બહેનો દ્વારા કાપડની થેલી મારફતે સૂત્રો લખી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરાયા
રાજકોટ -રાજકોટ જિલ્લાની ૧૩૫૫ આંગણવાડીઓમાં આજે ‘‘પૂર્ણા દિવસ’’ની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત બહેનોએ કાપડની થેલી પર સ્વચ્છતા અંગેના સૂત્રો લખી સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કર્યા હતા.
રાજયભરની મહિલાઓમાં આરોગ્ય અને સ્વચ્છતા જેવી પાયાની બાબતો પ્રત્યે જાગૃતિ કેળવાય, તેવા આશય સાથે રાજયની તમામ આંગણવાડીઓમાં દર માસના ચોથા મંગળવારે ‘‘પૂર્ણા દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે આંગણવાડીના કર્મચારીઓ દ્વારા બહેનોના વજન, ઉંચાઇ અને બોડી માસ ઇન્ડેકસ(બી.એમ.આઇ.)ની માપણી કરવામાં આવે છે. બહેનોને ટેક હોમ રાશનનું વિતરણ કરવામાં આવે છે. આરોગ્યલક્ષી કાયદાઓની સમજ આપવામાં આવે છે. મહિલાઓના અધિકારો બાબતે જાગૃત કરવામાં આવે છે. સૌથી મહત્વની બાબત તરીકે ભણતર અધુરૂં મુકીને શાળા છોડી ગયેલ કિશોરીઓને અભ્યાસમાં પૂનઃસ્થાપિત કરવાના શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવે છે. આંગણવાડી કર્મચારીઓને ગ્રામ્ય મહિલાઓનો સારો સહકાર સાંપડે છે, જેને લીધે ગ્રામ્ય મહિલાઓમાં જાગૃતિ આવે છે.
- Advertisement -
ઓગસ્ટ માસના ચોથા મંગળવારે રાજકોટ જિલ્લાની ૧૩૫૫ આંગણવાડીઓમાં બહેનોએ કાપડની થેલી બનાવી હતી. અને આ થેલી પર ભરત ભરીને, સુશોભન કરીને, રંગીન દોરા-મોતી-કંઠીના પારા-અનાજ-કઠોળ વગેરેથી ભાત ઉપસાવીને વગેરે રીતે સ્વચ્છતા અંગેના સૂત્રો લગાવ્યા હતા. અને આંતરિક સુઝ-બુઝથી ગ્રામ્ય સ્તરે સ્વચ્છતાલક્ષી ઝૂંબેશમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન દવે, આધાર કન્સલ્ટન્ટ શિલ્પાબેન બારડ અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ હેતલબેન શાહ, રાજકોટ ગ્રામ્યના સી.ડી.પી.ઓ. મનીષાબેન રાઠોડ, પૂર્ણા કન્સલ્ટન્ટશ્રી શ્રધ્ધાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.



