જગતના સૌથી જૂના અને સૌથી પ્રથમ રચાયેલા ગ્રંથો આપણા વેદો મનાયા છે. ચાર વેદોમાં પણ સૌથી પ્રથમ રચાયેલો વેદ તે ઋગ્વેદ છે. ઋગ્વેદની પ્રથમ ઋચા અગ્નિની સ્તુતિ માટે લખવામાં આવેલી છે અને તે પ્રથમ ઋચાનો પ્રથમ શબ્દ અગ્નિ છે.
ગાયત્રી મંત્ર સૌ પ્રથમ ઋગ્વેદમાં જોવા મળતી પ્રકાશની પૂજાની ઋચા છે. વેદમાતા ગાયત્રી એટલે આપણાં જીવનમાં અજ્ઞાન દૂર કરીને અજવાળું પાથરતી અને બ્રહ્માંડનો અંધકાર દૂર કરતી પ્રકાશરૂપી દેવી છે. આપણે હજારો વર્ષથી અગ્નિ અને પ્રકાશના પૂજકો રહ્યા છીએ. વેદની શરૂઆત અગ્નિ શબ્દથી થઈ છે અને આપણા જીવનની શરૂઆત સૂર્યના પ્રકાશથી થાય છે. દરેક સનાતની હિન્દુને ગાયત્રી મંત્ર કંઠસ્થ હોવો જ જોઈએ અને ઋગ્વેદની પ્રથમ ઋચા આવડતી હોવી જોઈએ. ગાયત્રી મંત્રના ઉચ્ચારણ માટેનો શ્રેષ્ઠ સમય સત્ત્વ પ્રકૃતિનો હોય છે અર્થાત્ બ્રાહ્મમુહૂર્તમાં ચાર વાગ્યાથી લઈને સવારના આઠ વાગ્યા સુધી અને બપોરના ચાર વાગ્યાથી લઈને રાત્રિના આઠ વાગ્યા સુધી ગાયત્રી મંત્ર જપી શકાય છે. ઋગ્વેદની પ્રથમ ઋચા અને ગાયત્રી મંત્રનું પોપટિયું રટણ ન કરશો. એનો અર્થ સમજવો ખૂબ સરળ છે. જો અર્થ સમજીને એનો જાપ કરવામાં આવશે તો જીવનમાંથી અજ્ઞાનનું તમસ્ નષ્ટ થશે અને સત્ત્વનો ઉજાસ રેલાઈ જશે.