ભારે ગરમીને ધ્યાનમાં રાખી મત ગણતરી કેન્દ્ર ખાતે આરોગ્ય ટીમ ફરજરત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
- Advertisement -
13-જૂનાગઢ લોકસભા બેઠકની મત ગણતરી તા.4 જૂનના રોજ થવાની છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયાએ મતગણતરી માટેની જરૂરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેની કૃષિ અને ઇજનેરી મહાવિદ્યાલય ખાતે જૂનાગઢ લોકસભા બેઠક હેઠળના 7 વિધાનસભા મતક્ષેત્રની મતગણતરી કરવામાં આવશે. આ માટે નિયત ટેબલ સહિત અન્ય વ્યવસ્થાઓ ગોઠવવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. ઉપરાંત સુરક્ષા, પાર્કિંગ સહિતની વ્યવસ્થા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ઉના, તાલાળા, કોડીનાર, સોમનાથ અને માંગરોળના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને તેમની પાસેથી પણ કલેકટરશ્રીએ મત ગણતરી માટેની પૂર્વ તૈયારીઓની વિગતો મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, મત ગણતરીમાં રોકાયેલા સ્ટાફને જરૂરી તાલીમ પણ આપવામાં આવે છે. જેથી મત ગણતરી માટેની નિયત પ્રક્રિયા સુચારુ રીતે અનુસરી શકાય જયારે ભારે ગરમીને ધ્યાનમાં રાખી મત ગણતરી કેન્દ્ર ખાતે આરોગ્ય ટીમ ઘછજ સહિત જરૂરી દવાઓ સાથે ફરજરત રહે તે માટે નિર્દેશ આપ્યા હતા. આ સાથે 108ની સેવાઓ મળી રહે તે માટે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવા માટે પણ સૂચના આપી
હતી.