માનવામાં આવે છે કે સતીનાં આત્મવિલોપન બાદ તેમનાં દેહના ૫૧ ટુકડા ધરતીના અલગ-અલગ ભાગો પર પડ્યા, જ્યાં શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી.
મૉડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
આવી જ એક શક્તિપીઠ એટલે હિમાચલ પ્રદેશનું જ્વાળામુખી મંદિર! દેવી સતીની જીહ્વા અહીંયા પડી હતી, એવી માન્યતા છે. કાંગડાથી ૩૦ કિલોમીટર દૂર આવેલા આ મંદિરને ‘નગરકોટ’ અથવા ‘જોતાવાલી માતા કા મંદિર’ના નામે પણ ઓળખવામાં આવે છે. તમામ શક્તિપીઠોમાં સૌથી વધુ મહત્વ ધરાવનાર જ્વાળામુખી મંદિરમાં કોઈ મૂર્તિની નહી, પરંતુ જ્યોતની પૂજા થાય છે. અહીં પૃથ્વીના નવ જુદા-જુદા સ્થાનમાંથી નીકળી રહેલી નવ જ્યોતિનું માહાત્મ્ય જગવિખ્યાત છે. ધરતીનાં ગર્ભમાંથી અખંડરૂપે વર્ષોથી પ્રગટી રહેલી જ્વાળાઓ આજસુધી ક્યારેય ઠંડી નથી પડી! મહાકાલી, અન્નપૂર્ણા, ચંડી, હિંગલાજ, વિંધ્યવાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજીદેવીનું પ્રતીક માનવામાં આવતી આ નવ જ્વાળાની ઉપર આખેઆખા મંદિરનું નિર્માણ થયું છે.
જ્વાળામુખી મંદિર શોધી કાઢવાનો સમગ્ર શ્રેય પાંડવોને ફાળે જાય છે. આધુનિક સમયમાં રાજા ભૂમિચંદનાં હસ્તે મંદિરનું પ્રાથમિક નિર્માણ કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૮૩૫માં મહારાજા રણજીતસિંહ અને રાજા સંસારચંદના સહિયારા પ્રયાસો વડે સમગ્ર બાંધકામને અંતિમ ઓપ અપાયો.
- Advertisement -
અકબર અને ધ્યાનુભગતની કથા
જે દિવસોમાં મુગલોએ ભારતભૂમિ પર શાસન જમાવ્યું હતું એ દિવસોની આ વાત છે! હિમાચલના નાદૌન ગામનો રહેવાસી અને માતાનો પરમ ભક્ત ધ્યાનુ ૧૦૦૦ શ્રધ્ધાળુઓ સાથે જ્વાળામુખી મંદિરનાં દર્શનાર્થે જઈ રહ્યો હતો. યાત્રિકોનો આવડો મોટો કાફિલો જોઈને મહારાજા અકબરનાં સૈનિકોએ ધ્યાનુભગતની પૂછતાછ કરી તેને રાજ-દરબારમાં પેશ કર્યો. બાદશાહ અકબરે ધ્યાનુભગતને પૂછ્યું કે આટલી સંખ્યામાં યાત્રાળુઓ કઈ જગ્યાએ પ્રસ્થાન કરી રહ્યા છે? બિચારા ગરીબ ધ્યાનુભગતે બાદશાહને બે હાથ જોડી પોતાની યાત્રાના પ્રયોજન વિશે સવિસ્તાર જણાવ્યું. અકબરે પહેલા ક્યારેય જ્વાલામાઈ (જ્વાલાદેવી)નું નામ નહોતું સાંભળ્યું, એટલે તેણે ધ્યાનુભગતને એમનો મહિમા પૂછ્યો. ભગતે કહ્યું કે જ્વાલામાઈ સંસારની પાલકમાતા છે. તેઓ સાચા હ્રદયથી કરવામાં આવેલી દરેક પ્રાર્થનાને સાંભળે છે. એમનો પ્રતાપ એટલો બધો છે કે એમના સ્થાન પર તેલ-બત્તી વગર રાત-દિવસ અખંડ જ્યોત પ્રગટે છે અને યાત્રાળુઓ પણ એમના જ દર્શને જઈ રહ્યા છે.
જ્વાળામુખી મંદિરની ગાથા સાંભળ્યા બાદ અકબરને કશું ગળે ન ઉતર્યુ, એટલે તેણે ધ્યાનુભગતની પરીક્ષા લેવાનું નક્કી કર્યુ. તેણે ભગતને કહ્યું કે અગર તેની ભક્તિમાં દમ છે તો જ્વાલામાઈ તેની ઈજ્જત સાચવી લેશે. આટલું કહ્યા બાદ બાદશાહનાં સૈનિકોએ ભગતનાં ઘોડાની ગરદન તલવારથી કાપી નાંખી! ધ્યાનુભગત ઘડીભર હેબતાઈ ગયો. બાદશાહે તેને ચુનૌતી આપી કે જો તારી માતામાં થોડી પણ સચ્ચાઈ હોય તો જા, જઈને તેને પ્રાર્થના કર કે આ ઘોડાને ફરી જીવિત કરી આપે! આમ ન થયું તો હું માની લઈશ કે તારી ભક્તિ જુઠ્ઠી છે અને તારી જ્વાલામાઈ પણ! ભગતને કોઈ ઉપાય ન જડતાં તેણે રાજા સમક્ષ એક મહિનાની મુદત માંગી. ઘોડાનાં ધડ અને માથાને સુરક્ષિત સ્થાન પર રાખી દઈ તેણે પોતાની યાત્રા આગળ વધારી. જ્વાલામાઈનાં દરબારમાં પહોંચી ધ્યાનુભગતે સ્નાન-પૂજન કર્યા બાદ આખી રાતનું જાગરણ કર્યુ. પ્રાતઃકાલની આરતી વેળા આંખોમાં ઝળઝળિયા સાથે તેણે બે હાથ જોડી માતાને પ્રાર્થના કરી, ‘હે મા! તમે તો અંતર્યામી છો. અકબર મારી ભક્તિની પરીક્ષા લઈ રહ્યો છે. મારી લાજ રાખી લે, માવડી! ઘોડાને જીવતદાન આપી મારી શ્રધ્ધાને સત્ય પૂરવાર કર.’
