સુરતમાં લક્ઝરી બસ બની બેફામ
કનૈયા ટ્રાવેલ્સે કાર, બાઈક, રિક્ષાને અડફેટે લીધાં: લોકોએ ડ્રાઈવરને ઝડપી પોલીસને સોંપ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તાથી દાદા ભગવાન મંદિર સુધી એક લક્ઝરી બસના ચાલકે નાનાં-મોટાં 8 જેટલાં વાહનોને અડફેટે લીધાં હતાં. કામરેજ ચાર રસ્તા પાસે લોકોએ બસના ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. અકસ્માતમાં એકનું મોત અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સુરતમાં નેશનલ હાઇવે 48 પર લક્ઝરી બસ બેફામ બની હતી. કામરેજ ચાર રસ્તાથી ડ્રાઈવર વાહનોને ઉડાવતો-ઉડાવતો દાદા ભગવાન મંદિર સુધી આવ્યો હતો. જેમાં કાર, બાઈક, રિક્ષા સહિતનાં આશરે સાતથી આઠ વાહનોને અડફેટે લીધાં હતાં. કામરેજ પાસે અકસ્માત સર્જનાર બસનું નામ કનૈયા ટ્રાવેલ્સ હોવાનું સામે આવ્યું છે. આ બસ ગુંદા, જામનગર થઈ સુરત આવી રહી હતી. લોકોએ ડ્રાઈવરને પોલીસને સોંપ્યો છે. પોલીસ દ્વારા હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અકસ્માત સમયે કામરેજ ચાર રસ્તા પાસે હાજર વ્યક્તિ કેતનભાઈએ જણાવ્યું હતું કે, બસવાળો ફુલઝડપે બ્રેક માર્યા વિના બસ ચલાવી રહ્યો હતો. અહીં રસ્તમાં જે ઊભા હતા એને ઉડાવતો ગયો. એક જણાનું મારી સામે જ મોત થયું હતું તેમજ બે મહિલાઓ મારી સામે ઘાયલ થઈ હતી જેમના પગ ભાંગી ગયા છે. મારી ગાડીને ટક્કર મારતો ગયો, હું ભાગી ન શક્યો કેમ કે નજીક આવી ગયા પછી શું થાય. અમે તો ભગવાન ભાળી ગયા હતા.
- Advertisement -
અકસ્માતમાં જે બાઈકને લક્ઝરીએ અડફેટે લીધી તે બાઈકચાલકે જણાવ્યું કે, હું સુરત બાજુ જઈ રહ્યો હતો ત્યારે કનૈયા ટ્રાવેલ્સ નામની ખાનગી લક્ઝરીનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં વાહનોને ઉડાડતો આવતો હતો. મને સામેની બાજુ જવાની સાઈડ ન મળતા હું બાઈકને સ્ટેન્ડ પર ચડાવી કૂદકો મારીને બચી ગયો, પરંતુ મારી બાઈક સાવ પૂરી થઈ ગઈ હતી. મારા અંદાજ પ્રમાણે આ અકસ્માતમાં 3થી 4 લોકોના મોત નીપજ્યા છે.