રોજ કોઇ પણ એક ધાર્મિક પુસ્તકનું વાંચન કરવાનું રાખો. ભલે થોડાં પૃષ્ઠો વાંચી શકાય. આજકાલ પૂજ્ય ગુરુદેવ શ્રી નથ્થુરામ શર્માજીનાં પુસ્તકો વાંચું છું. પૂજ્યશ્રીનાં ઉદાહરણો ચોટદાર હોય છે. પ્રમાદ વિશે તેમણે સુંદર બોધકથા કહી છે. એક આળસુ માણસ જંગલમાં વડના વૃક્ષ નીચે સૂતો હતો. એને તીવ્ર ભૂખ લાગી હતી. વડના ઝાડ ઉપરથી એક ટેટો એની છાતી પર પડ્યો. આળસુ માણસ રાહ જોતો પડ્યો રહ્યો કે કોઇ આવીને તેને મદદ કરે. એક મુસાફર ઊંટ પર બેસીને ત્યાંથી પસાર થયો. આળસુએ બૂમ પાડીને કહ્યું, ’ઓ ભાઇ, તમે આ ટેટો ઊંચકીને મારા મોઢામાં મૂકી આપશો? મને ભૂખ લાગી છે.’ મુસાફર ચિડાયો, ’અલ્યા, મૂર્ખ, હું ઊંટ ઉપરથી નીચે ઊતરું, ચાલીને તારી પાસે આવું, તારી છાતી ઉપર પડેલો ટેટો ઊંચકીને તારા મોઢામાં મૂકું એના કરતાં તું જાતે જ એવું કેમ નથી કરી લેતો?’ સૂતેલા માણસે મુસાફરને ઠપકો આપ્યો, ’તમે કેટલા આળસુ છો! એક ભૂખ્યા માણસને મદદ કરવા માટે તમે ઊંટ પરથી નીચે પણ નથી ઊતરી શકતા?’ આપણે બધા પણ પેલા આળસુ માણસ જેવા છીએ. ધર્મ આપણા હાથવેંતમાં હોવા છતાં આપણે એવું ઇચ્છીએ છીએ કે બીજો કોઈ મનુષ્ય આપણા માટે ધર્મકાર્ય કરી આપે. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય.
Follow US
Find US on Social Medias