અધિકારીઓને રજુઆત કરવા જતાં ધમકી અપાઈ, પત્નીનું સરપંચ પદ જશે તેવી દાટી મારી હોવાનો આક્ષેપ
જે મકાનોમાં પરિવાર પેઢી દર પેઢી રહેતો હોય તે ઘર છીનવાઈ જવાની અણી પર હોય સરપંચે અવાજ ઉઠાવતા વિવાદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલ તાલુકાના ભોજપરા ગામના સરપંચના પતિએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. જે મકાનોમાં પરિવાર પેઢી દર પેઢી રહેતો હોય તે ઘર છીનવાઈ જવાની અણી પર હોય સરપંચે અવાજ ઉઠાવતા વિવાદ થયો છે. ગામમાં સ્વામિત્વ યોજના અંગે તંત્રએ કામગીરી કર્યા બાદ યોગ્ય કામગીરી ન થયાના આક્ષેપ સાથે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
વર્ષોથી ગામમાં રહેતા ગ્રામજનોના મકાનની સરખી માપણી ન થયાનો આક્ષેપ છે. અધિકારીઓને રજુઆત કરવા જતાં ધમકી અપાઈ, સરપંચ પદ જશે તેવી દાટી મારી હોવાનો આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક આવેલા ભોજપરા ગામના સરપંચના પતિ વિપુલભાઈ હરજીભાઈ પરમારે જણાવ્યું હતું કે, અમારા ગામ ભોજપરામાં થોડા સમય પહેલા સ્વામિત્વ યોજના અંગે કામ થયું હતું. આ યોજના મુજબ ગામડામાં આવેલ મકાનો અને મિલ્કતોનો સર્વે થાય છે. અને તેની માલિકી નક્કી કરવામાં આવે છે. જે રીતે શહેર વિસ્તારમાં સૂચિત કે જૂનવાણી મકાનો-મિલકતોમાં ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરી શકાય તેમ આ યોજનામાં જૂની મિલકતો કાયદેસર કરવાનો હેતુ હોય છે.
આ કામગીરીના અનુસંધાને અમારા ગામમાં પ્રથમ ડ્રોન કેમેરા થકી સર્વે થયો હતો. જે પછી તંત્રની ટીમે આવી સર્વે કર્યો હતો. સર્વેમાં કોઈ ક્ષતિ રહી ન જાય અને રહી ગઈ હોય તો તે દૂર થાય તે માયે અમારી રજુઆતથી ડોર-ટુ-ડોર સર્વે થયો હતો. આ પછી પણ જુના ગામ તળની કેટલીક મકાન – મિલકત સર્વેમાંથી બહાર રહી ગઈ હતી. તેને યોગ્ય કરવા જવાબદાર અધિકારીઓને રજુઆત કરી હતી. આ દરમિયાન ગ્રામજનોને યોજના અંતર્ગત નોટિસ બજવણી કરવાની થતી હોય તે પ્રક્રિયા કરવા ગ્રામજનો સાથે બેઠક થયેલી પણ ગ્રામજનો સર્વેમાં ક્ષતિના કારણે હવે આગળની પ્રક્રિયા કરવા તૈયાર નહોતા. ટીડીઓ કચેરી, સિટી સર્વે સુપ્રિન્ટેનડેન્ટની કચેરી અને મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ મને વાત કરી અને ગ્રામજનોને મનાવવા તેમજ યોજનાની કામગીરી આગળ વધે તે માટે ભલામણ કરેલી. તે સમયે ક્ષતિઓ દૂર કરવામાં આવશે તેવી ખાતરી આપેલી. જોકે આ યોજનાની કામગીરી પૂર્ણ થતાં હવે ક્ષતિઓ દૂર કરવા અધિકારીઓ
તૈયાર નથી.
અમે રજુઆત કરતા જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો, જ્યાં અરજીઓ કરવી હોય ત્યાં ગ્રામજનો અરજી કરી લ્યે. એવું પણ કહ્યું હતું કે ફરજિયાત નોટિસ બજવણી કરાવવી જ પડશે નહિતર સરપંચ પદ પણ જઇ શકે છે.