નોકરીના પ્રથમ દિવસે જ આગમાં યુવાન પુત્ર હોમાઈ ગયો હતો
ગઈકાલે તબિયત લથડતા હોસ્પિટલે ખસેડાયા, વહેલી સવારે દમ તોડી દીધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
શહેરના નરસંગપરામાં રહેતાં જસુભા હેમુભા જાડેજાની ગઇકાલે તબિયત લથડતા રાતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ વહેલી સવારે તેમણે દમ તોડી દેતાં પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. નિવૃત જીવન જીવતાં જસુભા જાડેજાને સંતાનમાં પાંચ દિકરા હતાં. ગત 25મી મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં તેનો 23 વર્ષનો દિકરો વિશ્વરાજસિંહ પણ લાપતા થઇ ગયો હતો. ઘટના બાદ 27મીએ ડીએનએ પરિક્ષણને આધારે તેના દિકરા વિશ્વરાજસિંહનું આગમાં મૃત્યુ થયાનું જાહેર થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. કરૂણતા એ હતી કે અગ્નિકાંડમાં ભોગ બનેલા 23 વર્ષના વિશ્વરાજસિંહનો જ્યારે આગ ભભૂકી એ દિવસે નોકરીનો પહેલો જ દિવસ હતો.
યુવાન અને આશાસ્પદ દિકરાના મૃત્યુથી જાડેજા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. વિશ્વજીતસિંહ જાડેજા ટીઆરપી ગેમ ઝોનમાં નોકરીમાં જોડાયા એ દિવસે જ આગની ગોઝારી દૂર્ઘટનાનો ભોગ બની ગયેલ. અગાઉ રેડીમેઇડ કપડાની દૂકાન ચલાવતાં હતાં. આ દૂકાન બંધ કર્યા બાદ તે બીજા કામ-નોકરીની શોધમાં હતાં. એ દરમિયાન પરિચીત મારફત તેમને ટીઆરપી ગેમ ઝોનમાં દેખરેખ રાખવાની નોકરી મળી હતી. દિકરાના મૃત્યુ બાદ પિતા જસુભા જાડેજા સતત શોકમાં રહેતાં હતાં. દિકરાનું નામ લઇને રડયા કરતાં હતાં. તેમને કિડનીની બિમારી પણ હોઇ સતત ચિંતા કરવાને કારણે અને દિકરાના વિયોગને કારણે આ બિમારી પણ વકરી હતી. ગઇકાલે તબિયત બગડી હતી અને આજે વહેલી સવારે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. જાડેજા પરિવારે પખવાડીયામાં જ યુવાન દિકરા પછી ઘરના મોભીને ગુમાવી દેતાં ગમીગીની વ્યાપી ગઇ હતી.