સોરઠ પંથકમાં ઠંડીનું જોર વધ્યું: આગામી ડિસેમ્બરથી કાતિલ ઠંડીની આગાહી
શહેરમાં 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાત્રિના અને વહેલી સવારે તીવ્ર ઠંડી
- Advertisement -
ઠંડી વધતાં લોકોએ તાપણાં અને ગરમ ચીજવસ્તુઓનો સહારો લીધો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
વર્ષે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું, પરંતુ આ વર્ષે શિયાળાના પ્રારંભે જ વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો તીવ્ર અનુભવ થઈ રહ્યો છે. માવઠાની વિદાય બાદ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સોરઠ પંથકમાં શીતલહેર જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. જૂનાગઢ ગિરનાર પર્વત પર આજનો દિવસ સૌથી વધુ ઠંડો નોંધાયો હતો. મંગળવારે સવારે ગિરનારના પહાડો પર લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરીને માત્ર 6.8 ડિગ્રી સેલ્સિયસ સ્થિર થયો હતો, જેના પરિણામે સમગ્ર પર્વતીય વિસ્તાર ઠંડોગાર થઈ ગયો હતો અને ત્યાંના લોકો ઠુંઠવાયા હતા. જ્યારે જૂનાગઢ શહેરમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાત્રિના અને વહેલી સવારે તીવ્ર ઠંડી પડવાને કારણે લોકોએ ભારે ઠંડીનો અહેસાસ કર્યો હતો અને ગરમ કપડાંનો સહારો લેવો પડ્યો હતો. ઠંડીના કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે લોકોએ ઘર બહાર જવાનું ટાળ્યું હતું. જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં ઠંડીનું જોર વધતાં લોકોએ ઠંડીથી બચવા માટે તાપણાં કરવા સાથે ગરમ ચીજ વસ્તુઓ ખાવાની શરૂઆત કરી દીધી છે. જોકે, મંગળવારની બપોરે વાતાવરણમાં 22 ટકા ભેજ વચ્ચે મહત્તમ તાપમાન વધીને 31.9 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહ્યું હતું, જેના કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ પણ થયો હતો. મંગળવારે સવારે વાતાવરણમાં 68 ટકા ભેજ નોંધાયો હતો, જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને 2.8 કિલોમીટરે પહોંચી ગઈ હતી. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, માવઠાની વિદાય બાદ તાપમાનમાં વધઘટ જોવા મળી રહી હતી, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. તેમણે આગાહી કરતા કહ્યું હતું કે, હજુ આગામી 12 દિવસ સુધી નોર્મલ ઠંડી જોવા મળશે, પરંતુ ત્યારબાદ કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. તેમણે ઉમેર્યું હતું કે, ગઈ તા. 10 નવેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ક્રમશ: ઠંડી વધતી રહેશે. નવેમ્બરનું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને ઠંડીની ઋતુએ જમાવટ આરંભી દીધી છે. ડિસેમ્બરની શરૂઆતમાં એટલે કે પ્રથમ અઠવાડિયામાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને ત્યારે તાપમાન સિંગલ ડિજિટમાં જવાની શક્યતા છે. જેથી લોકોએ કાતિલ ઠંડીના સામનો કરવા માટે માનસિક તૈયારી રાખવી પડશે. નિષ્ણાતે વર્તમાન વાતાવરણને શિયાળુ વાવેતર માટે અનુકૂળ હોવાનું પણ જણાવ્યું હતું. દરમિયાન જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનું મોજું ફરી વળતા સામાન્ય જનજીવનને અસર થઈ હતી અને લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા.



