અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું દેવસ્થાનોમાં પૂજન
અંબાજી મંદિર-ગુરુ શીખર સહીતના ધર્મસ્થાનોમાં શાસ્ત્રોક્ત વિધિ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આગામી તા.22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે થવાની છે ત્યારે દેશ ભરમાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું ગામે ગામ અને તમામ ધર્મસ્થાનોમાં પધરામણી કરીને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગિરનાર પર્વત પર આવેલ દેવી દેવતાના ધર્મ સ્થાનોમાં પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી અને જય જય શ્રી રામના નાદ સાથે ગીરનાર ગુંજી ઉઠયો હતો.
અયોધ્યામાં રામ લલ્લા બિરાજમાન થવાના છે ત્યારે દેશ ભરના ભારતીયોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.પ્રભુ શ્રી રામની અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા થવાની છે.ત્યારે સોરઠ પંથકમાં અનેરો ઉત્સાહ સાથે ધાર્મિક માહોલમાં શહેર, તાલુકા અને ગ્રામ્ય સ્થળો સહીત નાની નાની શેરી થી સોસાયટી સહીત વિસ્તારોમાં અયોધ્યાના પૂજિત અક્ષત કળશનું ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને અક્ષત કળશનું ભક્તો દ્વારા પૂજન કરવામાં આવી રહ્યું છે.
હિમાલયના પર દાદા એવા ગીરનાર પર્વત પર આવેલ ગુરુ શિખર પર બિરાજમાન ગુરુદત્તાત્રય ભગવાનના મંદિર અને અંબાજી મંદિર સહીત દેવી દેવતાના ધર્મ સ્થાનોમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશની ધાર્મિક વિધિ વિધાનથી ગિરનાર ક્ષેત્રના સંતો મહંતો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જૂનાગઢના વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર અયોધ્યા નગરીથી આવેલ પૂજીત અક્ષત કળશ ગિરનાર તીર્થ ક્ષેત્ર અંતર્ગત શનિવારે વહેલી સવારે શુભ પ્રસ્થાન શેષાવન થઈ ભરતવન, હનુમાન ધારા, ગૌ મુખી ગંગા, સાચા કાકાનુ સ્થાન તેમજ નાના મોટા દરેક ધાર્મિક સ્થાનો લઈ સંધ્યા આરતી સમયે અંબાજી મંદિરે કળશની પધરામણી કરેલ અને રાત્રી રોકાણ અંબાજી મંદિરે કરેલ અને બીજા દિવસે રવિવારે પરોઢે ગોરખનાથ શિખર, ગુરુ દત્તાત્રેય અને કમંડલ કુંડમાં કળશની પધરામણી કરેલ આ રામ કાર્યમાં વિહિપના સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના, સહ સેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા જોડાયેલ જે જૂનાગઢ મહાનગરના અભિયાનના સંયોજક તેમજ વિહિપના મંત્રી જયેશભાઇ ખેસવાણીએ જણાવ્યું હતું.