એ ગરબીઓ, એ જૂની સાતમ આઠમો, એ દિવાળી…
જગદીશ આચાર્ય
દેશમાં રોપવે તો મોડે મોડે બન્યા,અમારા રાજકોટમાંતો દાયકાઓથી ગરુડની ગરબીમાં રોપ વે નો ઉપયોગ થતો રહ્યો છે.એક ઊંચી મેડીએ થી ભૂલકાઓને ગરુડ આકારના વિમાનમાં બેસાડવામાં આવે અને પછી એક મજબૂત દોરડા પર એ ગરુડ સડસડાટ કરતું જમીન પર ઉતરે.મુગ્ધ ભૂલકાઓના નિર્દોષ ચહેરાઓ ખિલખિલાટ થઈ જાય.બાળકો તો ઠીક બાળકોના મમ્મી પપ્પા પણ સાંકડમોંકડ એમાં ગોઠવાઈ જતા.આ ગરુડસવારીનો પણ આનંદ આનંદ હતો. એક બાબુ ચકુની ગરબી હતી.બાબુ ચકુ પોતે અને એમની ગરબી બંન્ને વખણાતા.જંકશન પ્લોટની ગરબીમાં લાખાભાઈ ગઢવી પહાડી અવાજમાં “એક વાર હું ને મીરાં મથુરામાં ગયા’તા” એ ગીત ઉઠાવતા.રાત ઢળતી રહેતી,ગીત અને સંગીત ઘૂંટાતા રહેતા અને તેના તાલે સ્ટેજ ઉપર બાળાઓ ગોપી બની ઘુમકારા લેતી.બેડા રાસ અને ટીટોડી રાસ,હુડો,અઠંગો અને સોળનગો રાસનો સિલસિલો ચાલુ જ રહેતો.દૂધની ડેરીએ ગબ્બરની આબેહૂબ પ્રતિકૃતિ બનતી.ઘર આંગણે લોકો ગબ્બર પર્વત ચડયાનો આનંદ માણી લેતા.બાદમાં ડેરીના વિશાલ મેદાનમાં બેસી ફોલી ફોલીને શેકેલા ઓળા ખાવાનું ફરજીયાત હતું.રસ્તામાં વ્યંઢળોની ગરબી આવતી.ભવાઈ થતી.શેરીએ શેરીએ ટેબલ ઉપર માતાજીની તસ્વીર રાખી,દીવો કરી મહિલાઓ ગરબે ઘૂમતી.કોકિલ કંઠી નાગર મહિલાઓ ગાતી,”રંગ તાળી રંગ તાળી રંગ તાળી રંગમાં રંગ તાળી..”પંચનાથ મંદિરે પુરુષો પીતાંબરો ધારણ કરીને રાસ રમતાં.નાની નિર્દોષ બાળાઓ ઘરે ઘરે ગરબો ગાવા જતી.ગરબડીયો ગવરાવો ગરબે જાળિયું મેલાવો રે..” સાથે નાના છોકરાઓ ઘોઘો ગાતા,”ઘોઘો ઘોઘો ઘોસલામ નાથી બાઈના વિસસ્લામ”.દીવાઓમાં ઘી અને તેલ પૂરાતું.છેલ્લે નોરતે એ બાળકોને પેઈસા આપવાનો રિવાજ હતો.ગરબે રમતી બાળાઓને કઢેલા દૂધ આપવામાં આવતા.લ્હાણી થતી.ગરબે ઘૂમતી દરેક બાળામાં જગદંબાના દર્શન થતાં.માનશો નહીં પણ આજ થી ઊલટું નવરાત્રીમાં ક્યારેય છેડતી ન થતી.ગરબીમાં ક્યારેક ડિસ્કો પણ આવશે એ કદી કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું.એ વખતે ગરબીના ધંધાદારી આયોજનો નહોતા.એ વાસ્તવમાં માં અંબે અને જગદંબેની સાધનાનું પર્વ હતું.
