જિંદગીથી કંટાળી ગઈ હોઇ આપઘાતનો નિર્ણય કર્યો, દીકરીનું શું થશે તેમ વિચારી મોતને ઘાટ ઉતારી દીધી
જે તે વખતે દીકરી ભૂલથી પી ગઈ, પ્રેમી ઠપકો આપશે તેવી ખોટી સ્ટોરી ઘડી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
રાજકોટની સોમનાથ સોસાયટીમાં રહેતી મહિલાએ 20 દિવસ પૂર્વે પોતાની પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે દવા પી લીધી હતી બાળકીનું તત્કાલીન સમયે મૃત્યુ થયું હતું. સારવાર બાદ મહિલાને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. પુત્રીને દવા પીવડાવી મોતને ઘાટ ઉતારનાર જનેતા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અગાઉ દીકરી ભૂલથી પી ગયાનું અને પ્રેમી ખિજાશે જેથી પોતે પણ દવા પી લીધાની ખોટી સ્ટોરી ઊભી કરી હતી.
રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતી સુધાબેન મુકેશભાઇ રાજ્યગુરુ (ઉ.વ.32)ને ગત તા.5ના વહેલી સવારે ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યારે સુધાબેનના ઘરમાંથી તેની પુત્રી ખુશીની લાશ મળી આવી હતી. સુધાબેને તત્કાલીન સમયે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પતિ સાથે છૂટાછેડા થઇ ગયા બાદ તેણે પરિણીત મુકેશ રાજ્યગુરુ સાથે મિત્રતા કેળવી હતી અને મૈત્રીકરારથી મુકેશ સાથે રહેતી હતી. મુકેશ થકી પુત્રી ખુશીની પ્રાપ્તિ થઇ હતી. ગત તા.5ના ખુશી ભૂલથી ઝેરી દવા પી ગઇ હતી. આ મુદ્દે પ્રેમી મુકેશ ઠપકો દેશે તેવો ભય લાગતાં પોતે દવા પી લીધાનું રટણ રટ્યું હતું પહેલેથી જ શંકાના દાયરામાં રહેલ મહિલા સુધાબેન રાજ્યગુરુને હોસ્પિટલમાંથી રજા અપાતા પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં હકીકત બહાર આવી હતી. સુધાબેને પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, પોતે જિંદગીથી કંટાળી ગઇ હતી અને આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. પોતાના મૃત્યુ બાદ પુત્રીનું શું થશે તેવી ચિંતાને કારણે પુત્રીને પણ દવા પીવડાવી દેવાનું નક્કી કર્યું હતું. ઘટનાની રાત્રીના બે વાગ્યે પુત્રી ખુશીને ઝેરી દવા પીવડાવીને સુવડાવી દીધી હતી. 3 વાગ્યે પુત્રીએ ઊલટી કરતા તે ઊલટી સાફ કરી હતી અને ફરીથી તેને સુવડાવી દીધી હતી. 5 વાગ્યે પુત્રીની હાલત ગંભીર થઇ જતાં પોતે દવા પીધી હતી. જોકે પોતાનો બચાવ થયો હતો. પોલીસે સુધાબેન સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પુત્રીની હત્યામાં સંડોવાયેલી મહિલાની ધરપકડ કરવા પોલીસે કવાયત શરૂ કરી હતી.