નાનામૌવા પ્લોટની વિવાદિત દરખાસ્ત પેન્ડિંગ, દંડની રકમ ઘટાડી
સ્ટેન્ડિંગ કમિટી મિટીંગમાં ભાગ લેવા માટે પદાધિકારીઓ, કોર્પોરેટરો ઇલેક્ટ્રિક બસ મારફત રામવન ગયા હતાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાનાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવન ખાતે મળી હતી. જેમાં જુદા-જુદા વિકાસ કામોની કુલ 113 દરખાસ્તો આવી હતી. આ પૈકી રૂ.551 કરોડની 112 દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી. જોકે નાનામૌવા ચોકમાં આવેલા રૂ.118 કરોડનાં પ્લોટની હરાજી રદ્દ કરવાની વિવાદિત દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. આ મામલે કોર્ટ મેટર ચાલુ હોવાથી દરખાસ્ત પેન્ડિંગ રાખવાનો બચાવ કરાયો હતો. આ સાથે ગંદકી કરનારને પ્રોત્સાહન આપી દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણય ભૂલથી ગંદકી કરનાર સામાન્ય પ્રજાજનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હોવાનો બચાવ કરાયો હતો.
સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ આજની બેઠક સૌપ્રથમ વખત મનપા કચેરીની બહાર રામવનમાં યોજવામાં આવી છે. જેમાં જુદા-જુદા વિકાસ કામોની કુલ 113 દરખાસ્તો આવી હતી. આ પૈકી માત્ર 1 દરખાસ્ત પેન્ડિંગ રાખી રૂ.551 કરોડની કુલ 112 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. જોકે નાનામૌવા ચોકમાં આવેલા મનપાનાં રૂ.118 કરોડના પ્લોટની હરાજી રદ્દ કરવાની દરખાસ્ત આજે પેન્ડિંગ રાખવામાં આવી હતી. આ પ્લોટમાં કોર્ટ મેટર ચાલુ હોવાથી ખરીદનારને સમય અપાયો હોવાનો બચાવ તેમણે કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાનામૌવા રોડ પર રૂ.118 કરોડમાં વેચેલા પ્લોટની દરખાસ્ત કોર્ટમાં લિટિગેશન થઈ હોવાથી પેન્ડિંગ રખાઇ છે. નાઇન સ્કવેર નામની પાર્ટીને વધુ એક સપ્તાહ જેટલો સમય આપવામાં આવ્યો છે. આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ પ્લોટનો કબ્જો મનપાનો હતો, પરંતુ હરાજી બાદ જાડેજા અને પરસાણા પરિવારે કોર્ટમાં લિટીગેશન દાખલ કરી હતી. જેને લઈને ખરીદનાર પાર્ટી દ્વારા આ કોર્ટ મેટર પૂર્ણ થયા બાદ રૂપિયા ભરવા માટે જણાવાયું હતું. જોકે આ માટે પહેલા જ ઘણો સમય અપાઈ ચુક્યો હોવાથી આગામી સ્ટેન્ડિંગ કમિટી સુધીમાં નાઇન સ્કવેર બિલ્ડર્સ દ્વારા પ્લોટની રકમ નહિ ભરવામાં આવે તો રૂ.18 કરોડની ડિપોઝીટ જપ્ત કરવા સહિતનાં પગલાં લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ પ્લોટની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવતા બિલ્ડરને લાભ આપવામાં આવ્યો હોવાની ચર્ચાઓ લોકોમાં ઉઠી રહી છે. સામાન્ય માણસનાં 25-50 હજાર રૂપિયા બાકી હોય તેની મિલકતો સીલ કરવા કે નળ કનેક્શન કાપી નાખવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે રૂ.118 કરોડના પ્લોટને વધુ એક સપ્તાહનો સમય આપવામાં આવતા આ નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો છે. જોકે આગામી બેઠકમાં આ અંગે પ્રજા અને કોર્પોરેશનનાં હિતમાં નિર્ણય લેવાની ખાતરી સ્ટેન્ડિંગ ચેરમેને આપી છે. ત્યારે આગામી બેઠકમાં આ મુદ્દે શું નિર્ણય લેવાશે તે તો આવનારો સમય જ બતાવશે.
- Advertisement -
જાહેરમાં કચરો ફેંકનાર અને વિવિધ રીતે ગંદકી કરનાર સામે મ્યુ. કમિશનરે કરેલી દંડની જોગવાઈમાં આ બેઠકમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. આ નિર્ણય ગંદકી કરનારને પ્રોત્સાહન આપતો નિર્ણય હોવા અંગે સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું કે, સ્વચ્છતા નહીં જાળવનારને કોઈપણ પ્રકારનું સમર્થન આપવાની વાત નથી, પરંતુ ક્યારેક કોઈ વ્યક્તિથી અજાણતા કચરો ફેંકાઈ જાય અને તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો મુશ્કેલી થવાની શક્યતા છે. માટે આવા લોકોને બચાવવા માટે સ્વચ્છતા માટે સૂચવવામાં આવેલા દંડમાં ઘટાડો કરાયો હતો. જોકે જરૂર પડ્યે આ નિર્ણયની ફરીથી સમીક્ષા કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.