પૂજય બાપુ
ક્યાં ક્યાં તને જોઈ હતી ના પૂછ તું આગળ મને,
ભગવાનના આકારમાં પણ મેં તને જોઈ હતી
- Advertisement -
વ્હાલી જિંદગી,
તારા હાથમાં હાથ પરોવીને મેળામાં મહાલવાનો આનંદ પણ અનેરો હોય છે. હું ખૂબ જ નસીબદાર છું કે જીવવાની દરેક ક્ષણે મને તારો સાથ સાંપડ્યો છે. તું પ્રત્યેક પળે મારી ભીતર હોય છે, આસપાસ હોય છે. હું વારંવાર તને મારાં શ્વાસની આવનજાવનમાં અનુભવું છું. બંધ કે ખૂલ્લી આંખે મને બસ તું જ દેખાય છે. તું મારી સ્વભાવગત અને જીવનગત ઝંખના છે. આપણું આ રીતે એકમેકમાં હોવું એ પ્રેમનું માંગલ્ય છે. જિંદગી! હું તને શ્વસું છું… જીવું છું… ખાઉં છું… પીઉં છું. ભરચક જગ્યામાં પણ હું તારામાં ખોવાયેલો હોઉં રહું છું. એકાંતમાં તારા નામની માળા જપુ છું. તારું સ્મરણ મારું અણમોલ નાણું છે અને તારી હાજરી એ મારું પ્રાણતત્ત્વ છે. તું મારાં આત્માના અજવાળાનું બીજ છે. તારો અવાજ મારાં આત્માનો અવાજ છે. તું મારી સામે હસીને પ્રેમભર્યું જુએ છે ત્યારે મારું હૈયું સાતમા આકાશે પહોંચી જાય છે. તું મારી બધી જ ઇચ્છાઓની પૂર્તિ કરનાર કામધેનુ છે. તારા વાળની બધી જ લટોને ઓઢી મારે સૂઈ રહેવું છે. તારા હસતાં ચહેરાની રેખાઓમાં મારે રંગોળી પૂરવી છે. તારા હૃદયના ગોખલે મારે પ્રેમના દીવા પ્રગટાવી તારી આરતી ઉતારવી છે. તારા ચરણોમાં આળોટીને ધન્યતાની દરેક ક્ષણ લૂંટી લેવી છે. જિંદગી! તું મારાં હૃદય પર રાજ કરનારી મહારાણી છે. હું મારી હયાતીનો ઉત્સવ ઉજવી લેવાં થનગનું છું. તારી ભીતર સમાઈને અત્યંત ખુશ થઈ જાઉં છું, કારણ કે તારું સાંનિધ્ય મારાં રોમેરોમમાં ઊગી નીકળે છે ત્યારે હું હું ના રહેતાં જિંદગી બની જાઉં છું. જિંદગી! મેં તને બાળકની આંખોમાં ડોકાતા વિસ્મયમાં જોઈ છે. મેં તને મેઘતરસ્યા ખેડૂતના ઊંચા હાથે કરેલાં નેજવાની કોર પર જોઈ છે. તું મારા હૈયાના આકાશમાં ચમકતો ધ્રુવનો તારો છે.
તારા પ્રકાશથી મારે મારું આખું આયખું ઝળહળ કરવું છે. તારા તેજથી મારાં જીવતરમાં અજવાળાની ખેતી કરવી છે. વહેલી સવારે પ્હો ફાટતાં મારી અંદરથી તારું હોવાપણું ઉછળીને બહાર આવશે ત્યારે હું ધન્ય બની બંને હાથથી ઝીલી લઈશ. જિંદગી! તું મારાં પ્રેમનો સાવ સરળ સવાલ છે. હું તને વારંવાર વિચારું છું… અઢળકપણે યાદ કરું છું… સેંકડો વાર તારામાં પરોવાઉં છું… ગુંથાઉં છું અને પોતે જ જિંદગી બની જાઉં છું. હું પૂર્ણપણે તારામાં ઓગળીને તારી અંદર હોવાની મજા માણું છું. મને સહેજ પણ ઓછપ કે અધૂરપ નથી. તું જ્યારે પણ મારાથી બહું ખુશ હોય છે ત્યારે હું મને જીતેલો અનુભવું છું. જિંદગી! મારે તો તારા નિર્મળ નીરમાં ડૂબકી લગાવી સતત પવિત્ર થતાં રહેવું છે. તારી આરપાર ઉતરીને એ હદે તને ચાહવી છે કે કોઈ એ ક્યારેય પણ આ રીતે જિંદગીને ના ચાહી હોય. તું મારી રગરગમાં વહેતું રકતકણ છે જે મને જીવાડે છે. હું તને દરેક જગ્યાએ જોઉં છું. અલબત્ત સતત તારામાં જીવું છું કારણ કે તું મારા માટે ભગવાન છે. દુનિયા ભગવાનની પૂજા કરે, સમર્પિત થાય, શ્રદ્ધા રાખે જ્યારે હું તો જિંદગીરુપી મારાં ભગવાનને ક્ષણે ક્ષણે હૃદયમાં ભરી જીવવાનાં અઢળક બહાના જીવતા કરું છું… હું જિંદગીને ખૂબ જ પ્રેમ કરું છું.
સતત તને શ્વસતો,
જીવ.
- Advertisement -
(શીર્ષકપંક્તિ:- હિતેન આનંદપરા)