રાજકોટનો શખ્સ જૂનાગઢમાં નકલી રિસિપ્ટ બનાવી આપતો હતો
જૂનાગઢનાં દોલતપરામાં બોર્ડની પરીક્ષાની નકલી રિસિપ્ટ બનાવવાનો ચાલતો હતો ગોરખધંધો
3 વિદ્યાર્થીની રિસિપ્ટ મળી આવી, પોલીસે 28,050 નો મુદ્દામાલ કબ્જે કર્યો
અસલ છાત્રનાં ફોટાની જગ્યાએ અન્યનો ફોટો લગાડી નકલી રિસિપ્ટ બનાવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં દોલતપરાનાં નેમીનાથ નગર-2માં બોર્ડની પરીક્ષાની નકલી રિસિપ્ટ બનાવવાના ચાલતા ગોરખ ધંધા પર પોલીસે રેઇડ પાડી નકલી રિસિપ્ટ બનાવવાનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જૂનાગઢનાં શખ્સ પાસે રાજકોટનો શખ્સ અસલ વિદ્યાર્થીની રિસિપ્ટમાં અન્યનાં ફોટા લગાડી નકલી રિસિપ્ટ બનાવતો હતો, જેમાં જૂનાગઢનાં શખ્સે 5 હજાર રૂપિયા મળતા હતાં. રેઇડ દરમિયાન પોલીસને 3 રિસિપ્ટ મળી આવી છે. તેમજ રૂપિયા 28,050નો મુદામાલ કબજે કર્યો છે. રાજયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષામાં ગેરરીતી ન થાય તે માટે તંત્ર સજ્જ થયું છે. પરંતુ અન્ય છાત્રની જગ્યાએ બીજા વ્યકિતને બેસાડી પરીક્ષા આપવામાં માટે કેટલાક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે .આમ કરવા માટે રિસિપ્ટ બદલવી પડે છે. તેના માટે નકલી રિસિપ્ટ બનાવવામાં આવે છે. જૂનાગઢનાં દોલતપરાનાં નેમીનાથ નગર -2માંથી નકલી રિસિપ્ટ બનાવવાનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે.
- Advertisement -
જૂનાગઢ એ ડીવીઝન પોલીસનાં દેવેન્દ્રભાઇ લખમણભાઇ બકોત્રા તથા એમ.ડી.માડમ, આર.એસ. સોલંકી, દિનેશભાઇ રામભાઇ, સંજયભાઇ સવદાસભાઇ, કલ્પેશભાઇ ગેલાભાઇ વગેરે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં. ત્યારે બાતમી મળી કે દોલતપરાનાં નેમીનાથ નગર-2માં જીજ્ઞેશ જગદીશભાઇ પરમાર પોતાનાં ઘરે રહેણાંક મકાનમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની નકલી રિસિપ્ટ બનાવે છે. બાતમીનાં આધારે પોલીસ દોલતપરામાં પહોંચી ગઇ હતી. પોલીસે જીજ્ઞેશ પરમારમાં ઘરમાં રેઇડ કરી હતી. બાદ પોલીસે લેપટોપ અને કાળા કલરને બેગ મળી હતી. બેગમાં તપાસ કરતા બોર્ડની પરીક્ષાની રિસિપ્ટો મળી આવી હતી. આ અંગે જીજ્ઞેશ પરમારને પુછતા તેમણે કહ્યું હતું કે, રાજકોટ લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં રહેતા રાજુ વ્યાસે વિદ્યાર્થીઓની રિસિપ્ટો થતા અન્ય વિદ્યાર્થી પરીક્ષામાં બેસવા માટે ફોટા આપ્યાં હતાં. રિસિપ્ટ બનાવીને આપુ એટલે એક રિસિપ્ટનાં 5 હજાર રૂપિયા આપે છે. પોલીસે અહીંથી 3 રિસિપ્ટ મળી આવી હતી. જૂનાગઢનાં શખ્સે ત્રણ નકલી રિસિપ્ટ બનાવી રાજકોટનાં શખ્સને આપી દીધી હતી. પોલીસ રેઇડ દરમિયાન મોબાઇલ ફોન, લેપટોપ મળી રૂપિયા 28050નો મુદામાલ કબજે કર્યો હતો. અને જૂનાગઢનાં જીજ્ઞેશ પરમાર અને રાજકોટનાં રાજુ વ્યાસ સહિત 3 સામે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટમાં પરીક્ષા આપી રિસિપ્ટ પરત કરી
છાત્રનાં નામે રાજકોટમાં આવેલી પ્રિમિયર સેન્કડરી સ્કુલમાં તા. 30 માર્ચ 2022નાં નકલી રિસિપ્ટ સાથે પરીક્ષા આપી હતી અને બાદ નકલી રિસિપ્ટ રાજુ વ્યાસને પરત કરી દીધી હતી.
જૂનાગઢનો શખ્સ મજુરીકામ કરે છે
જૂનાગઢનાં દોલતપરામાં રહેતો જીજ્ઞેશ પરમાર નકલી રિસિપ્ટ બનાવતા પકડાયો છે. આ શખ્સ ધંધામાં મજુરી કરે છે. મજુરી કરનાર શખ્સ બોર્ડની પરીક્ષાની નકલી રિસિપ્ટ બનાવતા પકડાયો છે.