બીજી બાજુ, બાદશાહ અકબરનાં તબેલામાં સુરક્ષિત રાખેલા ઘોડાનું ધડ અને શિર જોડાઈ ગયા! થોડી ક્ષણો પહેલા મૃત-અવસ્થામાં પડેલો ઘોડો અચાનક હણહણવા માંડ્યો! બાદશાહ અકબર તો આ બધું જોઈને ચકિત થઈ ગયો. તાત્કાલિક પોતાની સેના સાથે તે જ્વાળામુખી મંદિર જવા રવાના થયો. ત્યાં પહોંચીને અખંડ જ્યોત જોઈ તેના મનમાં ફરી શંકાનો કીડો સળવળ્યો! આખા મંદિરમાં નહેર ખોદાવી, તેમાં પાણીની નદીઓ વહેવડાવી જેથી જ્યોત બુઝાઈ જાય! પરંતુ અખંડ જ્યોતને ઉની આંચ સુધ્ધાં ન આવી! ત્યારે છેક અકબરને માતાના ચમત્કાર પર ભરોસો બેઠો અને તેણે પચાસ કિલો સોનાનું છત્ર માતાના ચરણોમાં અર્પિત કર્યુ, પરંતુ લોકવાયકા એવી છે કે જ્વાળામુખી મંદિરે ક્યારેય એ છત્રને ન સ્વીકાર્યુ. બલ્કે, છત્ર જમીન પર પડીને અન્ય કોઈ ચીજ-વસ્તુમાં તબદિલ થઈ ગયા હોવાની પણ માન્યતા છે! આજે પણ તેના અવશેષો મંદિરમાં મોજૂદ છે.
- Advertisement -
જોકે, પૃથ્વીનાં ગર્ભમાંથી જ્વાળા નીકળવી એ કોઈ આશ્ચર્યજનક બાબત નથી! જમીનની નીચે થઈ રહેલી હિલચાલને લીધે વિશ્વનાં કંઈ-કેટલાય સ્થળો પર ગરમ પાણીનાં ઝરા અને જ્વાળા નીકળે છે. ઘણી જગ્યાઓ પર તો પાવર-હાઉસ પણ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાંથી મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી પ્રાપ્ત કરવામાં આવે છે. પરંતુ જ્વાળામુખી મંદિરની હકીકત આનાથી તદ્દન ભિન્ન છે, કારણકે અંગ્રેજોએ તેમનાં સમયમાં આ ઊર્જાનો સદુપયોગ કરવા માટે પોતાનું પૂરેપૂરું જોર લગાવી દીધું, આમ છતાં પુષ્કળ પ્રયાસ કર્યા પછી પણ તેઓ આ ઊર્જાનું મૂળ શોધવામાં નિષ્ફળ રહ્યા. અકબર પણ પોતાનાં ખરાવબ ઈરાદાઓમાં નિષ્ફળ ગયો. જમીનમાંથી જ્વાળા નીકળવાની ઘટના અગર પ્રાકૃતિક હોત તો અત્યારસુધીમાં ત્યાં કેટલાય મશીનરી પ્લાન્ટ ઊભા કરીને વીજળીનું ઉત્પાદન શરૂ કરી દેવાયુ હોત! બંને ઘટના એ હકીકત તરફ આંગળી ચીંધી રહી છે કે જ્વાળામુખી મંદિર પ્રકૃતિને નહી પરંતુ ચમત્કારને આધિન છે, જ્યાં કોઈક અજાણ્યી પરમશક્તિ માણસની મનોકામના પૂરી કરી રહી છે!
મંદિરનું મુખ્ય દ્વાર ખૂબ જ સુંદર અને ભવ્ય છે. અંદર પ્રવેશ કરતાંની સાથે જ જમણી બાજુ બાદશાહ અકબર દ્વારા ખોદાયેલી નહેરો જોવા મળે છે. એનાથી આગળ જતાં ગર્ભગૃહમાં માતા જ્વાલામાઈ જ્યોત સ્વરૂપે બિરાજે છે. થોડું ઉપર જતાં આગળ ગોરખનાથનું મંદિર છે, જેને લોકો ‘ગોરખ ડિબ્બી’નાં નામે ઓળખે છે. માન્યતા છે કે ગુરૂ ગોરખનાથે અહીંયા પધરામણી કરીને પોતાના અનેક ભક્તો સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા હતાં! આજે પણ ત્યાં એક પાણીનો કુંડ છે, જેનું પાણી ઉકળી રહ્યું હોય તેવો ભાસ થાય છે પરંતુ વાસ્તવમાં તે ઠંડુબોળ છે! જ્વાલાજીથી ૪.૫ કિલોમીટરનાં અંતરે નગિની માતાનું મંદિર છે, જ્યાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્વાલામુખી મંદિરની ટોચ પર સોનાનો વરખ ચડાવવામાં આવ્યો છે, જેના લીધે સવારનાં સમયે મંદિર અત્યંત તેજોમય અને દિવ્ય ભાસે છે!



