ભારતના આધ્યાત્મિક વિશ્ર્વનું આસમાન અનેક તેજસ્વી સીતારાઓથી ઝળહળી રહ્યું છે, પણ સાથે-સાથે આ દેશમાં લેભાગુ, દંભી, ઢોંગી અને કપટી બાબાઓનો પણ તોટો નથી.
ડૉ.શરદ ઠાકર
આપણો આ મહાન દેશ સાચા સિદ્ધો અને મહાત્માઓની જન્મભૂમિ રહી છે. સહસ્રાબ્દીઓથી આ મહાન દેશમાં એક-એકથી તેજસ્વી સિદ્ધ પુરુષો થયા છે. ભારતના આધ્યાત્મિક વિશ્ર્વનું આસમાન અનેક તેજસ્વી સીતારાઓથી ઝળહળી રહ્યું છે. પણ સાથે-સાથે આ દેશમાં લેભાગુ, દંભી, ઢોંગી અને કપટી બાબાઓનો પણ તોટો નથી.
- Advertisement -
એક સાચા સિદ્ધને શોધવા જાઓ તો તમને દશ હજાર ખોટા બાબાઓ ભટકાશે. એમાં કઇંક વાંક આપણી ભોળી પ્રજાનો પણ છે. કારણ કે આપણી જનતા પોતાના સાંસારિક દુ:ખો, સાંસારિક સમસ્યાઓ, અભાવો એ બધું લઈ આવા લેભાગુ બાબાઓ પાસે જતા હોય છે. એમની અપેક્ષા એવી હોય છે કે બાબા કઇંક ભભૂતિ પધરાવે, કઇંક અગડમ-બગડમ મંત્ર-જાપ કરે, માથા પર હાથ ફેરવે, જડીબુટ્ટી આપે, માદળીયું કે તાવીજ બાંધી આપે એટલે તેમના તમામ દુ:ખો દૂર થઈ જાય. એમની દીકરીને સરસ મુરતિયો મળી જાય, દીકરાને સારી નોકરી મળી જાય, એમનું પોતાનું આયુષ્ય વધી જાય, જીવલેણ બીમારી હોય, અસાધ્ય બિમારી હોય તો પણ ચપટી વગાડતામાં મટી જાય, અચાનક લોટરીની ટીકીટ ખરીદ્યા વગર દસ-બાર કરોડની લોટરી લાગી જાય. આ બધી અપેક્ષાઓ જ ઢોંગીબાબાને જન્મ આપે છે.
ઓશોએ સરસ કહ્યું છે, “अगर बुद्ध और सत्य साईंबाबा दोनों खड़े होंगे तो तुम सत्य साईंबाबा के पास जाओगे, बुद्ध के पास नही। क्योंकि बुद्ध ऐसी मूढ़ता नही करेंगे कि तुम्हे ताविझ दे, हाथ से राख गिराए, बुद्ध कोई मदारी नही है। लेकिन तुम मदारियों की तलास में हो, तुम चमत्कार से प्रभावित होते हो, क्योंकि तुम्हारी गहरी आकांक्षा, वासना परमात्मा की नही है। तुम्हारी गहरी वासना संसार की है।”