ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
રાષ્ટ્રહિત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિચાર વન નેશન, વન ઇલેક્શન સંદર્ભેભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટના અધ્યક્ષસ્થાને જુનાગઢ વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન પીકેએમ કોલેજ ખાતે યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યાં હતાં.
વન નેશન, વન ઇલેક્શન જેવા અતિમહત્વના વિષયના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં જુનાગઢ વિધાનસભા ક્ષેત્રના તબીબ, વેપારીઓ, વકીલો, ઉધોગપતિઓ, સીએ, વિવિધ સમાજ, તેમજ ધાર્મિક, સહકારી સંસ્થાઓ અને એનજીઓના અગ્રણીઓ, સાહિત્યકાર, લેખક તથા કવિઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ ભગિની સંસ્થાઓના અગ્રણીશ્રીઓ, વર્તમાન અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને આમંત્રિત કરાયા હતાં.ડો. પ્રશાંત કોરાટે ‘એક રાષ્ટ્ર, એક ચુંટણી‘ના વિવિધ સકારાત્મક પાસાઓ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. તેઓએ કહ્યું કે, ભારત જેવા વિશાળ લોકશાહી દેશ માટે વારંવાર યોજાતી ચૂંટણીના કારણે નાણા, માનવશક્તિ અને સમયનો મોટો બોજો પડે છે.
‘વન નેશન, વન ઇલેક્શન‘ ની વ્યવસ્થા અમલમાં લાવવાથી સમગ્ર દેશમાં લોકસભા, વિધાનસભાની તથા તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી એકસાથે યોજાતા ચૂંટણી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. વારંવાર થતી ચુંટણી અટકવાથી સરકારો તેના કાર્યકાળ દરમિયાન સતત અને વધુ પરિણામલક્ષી વિકાસમૂખી આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. માટે જ પ્રધાનમંત્રી આપણા રાષ્ટ્રના હિત માટે વન નેશન, વન ઇલેક્શનના વિચારને યથાર્થ કરવા પ્રયાસરત છે.