6 ટ્રેક્ટર-ટ્રોલી અને એક જેટિંગ મશીન આપવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ ચાલે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 15 મા નાણાપંચની ગ્રાન્ટમાં સફાઈના સાધનો આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિધ ગ્રામ પંચાયતોને સાધનોની ફાળવણી કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લા પંચાયત ખાતે મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં 6 ટ્રેક્ટર તેમજ ટ્રોલી, 1 જેટિંગ મશીનનું જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
રાજય.મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં નવા પ્રકલ્પો થકી વિકાસના માર્ગે મોરબી ગુજરાત સાથે કદમ થી કદમ મિલાવીને આગળ વધી રહ્યું છે. મંત્રીએ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલા આ ટ્રેક્ટરનો સદુપયોગ થાય, ગામની સ્વચ્છતામાં ટ્રેક્ટરનો સારો એવો ઉપયોગ કરીને સુખાકારીમાં વધારો કરાય તેવી સરપંચને અપીલ કરી હતી. આ ઉપરાંત જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, મોરબી વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતે વિકાસના માર્ગે ભરેલી હરણફાળ સાથે જિલ્લાની વિકાસયાત્રામાં પણ સૌને સહભાગી બનવા તેમણે જણાવ્યું હતું.
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રામ પંચાયતોને 15 મા નાણાપંચની ગ્રાન્ટમાંથી 36 લાખથી વધુના ખર્ચે 06 ટ્રેકટર, ટ્રોલી, 11.5 લાખની કિંમતના એક જેટિંગ મશીનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશિતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કતીરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.