સાતમ આઠમની ઉજવણી નાગપાંચમથી શરૂ થઈ જતી.પાણીયારે દીવો થતો.કુલેરના લાડુ બનતા.રાંધણ છઠ્ઠના દિવસે ગળી અને તીખી અને વેલણથી ખાડા ખાડા પાડેલી ફરસી પુરીઓ બનતી.સુખડી અને મોહનથાળ, મઠીયા અને ફાફડા અને થેપલાં બનતા.સક્કરપારા,સેવ અને ગાંઠીયાના તવા ધમધમતા.ભગવાનને પહેલો થાળ ન ધરાવાય ત્યાં સુધી છોકરાઓ રસોડા આસપાસ ચકકરો લગાવ્યે રાખતા.રસોડામાંથી નીકળેલી સોડમથી ઘરની હવાઓ મહેકતી.રસોડામાં ડબ્બાઓ ભરાઇ જાય એ પછી ચાર દિવસ સુધી રસોડું બંધ રહેતું.જલી જલીને કાળા થઈ ગયેલા ચૂલાને ચાર દિ ની રજા.સગડીઓ ઠારી નાખવામાં આવતી..મહિલાઓને દશમ સુધી રસોઈ કરવામાંથી મુક્તિ.ક્યારેય વેકેશન ન પાડતી ગૃહિણીઓ વર્ષમાં બસ એ ચાર દિવસ આરામની આઝાદી મેળવતી.
રાજકોટમાં લોકમેળો શાસ્ત્રી મેદાનમાં થતો.સવારે આસપાસના ગામડાઓમાંથી રબારણો, આયરાણીઓ અને ભરવાડણો સોનાના દાગીનાથી લથબથ થઈ,શણગારેલા બળદગાડાં અને અન્ય વાહનોમાં બેસી મીઠા અવાજે કોરસમાં કાનુડાના ગીતો ગાતી ગાતી લોકમેળે આવતી.ખડતલ,ધીંગા,પહોળી છાતીવાળા માલધારી યુવાનો ફુમતાવાળા કેડયા અને ચોરણા પહેરી રાસ રમતા.લોકમેળો સવારથી સાંજે પાંચ સુધી ગામડાના લોકો માટે અને સાંજ પછી શહેરના લોકો માટે એ વણલખ્યો નિયમ હતો.ઘરે તાળા મારીને આખો પરિવાર મેળે મહાલતો.લાકડાના રમકડાં મળતા.દોરીથી ખેંચવાની મોટર ગાડીઓ અને આગબોટો અને એન્જીનો મળતા.ફુગ્ગા હતા અને લાલ,લીલા,પીળા રંગોની કાકડીઓ હતી.પાવા હતા અને ટકટકીયા હતા.બાળકો ભુલા પડી જાય તો માઇકમાં એનાઉન્સમેન્ટ થતા.બાળક અને તેના મા બાપના નામ ઉપરાંત બાળક રોતું હોય એ અવાજનું પણ પ્રસારણ થતું.એ સિવાયના સમયમાં માઈકમાં ફિલ્મી ગીતો વાગ્યે રાખતા.મેળામાં ગમતીલો ઘોંઘાટ ગાજતો.ચકડોળમાં બેસવા માટે કતારો લાગતી.ચકડોળ સૌથી ઉપર જાય ત્યારે આસમાન થોડું ઢૂંકડું લાગતું અને રાજકોટ આખાના મકાનોના નળીયા દેખાતાં.મેળામાં મેદાનને છેડે કેન્ડી અને આઈસ્ક્રીમની પ્લેટો મળતી.આખેઆખો મેળો ખૂંદી લીધા બાદ મેદાનમાં જ ભાતાના ડબ્બા ખોલીને બધા આસન જમાવી દેતાં.રામનાથ મહાદેવ,ભોમેશ્વર મહાદેવ સહિતના નાના મોટા શિવ મંદીરોએ મીની મેળા થતાં. ચાર દિવસ જિંદગીમાં આનંદ ઉમંગની છાકમછોળ રેલાતી.દુનિયા રંગીન થઈ જતી.જલસો જલસો થઈ જતું.
