ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી થઈ રહી છે ઉપરાંત વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વારંવાર વીજચોરી કરી આર્થિક નુકસાન કરાવતા વીજચોરો સામે તંત્રએ લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ કરી દંડ ફટકારવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ વિભાગીય કચેરી હેઠળની વેરાવળ શહેર, સુત્રાપાડા તેમજ તાલાળા પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 33 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 1184 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં જે પૈકી 251 વીજ જોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. 41.44 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે ત્યારે પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.