ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નવલા નોરતાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ મહાપર્વ દરમિયાન સુચારું વ્યવસ્થાઓ જળવાઈ રહે અને ખાસ કરીને યુવાઓમાં હૃદય રોગના બનાવો ધ્યાને આવ્યા છે, ત્યારે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ નવરાત્રિના આયોજકો સાથે બેઠક યોજી હતી અને વિશેષ કરીને આરોગ્યલક્ષી જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા અને નવરાત્રિ દરમિયાન સ્થળ પર પ્રાથમિક તબીબી સેવાઓ મળી રહે તે માટે આયોજકોને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં નવરાત્રીના દરેક આયોજકોને 10 જેટલા સ્વયંસેવકોને કટોકટીના સમયમાં જીવ બતાવવા માટે ઈઙછ એટલે કે કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશનની તાલીમ લેવા માટે સૂચના આપવામાં આવી હતી. આ માટે તાલીમની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. ખેલૈયાઓના આરોગ્યને ધ્યાનમાં રાખી નવરાત્રી દરમિયાન શું કરવું ? અને શું ન કરવું ? તે માટે માર્ગદર્શિકા તૈયાર કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
માર્ગદર્શિકા તૈયાર થયે કોલેજ મારફત વિદ્યાર્થીને આ માર્ગદર્શિકા સમજુત કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. ઉપરાંત ખેલૈયાઓ બીમારીનો ભોગ ન બને તે માટે આયોજકો દ્વારા વેચાણથી આપતા ફૂડના ગુણવત્તા જળવાઈ તે માટે પણ સૂચના આપી હતી.