કોઠારિયા ગામમાં ખુલશે વિકાસના દ્વાર
લોકસભા ચૂંટણી બાદ કોઠારિયા ટીપી સ્કીમ નં 39 ડ્રાફ્ટને મળશે મંજૂરી
- Advertisement -
નવી ટીપી સ્કીમ મંજૂરી બાદ કોઠારિયામાં બનશે નવા રોડરસ્તા, મકાન, બાગ-બગીચા
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.23
રાજકોટ દિવસેને દિવસે વધુને વધુ વિકાસ પામી રહ્યું છે, દિન દુગનું રાત ચોગનું વિસ્તરી રહ્યું છે. રાજકોટ શહેરનો વ્યાપ વધતા ડ્રાફ્ટ તૈયાર થયેલ ટીપી સ્કીમોને ફટાફટ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી રહી છે. જેમાં 2024-25ના વર્ષ દરમિયાન વધુ 10 જેટલી નવી ટીપી સ્કીમ તૈયાર કરવામા આવશે. જેમાં કોઠારિયા ટીપી સ્કીમ નંબર 39નો પણ સમાવેશ થાય છે. રાજકોટના કોઠારિયા ગામમાં નવી ટીપી સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર છે. લોકસભા ચૂંટણી બાદ કોઠારિયામાં નવી ટીપી સ્કીમના ડ્રાફ્ટને મંજૂરી મળશે એવું જણાય રહ્યું છે. કોઠારિયા ગામમાં નવી ટીપી સ્કીમ મંજૂરી બાદ રોડરસ્તા, મકાન, બાગ-બગીચા સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે જેથી કોઠારિયા ગામમાં વિકાસના દ્વાર ખુલશે.ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટ જેમ જ રાજકોટ પાસેના ગામ પણ વિસ્તરી રહ્યા છે અને ધીમેધીમે શહેરમાં ભળી રહ્યા છે.
- Advertisement -
હાલ કોઠારિયા ગામમાં જમીનના ભાવ પણ નીચા છે એટલે કોઠારિયા ગામમાં નવી ટીપી સ્કીમ મંજૂર થતા જ સામાન્ય માનવીના ઘર, દુકાન, ઓફિસ લેવાના પણ સપના પુરા થશે, અહીં હોસ્પિટલથી લઈ નવી શાળા, કોલેજ ખુલશે તેમજ કોઠારિયાથી લઈ પડવલા સુધીના રોડ પર આવેલા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટને પણ ઘણો ફાયદો થશે. આ સાથે જ કોઠારિયા ગામમાં નવી ટીપી સ્કીમ નં. 30 મંજૂર થતા અહીં માળખાકીય સુવિધામાં પણ વધારો થશે.
કોઠારિયા ટીપી સ્કીમ નંબર 39 ડ્રાફ્ટની વિગત
ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-1976ની કલમ-41(1)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.70 તા.19-05-2023થી મુસદારૂપ નગર રચના યોજના નં.39-કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ કોઠારીયાનાં રેવન્યુ સર્વેનં. 298, 300, 301, 308થી 332 તથા સરકારી ખરાબાનાં સર્વે નં.352 પૈકી યોજનાનો હદ વિસ્તાર (ચતુર્સીમા) ઉત્તરે : સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.38(કોઠારીયા)ની હદ દક્ષિણે : લાગુ ખોખડદડ ગામનાં સર્વે નંબર પૂર્વે : ખોખડદડી નદી તથા ત્યારબાદ કોઠારીયા અને લાપાસરી ગામનાં સર્વે નંબર પશ્ચિમે : કોઠારીયાનાં સર્વે નંબર યોજનાનું કુલ ક્ષેત્રફળ 15,06,038 ચો.મી. એટલે કે 150.60 હેકટર જેટલું છે.સદરહુ યોજનાની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ તા. 04/11/2023નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજૂતી આપીને કચેરીનાં સમય દરમિયાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખીને રાજ્યપત્ર તથા દૈનિક વર્તમાનપત્રોમાં જાહેર પ્રસિદ્ધિ આપીને એક માસમાં વાંધા સુચનો લેખિતમાં રજુ કરવા જણાવેલ, જે પરત્વે ગુણવતાના ધોરણે યોગ્ય લાગે તેવા ફેરફારો કરીને દરખાસ્ત અધિનિયમની કલમ-48(1) હેઠળ સરકારશ્રીમાં મંજૂરી અર્થે સાદર કરવામાં આવેલ છે.
યોજના વિસ્તારમાં કુલ 94 મૂળખંડની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ 193 ફાળવીને રાજકોટ મહાનગરપાલિકાને અનામત જમીન તરીકે ફાળવાયેલ 72 પ્લોટસ મળીને 265 અંતિમખંડ ફાળવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા માટે એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે 13 – 88,237 ચો.મી. રહેણાંક વેંચાણ માટે 16 તથા વાણિજ્ય વેંચાણ માટે 12 મળી કુલ 28 – 1,32,432 ચો.મી. સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 11 – 44,217 ચો.મી. ગાર્ડન/ઓપન સ્પેસ/પાર્કિંગ હેતુ માટે 20 પ્લોટ્સ – 44,146 ચો.મી. મળીને કુલ 72 અંતિમખંડોની 3,09,032 ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે. 9 મી., 12 મી., 15 મી., 18 મી., 24 મી., 30 મી. અને 45 મી. પહોળાઈનાં 3,08,449 ચો.મી. જેટલાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલા છે.