ભારતના વિવિધ પ્રદેશોને એક સૂત્રમાં ગૂંથી દીધા.
ગુજરાતમાં રમાતા ગરબા જીવનના ચક્રનું પ્રતિક છે – કેન્દ્રમાં દીવો રાખીને તેની પરિક્રમા કરીને જાણે બ્રહ્માંડની અનંત ગતિ અને તેજને ઉજવે છે.
નવરાત્રી માત્ર નૃત્ય, સંગીત કે ઉત્સવ નથી, તે માનવજાતના સૌથી પ્રાચીન સંદેશ – સર્જનશક્તિ અને પોષણશક્તિનું સન્માન -ને ફરી જીવંત કરે છે. નવ દિવસ સુધી દીવા, ધૂપ અને અનુષ્ઠાન સાથે ઉજવાતી નવરાત્રીમાં સ્ત્રી તત્વને સમગ્ર બ્રહ્માંડની ધારણશક્તિ માનવામાં આવે છે. દેવી ક્યારે કાળી બની અંધકાર અને અવિદ્યાનો નાશ કરે છે, ક્યારે લક્ષ્મી બની સમૃદ્ધિ આપે છે, તો ક્યારે સરસ્વતી સ્વરૂપે જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. આથી જ આરાધનામાં,
‘જયંતી મંગલા કાલી ભદ્રકાલી કાપાલિનીમ
દુર્ગા ક્ષમા શિવા ધારત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે…,’
જેવા શ્લોકો ગુંજતા રહે છે.