દિવાળીની રાત્રે કોઈ સુતું જ નહીં.દિવાલના ગોખલાઓમાં દિવડા પ્રગટતા.આંગણે રંગોળીઓ સજાતી.બારણે આસોપાલવના તોરણીયા બંધાતા.વેપારીઓ ચોપડા પૂજન કરતા.ચોપડાના પ્રથમ પાને કંકુથી શ્રી સવા લખાતું.ગોર મહારાજોને દોડાદોડી થઈ જતી.ચોપડા પૂજન બાદ ચા નાશતો અને ત્યાર બાદ વારો ફટાકડાનો. લાલટેટા અને લક્ષ્મી છાપ ટેટા અને સીંદરી બોંબ અને તડાફડીના ધૂમ ધડાકાથી રાત જાગતી રહેતી.જમીનચકરી,શંભુ ભંભુ અને ફુલઝરોમાંથી તારલીયાના ફુવારા થતા. રાત રોશન થઇ ઉઠતી.ધર્મેન્દ્ર રોડ ઉપર એક એક દુકાને રોશની થતી.સાંકડી બજારમાં વચ્ચે દોરડા બાંધી વન વે કરાતો. આખું રાજકોટ કતાર લગાવતું.સવારે ચાર વાગ્યે “સબરસ લ્યો સબરસ” ની હાકલ પડતી.ઉઘડતી પરોઢે જ લોકો એકમેકના ઘરે પહોંચવા લાગતા.બાળકો પ્રસાદમાં રાખેલી પીપરમેન્ટ અને ગળ્યા કાજુ ગોતી ગોતીને ખીચ્ચા ભરી લેતા.પગે લાગીએ એટલે વડીલો આશીર્વાદ ની સાથે જ આઠ આના કે રૂપિયો આપતા.”સાલમુબારક સાલમુબારક”ની શુભેચ્છાઓની આપ લે થતી.ચરણસ્પર્શો થતા, દુઃખડા લેવાતા, બા અને દાદીઓના વ્હાલપ અને આશીર્વાદ વહેંચતા હાથોના ટચાકિયા ફૂટતાં.નવલી આશાઓ નવલી ઉષા,નવલા ઉજાસ અને નવલા વર્ષના ઉમંગભેર વધામણાં થતા.
ઉત્સવો આજે પણ થાય છે. રંગ અને રોશની અને ઝાકમઝાળ કદાચ અગાઉ કરતાં આજે વધારે હશે.પણ આજે સંબંધોની એ નજદીકિયા અને એ આત્મીયતા ખોળવી પડે છે.સહપરિવાર મેળે મહાલવાની અને મેદાનમાંજ જમીન પર બેસીને ભાતું ખોલવાની મજા ખોવાઈ ગઈ છે.સાલમુબારકના લલકારોમાં આજકાલ અવાજ થોડા પોલા નીકળે છે.આધુનિક ગરબીઓ ફેશન પરેડ અને શરીરો દેખાડવાની હરીફાઈમાં પલટાઈ ગઈ છે.સમયનો કાંટો કદી થાકતો નથી,થંભતો નથી.કાળનો પ્રવાહ ચાલયે જ રાખે છે.પરિવર્તનો થતાં જ રહે છે.જે કાલે હતું તે આજે નથી.આજે છે તે કાલે નહીં હોય.અતીત,વર્તમાન અને ભવિષ્ય એક તંતુથી જોડાયેલા છે.ભવિષ્યની આપણને ખબર નથી.વર્તમાન ક્યાં ખર્ચાઈ જાય છે એ ખબર નથી પડતી. છે તો બસ,એક વીતી ગયેલું અને કદી પાછું ન મળનારું અતીત છે.એની યાદો છે. સીધી સાદી જિંદગીના માણેલા નાના નાના પણ બેસુમાર આનંદોની મસ્તાની યાદો.એ તહેવારો,એ ઉત્સવો, લાકડાંના એ રમકડાં અને રંગબેરંગી ફુગ્ગા અને ટકટકીયા અને ફુલઝરો અને એ રુહાની ઉમંગો.એક જિંદગી જે આપણે જીવી ગયા એની યાદોનું ભાથું ક્યાંક આપણી અંદર સાચવીને સંઘરાયેલું છે.તમે પણ યાદ કરજો તમારી જિંદગીના એ મખમલી મુકામ. વિસરાઈ ગયેલી કેટલીય ખુશીઓ યાદ આવી જશે.એ યાદ કરવાની પણ મજા છે ને..!