ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
વિશ્ર્વની પાંચ સૌથી જૂની સંસ્કૃતિઓ ધરાવતા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતની ‘નાલંદા’ તેમ જ ‘તક્ષશીલા’ વિદ્યાપીઠોમાં ભણવા છેક ચીનમાંથી હ્યુ એન સાંગ આવ્યા હતા. ઈ.સ. 1492માં સ્પેનના કોલંબસ જ્યારે ભારત આવવાનો ટૂંકો રસ્તો ખોજવા નીકળ્યો હતો ત્યારે અનાયાસે અમેરિકા ખંડની શોધ કરી હતી. એ સમય ભારતનો સુવર્ણ કાળ હતો. ભારતના મરી-મસાલાઓ અને રેશમી કાપડાની યુરોપ અને ઈંગ્લેન્ડમાં ખૂબ જ માગ હતી. એથી જ કોલંબસ ભારત આવવાનો ટૂંકો રસ્તો ખોજવા નીકળ્યો હતો. જેવી યુરોપ અને ઈંગ્લેન્ડના લોકોને અને ત્યાર બાદ વિશ્ર્વના અન્ય દેશોના લોકોને જાણ થઈ કે કોલંબસે એક નવો દેશ ખોજ્યો છે, જે અફાટ છે, જ્યાંની જમીનોના પેટાળમાં ખનિજો ભરેલાં છે અને ખેતીવાડી માટે ત્યાં પુષ્કળ જમીનો ઉપલબ્ધ છે કે એમણે એ નવા ખોજાયેલા અમેરિકા પ્રત્યે દોટ મૂકી. એ વખતે ભારતીયો ન આકર્ષાયા, કારણ કે એ સમય ભારતનો સુવર્ણ કાળ હતો. પણ પછી ભારતમાં મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા અને એક સમયે વિશ્ર્વનો સૌથી આગળ પડતો દેશ, ભારત પાછળ પડી ગયો. ભારતીયો ત્યાર બાદ ઈંગ્લેન્ડ અને એની વસાહતોમાં જવા લાગ્યા. ઈંગ્લેન્ડની ‘ઓક્સફર્ડ’ અને ‘કેમ્બ્રિજ’ યુનિવર્સિટીઓ વિશ્ર્વમાં એ સમયે પંકાતી હતી. અસંખ્ય ભારતીયોએ એ યુનિવર્સિટીઓમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. પણ એક સમયે જેની સત્તાનો સૂરજ વિશ્ર્વમાં આથમતો નહોતો એ ઈંગ્લેન્ડ ધીરે ધીરે પાછળ પડતું ગયું અને અમેરિકાએ વિશ્ર્વના સૌથી આગળ પડતા દેશોમાં સ્થાન મેળવ્યું. અમેરિકાની ‘હાર્વર્ડ’ અને ‘સ્ટેનફર્ડ’ યુનિવર્સિટીઓ વિશ્ર્વની નંબર વન યુનિવર્સિટી ગણાવવા લાગી. ભારતીયો જે ઈંગ્લેન્ડ અને એના વસાહતી દેશોમાં ભણવા, નોકરી કાજે, બિઝનેસ કરવા જતા હતા તેઓ અમેરિકા જવા લાગ્યા. અમેરિકાનું આકર્ષણ દિવસે દિવસે વધતું જ ગયું.
