શાળાના વિદ્યાર્થીઓએ કોડિંગનો ઉપયોગ કરીને એપ્સ, ગેમ્સ અને એનિમેશન બનાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ, જિલ્લા પંચાયત ગાંધીનગર, જટઙ ઇન્ડિયા, અજઙક અને કોડ ટુ એન્હાન્સ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત સહયોગથી 12 માર્ચ 2025 ના રોજ ગાંધીનગર શહેરના પથિકાશ્રમ નિલયા ખાતે એક દિવસીય જિલ્લા સ્તરીય કમ્પ્યુટર સાયન્સ હેકાથોન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં, જિલ્લાની જિલ્લા પંચાયત શાળાઓમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોના 3612 વિદ્યાર્થીઓનું નોંધણી કરવામાં આવી હતી. આમાંથી 892 વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર વગર પડકાર ઉકેલ્યો. આ વિદ્યાર્થીઓમાંથી, 10 શાળાઓના 30 વિદ્યાર્થીઓને તેમના સચોટ લેઆઉટ અને અનપ્લગ્ડ ચેલેન્જમાં ઉત્તમ પ્રદર્શનના આધારે જિલ્લા સ્તરના કમ્પ્યુટર સાયન્સ હેકાથોન માટે પસંદ કરવામાં આવ્યા હતા. પસંદગીની શાળાઓના વિદ્યાર્થીઓએ સ્ક્રેચ પ્લેટફોર્મ પર કોડિંગ કરીને રમતો, એનિમેશન અને એપ્લિકેશનના રૂપમાં પ્રોજેક્ટ્સ બનાવ્યા અને સમસ્યાઓના ઉકેલો શોધી કાઢ્યા હતા. કોડિંગ પ્રોજેક્ટ્સ બનાવતી વખતે વિદ્યાર્થીઓએ 21મી સદીના કૌશલ્યો જેમ કે વિવેચનાત્મક વિચારસરણી, સહયોગ, સંદેશાવ્યવહાર અને સમસ્યાનું નિરાકરણનો ઉપયોગ કર્યો. નવી શિક્ષણ નીતિ અનુસાર, આ કૌશલ્યો શાળાઓમાં શીખવવામાં આવવા જોઈએ અને આ પહેલ એ જ નીતિને અનુરૂપ છે.
હેકાથોનના વિજેતાઓમાં આરોહીબેન ઉદેસિંહ ચૌહાણ, કપિલાબેન મોહનભાઈ ચૌહાણ, જસ્ટકુમાર દીનેશજી ચૌહાણ, પરમાર રાજકુમાર જશુભાઈ, રાવલ દેવયાંગી રાજેન્દ્રકુમાર, રાવલ નિરાલી સંતોષભાઈ, દિયા ગજ્જર, જાનકી રબારી, સાક્ષી સોલંકી સહિત કુલ 10 શાળાઓના વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. પ્રથમ ત્રણ શાળાઓને લેપટોપ, ફિજિકલ કમ્પ્યુટિંગ કીટ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પુસ્તકો, પ્રમાણપત્રો, ભેટો, રોકડ પુરસ્કારો અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. બાકી રહેલ સાત શાળાઑ ને પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પુસ્તકો, પ્રમાણપત્રો, ભેટો, રોકડ પુરસ્કારો અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોડ ટુ એન્હાન્સ લર્નિંગની ટીમે સખત મહેનત કરી.