મહુવા વડલીમાં ‘સારા સમાચાર’ રૂપક પ્રસંગો સાથે રામકથા ‘માનસ ભૂતનાથ’ ગાન કરાવતાં મોરારિબાપુ
-મૂકેશ પંડિત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
‘ચિત્રકૂટ ધામ’ મહુવા વડલીમાં ’સારા સમાચાર’ રૂપક પ્રસંગો સાથે રામકથા ’માનસ ભૂતનાથ’ ગાન કરાવતાં શ્રી મોરારિબાપુએ આજે વૈરાગ્ય અને વિવેક એ સાધુના મુખ્ય લક્ષણ રામાયણ બતાવે છે તેમ જણાવી સમાજ પ્રેરક ચિંતન રજૂ કર્યું. શ્રી મોરારિબાપુએ રામકથાના સાતમાં દિવસે વ્યાસપીઠ પરથી રામકથા ’માનસ ભૂતનાથ’ ગાન કરાવતાં વિવિધ પ્રસંગોના વર્ણન દરમિયાન સાધુના લક્ષણો વર્ણવ્યાં. વૃત્તિમાં વૈરાગ્ય અને વ્યવહારમાં વિવેક એ સાધુના મુખ્ય લક્ષણ રામાયણ બતાવે છે તેમ કહ્યું.
કથા માત્ર ક્રિયાકાંડ ન બને તે માટે શ્રી મોરારિબાપુ સતત પ્રયત્નશીલ રહ્યા છે. આજે કથા વર્ણન સાથે જ સમાજ માટે રામરાજ્યની વાત કરતાં સંદેશો અપાયો કે, સરકાર, સરપંચ એટલે ગામ, શાળા, ધર્મ સંસ્થા અને ઘર સાથે સમાજ આ બધું જ સ્વચ્છ અને સ્વસ્થ હોય એટલે જ રામરાજ્ય બની શકે. સરકાર અને સંસ્થાઓ દ્વારા શરૂ થયેલાં વ્યાપક સ્વચ્છતા અભિયાનની પ્રશંસા પણ કરી. આ સાથે જ બહારની સ્વચ્છતા કરતાં ભીતરની સ્વચ્છતા માટે આગ્રહ વ્યક્ત કર્યો. વિનોબાજીના વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયના સંદેશનો ઉલ્લેખ કરી સંસ્કાર સાથેના વિજ્ઞાનના ઉપયોગ તથા અંધશ્રદ્ધા સામે જાગૃતિ રહેવા જણાવ્યું.
રામકથા પ્રવાહમાં અયોધ્યામાં રાજકુમારના નામકરણ, વિશ્વામિત્ર ઋષિ યજ્ઞ, અહલ્યા ઉદ્ધાર, જનકપુર સ્વયંવર અને લગ્ન પ્રસંગ સાથે બાલકાંડ ગાન કરાવતાં શ્રી મોરારિબાપુએ ઘર, હૃદય અને આંખના ખૂણા સાચવવાં ભાર મૂક્યો અને આ ખૂણો સંચવાય તો લૂણો નહિ લાગે તેમ ટકોર કરી. સમાજમાં સુધારક અને વિચારક ઘણાં છે પરંતુ સ્વીકાર કરનારાં કેટલાં તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો. મોરારિબાપુ દ્વારા ‘સારા સમાચાર’ રૂપક પ્રસંગો સાથે રામકથા ’માનસ ભૂતનાથ’ ગાન માટે નિમિત્તમાત્ર મનોરથી શ્રી દાનાભાઈ કળસરિયા ફાફડાવાળા પરિવાર દ્વારા થયેલાં આયોજન દરમિયાન ભૂતનાથ મહાદેવ સંકુલ વિકાસ માટે દાતાઓ દ્વારા ઉદારતાથી ફાળો એકત્ર થઈ રહ્યો છે. ‘ચિત્રકૂટ ધામ’ ખાતે રક્તદાન શિબિરમાં શ્રોતાઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ભજન સાથે પ્રભુપ્રસાદ માટે વિશાળ રસોડા અને ભોજનગૃહ દિવસ રાત સતત ધમધમી રહેલ છે.