શહેરીજનોની ખુશી માટે ફાયર વિભાગ ખડેપગે
તમામ સ્ટાફની રજાઓ રદ્દ કરાઈ છે: ચીફ ફાયર ઓફિસર
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીનાં તહેવારોમાં આગજનીનાં બનાવોમાં વધારો નોંધતો હોય છે. ત્યારે રાજકોટમાં આવી કોઈ દુર્ઘટના બને નહીં તેના માટે દિવાળીનાં તહેવારોમાં ફાયર વિભાગ સતત ખડેપગે રહેશે. લોકો શાંતિથી દિવાળી ઉજવી શકે તે માટે કોર્પોરેશનનાં ફાયર વિભાગનાં સ્ટાફની ધનતેરસથી નવા વર્ષની સવાર સુધીની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે જ મુખ્ય બજારોમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે આવતા હોવાથી ફાયરની ટીમોને સ્ટેન્ડ ટુ રાખવાનો નિર્ણય લેવાયો છે. ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેરનાં જણાવ્યા મુજબ પ્રતિ વર્ષ દિવાળીનાં તહેવારોમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. જેમાં ખાસ ધનતેરસની રાતથી જ લઈને દિવાળીની આખી રાત લોકો ફટાકડા ફોડતા હોય વધુ દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે દિવાળીને લઈને ફાયરબ્રિગેડ દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ધનતેરસથી લઈને નવા વર્ષની સવાર સુધી ફાયરબ્રિગેડનાં તમામ સ્ટાફની રજાઓ રદ કરાઈ છે. ઈમરજન્સી કારણો સિવાય કોઈને રજા આપવામાં આવશે નહીં. વધુમાં જણાવ્યું હતું કે, શહેરનાં 7 ફાયર સ્ટેશન અને એક રિસ્પોન્સ સેન્ટર સહિત 8 કેન્દ્ર સતત ધમધમતા રહેશે. આ સિવાય આગ સહિતની દુર્ઘટના સામેની કાર્યવાહી માટે શહેરના અલગ અલગ 5 કેન્દ્રમાં હંગામી ફાયર ચોકીઓ ઊભી કરવામાં આવશે. શહેરની મુખ્ય બજારો જેવી કે, પરા બજાર, સદર બજાર, નાનામવા, પંચાયત ચોક અને પાણીના ઘોડા પાસે ફાયર અધિકારીઓ સાથે ફાયરની ટીમો સ્ટેન્ડ ટુ રહેશે અને 3 દિવસ સુધી ફાયરબ્રિગેડનાં જવાનો 24 કલાક ફરજ બજાવશે.