– પરખ ભટ્ટ
લાગલગાટ અઠવાડિયાઓથી ચાલતી ઇન્ડિયન પ્રીમિયર લીગનો આખરે દસમી નવેમ્બરના રોજ અંત આવ્યો છે. પૂર્ણાહુતિ મેચમાં કોણ જીતશે, કોણ હારશે એ અંગે ક્રિકેટના ચાહકોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ પહેલાં ચાર વખત આઈ.પી.એલ. જીતી ચૂકેલી ટીમ ‘મુંબઈ ઇન્ડિયન્સ’ અને ‘દિલ્હી કેપિટલ્સ’ના ચાહકો વચ્ચે રીતસરની ચડસાચડસી જોવા મળી. દેશના બે ટોચના બિઝનેસમેનમાં જેમની ગણતરી થાય છે, એવા અંબાણી અને જિંદાલની આ બે ટીમોએ છેલ્લા મેચમાં તરખાટ મચાવ્યો. આમ તો, આજ વખતની આઈ.પી.એલ. ઘણા અંશે યાદગાર સાબિત થઈ, જેની પાછળના કારણોમાં બેક-ટુ-બેક મેચોમાં ટીમો વચ્ચે જોવા મળેલી ટાઇ પણ સામેલ છે! ક્રિકેટ-લવર્સને દિલ્હી કેપિટલ્સ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ રાબેતા મુજબ જિતની ટ્રોફી તો મુંબઈ ઇન્ડિયન્સ જ લઈ ગયું. અણનમ રોહિત શર્માએ પાંચ વિકેટના માર્જિનથી એકલા હાથે પોતાની ટીમને વિજયી બનાવી, એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય.
- Advertisement -
બાબા કા પલટવાર !
થોડા અઠવાડિયા પહેલાં રાતોરાત આખા દેશમાં ટ્રેન્ડ કરવા લાગેલું હેશટેગ ‘બાબા કા ઢાબા’ યાદ છે? દિલ્હીની સડકો પર ગૌરવ વસન નામના એક ભલા યુટ્યુબરે ગરીબ બાબાની નાનકડી દુકાન જોઈને એમનો વીડિયો બનાવવાનું નક્કી કર્યુ. એમની ગરીબી અને વૃદ્ધાવસ્થામાં પણ મહેનત કરવાની ધગશ જોઈને આખો દેશ બાબાનો ચાહક બની ગયો. અપરાશક્તિ ખુરાના સહિતના બોલિવૂડ સ્ટાર્સ અને દિગ્ગજ કલાકારોએ ‘બાબા કા ઢાબા’ની મુલાકાત લઈને ત્યાંનું ભોજન ગ્રહણ કર્યુ. દેશ-વિદેશમાંથી લોકોએ પેટીએમ અને બેંક ટ્રાન્ઝેક્શન વડે બાબાના ખાતામાં લાખો રૂપિયા જમા કરાવ્યા. થોડા દિવસો પહેલાં જ સમાચાર આવ્યા કે બાબાએ પેલા ભલા યુટ્યુબર ગૌરવ વસન સામે દગાખોરીનો કેસ દાખલ કર્યો છે! કારણ? પૈસાની ચોરી. બાબાનું કહેવું છે કે એમને મળેલી મદદના કુલ 25 લાખ રૂપિયામાંથી ગૌરવે એમને ફક્ત 2 લાખ રૂપિયા ચૂકવ્યા છે, જ્યારે બાકીની મૂડી એ પોતે ચાઉં કરી ગયો છે. બીજી બાજુ, ગૌરવ એમ કંઈ બાબાની જાળમાં ફસાય જાય એમ નહોતો. તેણે પણ ઑનલાઇન પોતાનું બેંક સ્ટેટમેન્ટ જાહેર કરીને પૂરવાર કર્યુ કે, ‘લો જુઓ. મેં બાબાને પૂરા પૈસા આપી દીધાં છે. આ તો બાબાની દાનત જ બગડી છે!’ બાબાનો આ પલટવાર માનવતા પરથી લોકોનો વિશ્ર્વાસ હટાવી દે એટલો મજબૂત હતો! ભગવાન બચાવે.
અરે ઓ વ્હાઇટ હાઉસવાલે ચાચા, અબ તો ઝિદ્દ છોડ દો!