- Advertisement -
આજે એક વર્ષમાં લગભગ ત્રણ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે દર વર્ષે જાય છે. અમેરિકામાં ‘એચ-1બી’ વિઝા ઉપર કામ કરવા જતા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ, જેમનો વાર્ષિક ક્વોટા 85,000નો છે, એમાંના પોણા ભાગના ‘એચ-1બી’ વિઝા ભારતીયો જ પ્રાપ્ત કરે છે. આંતરકંપની ટ્રાન્સફરી ‘એલ-1’ વિઝા દ્વારા પણ અસંખ્ય ભારતીય કંપનીઓ એમના બિઝનેસની અમેરિકામાં શાખા ખોલીને એમના મેનેજરો એ શાખાઓમાં કામ કરવા મોકલે છે. જુદા જુદા પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવીને સેંકડો ભારતીયો જુદાં જુદાં કારણોસર, જુદાં જુદાં કાર્યો કરવા માટે અમેરિકા જાય છે. અમેરિકાના નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના ‘બી-1/બી-2’ વિઝા જે બિઝનેસમેનો અને પ્રવાસીઓ માટેના છે એ સૌથી વધુ સંખ્યામાં કદાચ ભારતીયો જ દર વર્ષે પ્રાપ્ત કરે છે. આમ અમેરિકા ઉપર પરદેશીઓનો પુષ્કળ ધસારો થયો છે. વિશ્ર્વના લગભગ બધા જ દેશો અને એમાં પણ ભારતના લોકો અમેરિકન સ્વપ્નાં સેવે છે. અને અમેરિકામાં પ્રવેશવા, ત્યાં કાયમ રહેવાના પ્રયત્નો કરે છે. આ ધસારાને ખાળવા અમેરિકાએ સ્થળાંતરના કુદરતી નિયમ ‘પુશ એન્ડ પુલ’ને બાજુએ મૂકીને, ‘ધ થિયેરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ અપનાવી છે. એમને ત્યાં આવતા પરેદશીઓ માટે ખાસ પ્રકારના ‘નોન-ઈમિગ્રન્ટ’ તેમ જ ‘ઈમિગ્રન્ટ’ વિઝા ઘડ્યા છે. એ મેળવવાની લાયકાતો નક્કી કરી છે અને અમુક પ્રકારના વિઝા વાર્ષિક ક્વોટાનાં બંધનોથી સીમિત પણ કર્યા છે. આ સઘળા અવરોધોના કારણે સેંકડો હજારો ભારતીયો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતના રહેવાસીઓ ગેરકાયદેસર અમેરિકામાં જવા લાગ્યા છે.
અમેરિકા ખૂબ જ પ્રગતિશીલ દેશ છે. ત્યાં તમે તમારા રૂપિયાના ડોલર કરી શકો છો. એકના અઠ્યાંસી કરી શકો છો. પણ જો ગેરકાયદેસર ત્યાં જશો, ગેરકાયદેસર રહેશો, ગેરકાયદેસર કામ કરશો તો તમને એ દેશનો ફાયદો પ્રાપ્ત નહીં થાય, ઊલટાનું તમારે લપાતાછુપાતા રહેવું પડશે. અમેરિકનોને જે મહેનતાણું મળે છે એનાથી અડધા મહેનતાણામાં તમારે કાર્ય કરવું પડશે. અમેરિકનો જે આઝાદી ભોગવે છે એ તમે ભોગવી નહીં શકો. આથી જો તમારું અમેરિકન સ્વપ્નું હોય, તમે અમેરિકા કોઈ પણ કારણસર જવા ઈચ્છતા હોવ તો ત્યાં ગેરકાયદેસર ન જતા. અમેરિકાના હાલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, જેમણે બીજી વાર અમેરિકાનું પ્રેસિડન્ટ પદ ધારણ કર્યું છે, તેઓ ઈલ્લિગલ ઈમિગ્રન્ટોની વિરુદ્ધ છે. એમની સામે કડક હાથે પગલાં લે છે. એમણે એવા એવા એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડ્યા છે, જેના કારણે જો તમે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા હશો, ગેરકાયદેસર કામ કરતા હશો, તો તમારી દશા બહુ ભૂંડી થશે. જેઓ અમેરિકામાં ત્યાંનું ગ્રીનકાર્ડ મેળવીને કાયમ રહેવાની પરવાનગી મેળવે છે તેઓ પણ જો અમેરિકાની વિરુદ્ધ કંઈ કાર્ય કરશે, અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાનો ભંગ કરશે, અમેરિકાને હાનિ પહોંચાડે એવી કોઈ પ્રવૃત્તિ આદરશે તો એમને પણ અમેરિકા બહાર કાઢી મૂકવામાં આવશે. તમારે જો અમેરિકા જવું હોય, ટૂંક સમય માટે, કોઈ ખાસ કાર્ય માટે કે પછી ત્યાં કાયમ રહેવા માટે, ગ્રીનકાર્ડ મેળવીને અમેરિકન સિટિઝન બનવા ઈચ્છતા હોવ તો એ માટે તમે કયા વિઝાને લાયક છો, એ વિઝા મેળવવા માટે શું શું જરૂરિયાત રહે છે, કાયદેસર કેવી કેવી પ્રક્રિયા કરવાની રહે છે આ સઘળું જાણી લો અને ત્યાર બાદ જ અમેરિકામાં કાયદેસર પ્રવેશો અને કાયદેસર રહો.