– પરખ ભટ્ટ
ગુજરાતી ફિલ્મજગતના જેમની ટંકશાળ પડતી એવા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની વિદાય સાથે આખાય ગુજરાતમાં સોંપો પડી ગયો. 72 અભિનેત્રીઓ, 100થી વધુ ફિલ્મો કરોડો ચાહકો ધરાવતાં નરેશ કનોડિયા કોરોનાના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા. એમના સગા ભાઈ મહેશ કનોડિયા પણ લાંબી બિમારી બાદ સ્વધામગમન પામ્યા. ‘જોડે રેજો રાજ’ અને ‘જાગ રે માલણ જાગ’ના તાલ પર યુવાહૈયા ડોલાવનાર આ ભાઈઓને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બીજી બાજુ, જનસંઘના પાયામાં રહેલાં કેશુભાઈ પટેલ, કે જેઓ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પણ હતાં એમનું 92 વર્ષની વયે અવસાન થયું. ગુજરાતી રાજકારણમાં ભાજપના મૂળિયા મજબૂત બનાવનાર કેશુભાઈ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ થયા બાદ હ્રદય અને ફેફસાંની બિમારીને કારણે અવસાન પામ્યા. એક જ અઠવાડિયે બે અલગ-અલગ ક્ષેત્રો સાથે જોડાયેલાં ત્રણ ગુજરાતી મહાનુભાવો એકીસાથે અવસાન પામ્યા હોય એવું કદાચ પહેલી જ વખત બન્યું હશે!
- Advertisement -
બિહારી બાબુ કા ચુનાવ!
પાછલા એકાદ-બે મહિનાથી આખું બિહાર ચૂંટણી પ્રચારોથી ધમધમી રહ્યું હતું. 28 ઑક્ટોબરથી 7 નવેમ્બર સુધી ચાલનારા બિહાર મતદાનમાં આજ વખતે ઘણા રાજનૈતિક પાસાં પલટાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને સ્મૃતિ ઇરાની અને યોગી આદિત્યનાથે પણ રેલીઓ સંબોધવી પડી. હાથરસ કાંડને કારણે ખરડાયેલી છબીને સુધારવા માટે ભાજપે દિવસ-રાત એક કર્યા, એમ કહીએ તો પણ ખોટું નથી. 28 ઑક્ટોબરના રોજ શરૂ થયેલું મતદાન ‘ટોક ઑફ ધ ટાઉન’ બનીને સોશિયલ મીડિયા પર ગાજતું રહ્યું. જોકે, પહેલા તબક્કાના મતદાનમાં ફક્ત 52.24 ટકા મતદાન થતાં એ હકીકત પણ સામે આવી કે 21મી સદીમાં પણ ભારતીયો હજુ મતદાનના અધિકાર અને મહત્વને પૂરેપૂરી રીતે સમજી શક્યા નથી.
વડાપ્રધાનની ગુજરાત સવારી
- Advertisement -
અમદાવાદના સાબરમતી રિવર-ફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી શરૂ થઈ રહેલી સી-પ્લેન સવારીનો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શુભારંભ થયો. લોખંડી પુરૂષ સરદાર પટેલની 146મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતનો સર્વપ્રથમ સી-પ્લેન પ્રોજેક્ટ ઘણા બધા કારણોથી વિવાદો વચ્ચે ઘેરાયેલો રહ્યો. સ્પાઇસ જેટ કંપની દ્વારા પ્રોવાઇડ કરવામાં આવેલું સી=પ્લેન પૂરા પચાસ વર્ષ જૂનું હોવાની વાત સામે આવતાં સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો. ફક્ત આટલું જ નહીં, વ્યક્તિ દીઠ 4800 રૂપિયાની ટિકિટ રાખવાને કારણે ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર બળાપો પણ ઠાલવ્યો. ગરીબ તથા મધ્યમવર્ગીય પરિવારોના સભ્યોને 14-15 હજાર રૂપિયા ભરી સી-પ્લેનની સવારી કરવી કેમ પોસાય એવો પણ મુદ્દો ઉઠ્યો. ખેર, વિવાદો તો દર વખતે ઉઠ્યા રાખે! મહત્વની વાત એ છે કે, અમદાવાદથી કેવડિયા સુધીનું 200 કિલોમીટરનું અંતર હવે ફક્ત 45 મિનિટમાં 12-સીટર સી-પ્લેન મારફતે કાપી શકાશે.
નેહુ દા વ્યાહ !
24મી ઑક્ટોબરના રોજ દિલ્હી ખાતે ભારતની સૌથી ખ્યાતનામ ગાયિકા નેહા કક્કર પંજાબી સિંગર રોહનપ્રિત સિંઘ સાથે વૈવાહિક સંબંધોમાં બંધાઈ. દીપિકા પદુકોણ-રણવીર સિંહ, અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની જેમ નેહા કક્કર અને રોહનપ્રિત સિંઘના લગ્ન પણ સોશિયલ મીડિયા પર હેશટેગ ‘નેહુ દા વ્યાહ’ સાથે સતત ટ્રેન્ડિંગ રહ્યા. લગ્નના એક દિવસ પહેલાં એમણે આ નામે એક રોમેન્ટિક ગીત પણ યુટ્યુબ પર રીલિઝ કર્યુ.
સેક્યુલારિઝમનો વાસ્તવિક આયનો
ધર્મ એક એવો વિષય છે, જેના પર છાશવારે વિવાદોની આંધી ઉઠતી રહે છે. ફ્રાન્સમાં પણ આવું જ કંઈક બન્યું છે. સેમ્યુઅલ પેટ્ટી નામના શિક્ષકે પોતાના વિદ્યાર્થીને મોહમ્મદ પયગંબરના કાર્ટૂન દેખાડ્યા, જેના કારણે તેઓ વિવાદ વચ્ચે ઘેરાયા. ઘાતકી મુસ્લિમ હત્યારાએ એમનું ખૂન કરી નાંખ્યુ, જેના લીધે આખા ફ્રાન્સમાં સેમ્યુઅલના સમર્થનમાં સૂર ઉઠ્યો. ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા પણ આ પ્રકારના કાર્ટૂન રજૂ કરવાની વાતને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ ગણાવી. આથી દુનિયાભરના મુસ્લિમો ગુસ્સે ભરાયા. પાછલા કેટલાય દિવસોથી આખા સોશિયલ મીડિયા પર ફ્રેન્ચ પ્રેસિડન્ટ વિરૂદ્ધ બળવા પોકારવામાં આવી રહ્યા છે. પરંતુ અહીં એક વાત સમજવા જેવી એ છે કે હિંદુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ ધર્મના ઇશ્વર પર વ્યંગાત્મક કાર્ટૂનો બને ત્યારે તેઓ વિરોધ નથી નોંધાવતા પરંતુ ઇસ્લામ વિરૂદ્ધ કાર્ટૂન બને ત્યારે એવી અપેક્ષા રાખે કે સમગ્ર વિશ્વ એમનું સમર્થન કરે. આ છે સેક્યુલારિઝમનો વાસ્તવિક આયનો! સોશિયલ મીડિયા પર ઘણાં લોકો ફ્રાન્સની તરફેણ કરી રહ્યા છે. ભારતમાં પણ ફ્રેન્ચ પ્રેસિડેન્ટના સમર્થનમાં ટ્વિટ્સ જોવા મળી રહી છે.