સ્ટેટમેન્ટ: ઉપરોક્ત વાક્યને મિર્ઝાપુરના મુન્ના ભૈયા પેલા ‘બીપ-બીપ’વાલે ચાચાને કહેતાં હોય, એ અંદાજમાં વાંચવું! અમેરિકાના 45મા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા ટર્મની પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં હારી ગયા. નાનુ બાળક હાથમાં લોલિપોપ પકડીને જિદ્દ કરે એ રીતે ટ્રમ્પ મહાશયે પણ પોતાની જીતનો કક્કો ગાયે રાખ્યો. તેઓ કોઈ કાળે પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. અને હવે, છેલ્લી પાયરી પર ઉતરી આવતાં તેઓ જણાવે છે કે, ‘તમારાથી થાય એ કરી લો, હું વ્હાઇટ હાઉસ નહીં છોડું!’ નવા ચૂંટાયેલા અમેરિકન પ્રમુખ જો બાઇડેન આગામી 20મી જાન્યુઆરીના રોજ વ્હાઇટ હાઉસનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે ત્યારે ટ્રમ્પના આ પ્રકારના અક્કડ અને નાસમજીભર્યા વલણથી એમની સામે નવી પરેશાનીઓ ઉભી થઈ છે. કંઈ ફેંસલો ન આવ્યો તો જો બાઇડેન સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. જો ખરેખર એવું થયું તો ટ્રમ્પને ધક્કો મારીને વ્હાઇટ હાઉસમાંથી બહાર ફેંકવામાં આવશે એ નક્કી. તેના પ્રતાપે આ અઠવાડિયે ‘બાઇડેન વોઝ નોટ ઇલેક્ટેડ’ હેશટેગ ટ્વિટર પર ભારે ટ્રેન્ડમાં રહ્યું.
- Advertisement -
ફટાકડા રે ફટાકડા !
દર વર્ષે દિવાળી ટાણું આવે ત્યારે સોશિયલ મીડિયા પર ફટાકડા ન સળગાવવાના મેસેજનો મારો શરૂ થઈ જાય છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સર્સથી માંડીને બોલિવૂડ સિલેબ્રિટી સુધીના તમામ લોકો સૂફિયાણી સલાહો આપતાં ફરે છે. સોશિયલ મીડિયા યુઝર્સને એમની સલાહ સામે વાંધો નથી, પરંતુ સિલેક્ટેડ સેક્યુલારિઝમ સામે સમસ્યા છે. આજ વખતે પણ વર્ષોથી ચાલ્યો આવતો ઘટનાક્રમ ફરી પુનરાવર્તન પામ્યો. ‘ઇદ પર બકરા ન કાપવાની સલાહ નહીં, તો પછી દિવાળી પર ફટાકડા ન ફોડવાની સલાહ કેમ?’ જેવા અસંખ્ય સવાલો પૂછીને સોશિયલ મીડિયા યુઝર્સે ગામ ગજવ્યું. મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી જેવા શહેરોમાં તો ફટાકડા પર બેન સુદ્ધાં લાગી ગયો. નસીબજોગે, ગુજરાતમાં આ લખાય છે ત્યાં સુધી કોઈ પ્રતિબંધ નથી. હા, ચોક્કસ સમય-મર્યાદા જરૂર નક્કી કરવામાં આવી છે.
કોરોના, તેરા મૂંહ કાલા!
આખા વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ખિલાફ આ અઠવાડિયે અમેરિકાએ બહુ મોટી જીત હાંસિલ કરી. અમેરિકન ડ્રગ-મેકર કંપની ફિઝર દ્વારા કોરોના સામે 90 ટકા સુધી રક્ષણ પૂરું પાડતી રસીની જાહેરાત કરવામાં આવી છે. (જોકે, ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પએ વાતથી સખત નારાજ છે કે ચૂંટણી પહેલાં ફિઝરે કેમ રસી અંગે કોઈ જાહેરાત ન કરી!) અમુક દિવસના અંતરાલ પર આ રસીના બે ડોઝ લેવાથી દર્દી કોરોના સામે સુરક્ષિત થઈ શકે છે. બીજી બાજુ, દુબઈ કિંગ મોહમ્મદ બિન રાશિદ અલ-મક્તુમએ પણ ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીનો ડોઝ લઈ લીધો છે. જે રીતે પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે, એ જોતાં તો એવું જ લાગે છે કે 2021ના શરૂઆતી ગાળામાં કોરોનાનો ખાત્મો બોલી જશે. નખ્ખોદ જાય તારું કોરોના, જેણે ગુજરાતીઓના તહેવાર બગાડ્યા!