ખાસ-ખબર સંવાદદાતા
હળવદ શહેરમાં આવેલી મહર્ષિ ગુરુકુળમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિન હોય જેની ઉજવણીના ભાગરૂપે સાત દિવસ સુધી માતૃભાષા મંચ ચાલશે જેમાં પ્રથમ દિવસે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાના ઉપાધ્યક્ષ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હર્ષદભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં માતૃભાષા સપ્તાહનું ઉદ્ધાટન સત્ર યોજાયું હતું. મારી માતૃભાષા, મારુ ગૌરવ અને માતૃભાષા સંવર્ધનમાં શિક્ષકની ભૂમિકા જેવા વિષયો પર વિદ્યાર્થીઓનો શિક્ષકો સાથે સંવાદ થયો હતો.
- Advertisement -
આ કાર્યક્રમમાં માતૃભાષા દિન શા માટે અને ઉજવણી પાછળનો ઈતિહાસ વિશ્વની માતૃભાષાના અસ્તિત્વના જોખમ અને માતૃભાષા સાથે જોડાયેલી સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાઓ વિશે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગતના દરેક લોકો માતૃભાષા પ્રત્યે ગૌરવ અનુભવે અને માતૃભાષાનો જ વ્યવહાર કરે તેવા ઉદેશથી માતૃભાષા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. માતૃભાષા સપ્તાહ અંતર્ગત હજુ સાત દિવસ સુધી માતૃભાષામાં જ કાર્યક્રમો યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે. આ તકે મહર્ષિ ગુરુકુળના એમડી રજનીભાઈ સંઘાણીના જણાવ્યા મુજબ મહર્ષિ ગુરુકુળમાં ભાષા સજ્જતા, ભાષા સંરક્ષણ અને ભાષા સંવર્ધન કરવા માટે પુર્ણ પ્રયાસ કરવામાં આવશે.