અત્યાર સુધીમાં જાહેરમાં ગંદકી ફેલાવતી 7 શોપ-હોટલ સીલ કરતું મ્યુ. કોર્પોરેશન
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછળ આવેલ જય ગાત્રાળ પાન શોપ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતી ના હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.03/11ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખૂબ જ ગંદકી તેમજ કચરો જોવા મળ્યો હતો.
જેથી જય ગાત્રાળ પાન શોપના સંચાલકોને નોટીસ આપીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે આ અભિયાનમાં નાગરિકો પણ ફરજ બજાવે તે અપેક્ષિત છે.
જાહેરમાં ગંદકી કરવા સબબ અત્યાર સુધીમાં સાત શોપ/હોટલ, મચ્છોધાણી હોટલ-ત્રિકોણ બાગ ચોક, દેવજીવન હોટલ-રામાપીર ચોકડી, આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ-એ.જી.ચોક, હરીયોગી પફ-એ.જી.ચોક, સત્સંગ પાન-ભાવનગર રોડ, ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ-ચુનારવાડ ચોક અને જય ગાત્રાળ પાન-છખઈ ઓફિસ પાછળ શોપ/હોટલ સીલ કરવામાં આવી છે.