થડાં હોલ્ડર પાસેથી એકવાર સુખડીની રકમ પેટે રૂા. 1059 પ્રતિ ચો. ફૂટ વસુલાશે: પાંચ દિવસમાં ફોર્મ ભરી આપવાના રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રામનાથપરા વિસ્તારમાં નવી ફ્લાવર માર્કેટનું નિર્માણ કરવામાં આવેલ છે. આ માર્કેટમાં કુલ 83 થડાંઓ બનાવવામાં આવેલ છે. આ થડાંઓ હાલ રસ્તા પર બેસી ફ્લાવરનો ધંધો કરતા વેન્ડર્સને ફાળવવામાં આવનાર છે.
- Advertisement -
આ કામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સમયે રામનાથપરા, બેડીપરા તથા પારેવડી ચોક વિસ્તારમાં વેન્ડર્સનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવેલી છે. આ કામે ત્રણ સર્વે પૈકી કોઈ પણ એક સર્વેમાં જે વેન્ડર નોંધાયેલ હશે તેઓને જાહેર ડ્રોથી થડાંની ફાળવણી કરવામાં આવશે. સર્વેની યાદી એસ્ટેટ વિભાગ ખાતે જાહેર કરવામાં આવેલી છે. અત્યાર સુધીમાં 35 જેટલા ફોર્મ્સ ભરાઈ ચુક્યા છે અને આગામી પાંચ દિવસમાં બાકી રહેતા વેન્ડર્સે ફોર્મ ભરી આપવા રાજકોટ મહાનગરપાલિકા અનુરોધ કર્યો છે તથા જે ફ્લાવર વેન્ડરના સર્વેમાં નામ આવેલા છે તેઓએ દિન-5માં એસ્ટેટ વિભાગમાં નિયત નમુનાનું બાંહેધરી પત્ર જમા કરાવી આપવાનું રહેશે. જે વેન્ડર દ્વારા બાંહેધરી પત્ર આપવામાં આવેલા હશે તેઓને ડ્રોથી થડાની ફાળવણી કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
વેન્ડરને થડાની કેટેગરી પસંદ કરવાની છુટ આપવામાં આવશે. સ્થાયી સમિતિ ઠરાવ નં. 106, તા. 1-06-2022થી નિયત થયા મુજબ થડાં હોલ્ડર પાસેથી એકવાર સુખડીની રકમ પેટે રૂા. 1059 પ્રતિ ચો. ફુટ મુજબ વસુલવામાં આવશે ત્યારબાદ થડા હોલ્ડર્સે દર મહીને થડાંનું ભાડુ રૂા. 500/- + જીએસટી ભરપાઈ કરવાનું રહેશે. વેન્ડર્સ દ્વારા બાંહેધરી પત્ર રજૂ કર્યા બાદ ટુંક સમયમાં થડાંનો જાહેર ડ્રો યોજવામાં આવશે જેની નોંધ લેવી.