ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
મોરબી શહેરમાં શ્રદ્ધા પાર્ક અને યમુના પાર્કની વચ્ચે આવેલા સ્મશાનની જગ્યામાં મંગળવારે સડી ગયેલી સરકારી અનાજનો મોટો જથ્થો મળી બાદ બુધવારે અમરેલી ગામ પાસેથી પણ સડી ગયેલ સરકારી અનાજનો જથ્થો મળી આવતા પુરવઠા વિભાગે શરૂ કરેલી તપાસમાં આ જથ્થો વર્ષ 2019-20માં પુરમાં પલળી ગયેલું અનાજ હોવાનું અને સરકાર પાસેથી આ જથ્થો ખાતર બનાવવા ખરીદનાર પેઢીએ જ જાહેરમાં નિકાલ કર્યાનું સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પેઢીને નોટિસ ફટકારવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના યમુનાનગર નજીક સ્મશાન ભૂમિમાં કચરામાં લાગેલી આગ બાદ અહીં સડેલું અનાજ મળી આવતા પુરવઠા મેનેજર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ પુરવઠાની તપાસ વચ્ચે મોરબીના અમરેલી ગામ નજીક પણ સડેલું અનાજ કોઈ ફેંકી ગયું હોવાની જાણ થતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ તંત્રને આ અંગે જાણ કરી સમગ્ર મામલે તટસ્થ તપાસ કરીને જે લોકો આ અનાજ ફેંકી ગયા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં માગ ઉઠાવી હતી.
- Advertisement -
દરમિયાન મોરબી જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડીયાએ જણાવ્યું હતું કે, બન્ને જગ્યાએથી મળી આવેલ અનાજ સરકારી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2019-20માં મોરબીમાં આવેલ પુરના કારણે અનાજ પલળી ગયા બાદ સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગરની પેઢીએ આ અનાજ ખાતર બનાવવા માટે ખરીદ કર્યું હતું. જો કે,અનાજ ખરીદનાર પેઢીના સંચાલકનું 2020માં અવસાન થતા આ જથ્થો ખાનગી ગોડાઉનમાં પડ્યો રહ્યો હતો અને જેનો ગોડાઉન સંચાલકોએ જાહેરમાં નિકાલ કરી દીધો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલમાં આ બાબતે સડેલું અનાજ ખાતર બનાવવા માટે ખરીદી કરનાર પેઢીના સંચાલકોને આ રીતે જાહેરમાં અનાજ ફેંકવા બદલ નોટિસ પણ ફટકારવામાં આવી છે અને આ જથ્થો તેમજ અન્ય જગ્યાએ હોય તે તમામ જથ્થો સરકારી તંત્રના સંકલનમાં રહીને તેનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું.
2019-20માં 4,665 મણ અનાજ પલળી ગયું હતું
મોરબી જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2019-20માં આવેલ ભારે વરસાદ અને પુરમાં પુરવઠા વિભાગનું 4,665 મણ અનાજ પલળી જતા આ અખાદ્ય અનાજનો નિકાલ કરી સુરેન્દ્રનગરની વિનય એગ્રિકલચર નામની પેઢીને અનાજ ખાતર બનાવવા માટે વેચાણ અપાયું હતું. જો કે, કોન્ટ્રાકટર આદિલભાઈ રફીકભાઇ માંડલિયાના અવસાન બાદ આ જથ્થો મોરબી જ પડ્યો રહ્યો હોય અને જે ગોડાઉનમાં આ જથ્થો રાખવામાં આવ્યો હતો તેના સંચાલકોએ પશુઓ તેમજ માનવજાત માટે ખતરા સમાન આ અખાદ્ય અનાજનો જાહેરમાં નિકાલ કરતા નોટિસ ફટાકરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.