પારદર્શક પ્રક્રિયાથી સફાઈ કર્મીઓમાં ખુશી: મ્યુનિ. કમિશનર આનંદ પટેલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જે સફાઈ કામદાર દ્વારા અરસ પરસની બદલી માટે અરજી કરવામાં આવેલ હતી તેમના માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પ વેસ્ટ ઝોન ઓફીસના મીટીંગ હોલ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે યોજવામાં આવેલ હતો. સફાઈ કર્મચારીઓની બદલીની આ પારદર્શક પ્રક્રિયાથી આ કર્મચારીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે તેમ મ્યુનિ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.
અહીં એ ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, અરસપરસ બદલી માટે અરજી કરનાર સફાઈ કર્મચારીઓને આ કેમ્પમાં રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. એક જ અરજી ફોર્મમાં બબ્બે સફાઈ કામદારો દ્વારા આ અરજી કરવામાં આવી હતી. આવી કુલ 71 અરજીની ચકાસણી કરવામાં આવતા કેટલાક સફાઈ કામદારોએ હવે બદલી નહીં કરવાની ઈચ્છા વ્યક્ત કરતા 36 અરજી કેન્સલ કરવામાં આવેલ હતી. જ્યારે 19 અરજી કરનાર સફાઈ કામદાર ગેરહાજર રહેલ તથા અને 16 અરજી મંજુર કરવામાં આવતા 32 સફાઈ કર્મચારીઓને પોતાની ઇચ્છા મુજબના વોર્ડમાં અરસપરસ બદલીનો લાભ પ્રાપ્ત થયો હતો.
આ કેમ્પમાં અરજીની ચકાસણીની પ્રક્રિયા દરમ્યાન અરસપરસ બદલી કરાવવા ઇચ્છતા બંને સફાઈ કામદારોને રૂબરૂ બોલાવી તેમની ઈચ્છા જાણવામાં આવી હતી.
આ સમગ્ર પ્રક્રિયાનું ફોટોગ્રાફી સાથેનું ડોક્યુમેન્ટેશન પણ કરવામાં આવેલ છે. આ કામગીરી પર્યાવરણ ઇજનેર એન.આર. પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેર પી.સી. સોલંકી તથા ડી.યુ.તુવર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાનો સ્ટાફ તથા સફાઈ કામદાર હાજર રહેલ.